GSTV
Gujarat Government Advertisement

ખુલાસો / પીએમ મોદીને જીવનમાં આ કામ ન કરી શકવાનું છે દુખ, ગણાવી પોતાની મોટી ખામી

મોદી

Last Updated on March 1, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક કાર્યક્રમ ‘મન કી બાત’માં જળ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું, જળ આપણા માટે જીવન, આસ્થા અને વિકાસની ધારા છે. પાણી એક રીતે પારસ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. પાણીના સંરક્ષણ માટે આપણે બધાએ અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ. આગામી મહિને ૨૨મી માર્ચે ‘વિશ્વ જળ દિવસ’ પણ છે. પોતાની ખામી અંગે મોદીએ કહ્યું કે વિશ્વની સૌથી પ્રાચીનતમ ભાષા તમિલ નહીં શીખી શકવાનું તેમને દુખ છે. વધુમાં તેમણે આત્મનિર્ભર ભારતને રાષ્ટ્રીય ભાવના ગણાવી. તેમણે કહ્યું આત્મનિર્ભર ભારતનો અર્થ છે આપણા દેશની વસ્તુઓ પર ગર્વ થવો.

વિશ્વની સૌથી પ્રાચીન તમિલ ભાષા નહીં શીખી શકવાનું દુઃખ છે : મોદી

વડાપ્રધાને કહ્યું હતું કે, તમિલ એક સુંદર ભાષા છે. અનેક લોકોએ મને તમિલ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખાયેલી કવિતાઓના ઊંડાણ અંગે ઘણું બધું જણાવ્યું છે, પરંતુ મને પસ્તાવો છે કે હું આ ભાષા શીખી શક્યો નથી. વડાપ્રધાન મોદીએ માઘ મેળાથી ૭૪મી ‘મન કી બાત’ની શરૂઆત કરી. તેમણે કહ્યું, શનિવારે માઘ પૂર્ણિમા હતી. ‘માઘે નિમગ્નાઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ. અર્થાત માઘ મહિનામાં કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી કોઈ ને કોઈ પરંપરા હોય છે. નદી કિનારે અનેક સભ્યતાઓ વિકસી છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી તેનો વિસ્તાર આપણે ત્યાં વધુ મળે છે.’

પીએમ મોદીએ ‘મન કી બાત’માં જળ સંરક્ષણ પર ભાર મૂક્યો

તેમણે ઉમેર્યું, આ વખતે હરિદ્વારમાં કુંભ મેળો પણ યોજાઈ રહ્યો છે. આપણા માટે જળ જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી પારસ કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે. એમ કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ પણ સોનુ બની જાય છે. એ જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે ખૂબ જ જરૂરી છે. હવે ઉનાળો શરૂ થઈ રહ્યો છે. તેથી જળ સંરક્ષણનો આ જ યોગ્ય સમય છે. નજીકના સમયમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા જળ શક્તિ અભિયાન ‘કેચ ધ રેઈન’ શરૂ કરાશે.

સંત રવિદાસનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુવાનો કોઈપણ કામ કરવા માટે જૂની રીતોમાં ના અટવાય. આજે પણ સંત રવિદાસજીના શબ્દો, તેમનું જ્ઞાાન, આપણું માર્ગદર્શન કરે છે. સંત રવિદાસે કહ્યું હતું કે આપણે બધા એક જ માટીના વાસણ છીએ, આપણને બધાએ એક ઈશ્વરે જ બનાવ્યા છે. યુવાનોએ તેમના સપનાઓ પૂરા કરવા માટે અન્યો પર નિર્ભર ન રહેવું જોઈએ. યુવાનોએ પોતાનું જીવન અને લક્ષ્ય જાતે જ નક્કી કરવા જોઈએ. તેમણે આગામી પરીક્ષા અંકે ચર્ચા કરી અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માય ગાંવ પોર્ટલ પર સંપર્ક કરવાની સલાહ આપી અને કહ્યું કે ત્યાં પરીક્ષાની ટીપ્સ અપાઈ છે, જેનો લાભ ઉઠાવવો જોઈએ.

વડાપ્રધાને આત્મનિર્ભર અભિયાનને પણ યાદ કરતાં કહ્યું, આત્મનિર્ભર ભારતની પહેલી શરત એ છે કે પોતાના દેશની વસ્તુઓ પર ગર્વ હોવો. પ્રત્યેક દેશવાસી સ્વદેશી વસ્તુઓ સાથે જોડાય છે ત્યારે આત્મનિર્ભર ભારત માત્ર એક આર્થિક અભિયાન ન રહીને એક રાષ્ટ્રીય ભાવના બની જાય છે. આત્મનિર્ભર ભારતમાં વિજ્ઞાાનનું યોગદાન પણ ઘણું મોટું છે. આપણે વિજ્ઞાાનને ‘લેબ ટુ લેન્ડ’ મંત્ર સાથે આગળ લઈ જવાની જરૂર છે. સ્વદેશી તેજસ વિમાન, ભારતમાં બનેલી ટેન્ક, મિસાઈલો આપણું ગૌરવ વધારે છે. આપણે ભારતમાં બનેલી રસી અનેક દેશો સુધી પહોંચતા જોઈએ ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો