Last Updated on March 14, 2021 by
ધાર્મિક કટ્ટરવાદનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પણ હવે યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવા અને ઈસ્લામિક સ્કૂલો બંધ કરવાની કવાયત હાથ ધરી છે. મહિન્દા રાજાપક્ષે સરકારના એક મંત્રીએ શનિવારે જાહેરાત કરી હતી કે શ્રીલંકામાં ટૂંક સમયમાં જ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકાશે. સાથે દેશમાં 1000 જેટલી ઈસ્લામિક સ્કૂલો પણ બંધ કરવામાં આવશે. યુરોપના અનેક દેશોએ બુરખા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં પણ બુરખા પર પ્રતિબંધ માટે જનમત લેવાયો હતો.
શ્રીલંકાના જાહેર સુરક્ષા મંત્રી સરથ વેરાસેકેરાએ જણાવ્યું હતું કે, તેમણે કેબિનેટની મંજૂરી માટે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ બિલમાં રાષ્ટ્રીય સલામતીના આધારે મુસ્લિમ મહિલાઓ પર બુરખો પહેરવા પર પ્રતિબંધની માગ કરાઈ છે. આ બિલ કેબિનેટમાંથી પસાર થશે તો શ્રીલંકાની સંસદ તેના પર કાયદો બનાવી શકે છે. વેરાસેકેરાએ કહ્યું કે, સરકારે એક હજારથી વધુ મદરેસા ઈસ્લામિક સ્કૂલો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. આ મદરેસા શ્રીલંકાની રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓના ધજાગરા ઉડાવે છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે કોઈપણ સ્કૂલ ખોલી શકશે નહીં અને બાળકોને તમે જે પણ ઈચ્છો છો તે શીખવાડી શકશો નહીં.
સરથ વેરાસેકેરાએ કહ્યું કે, પહેલાના સમયમાં મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ બુરખા પહેરતી નહોતી. આ તાજેતરમાં જ આવેલા ધાર્મિક અતિવાદનો સંકેત છે. અમે નિશ્ચિતરૂપે બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છીએ. માનવામાં આવે છે કે આ કાયદાથી શ્રીલંકામાં મુસ્લિમોમાં ગુસ્સો વધી શકે છે.
બૌદ્ધ બહુમતી ધરાવતા શ્રીલંકામાં વર્ષ ૨૦૧૯માં ઈસ્લામિક આતંકવાદીઓએ ચર્ચ અને હોટેલો પર હુમલો કર્યા પછી થોડાક સમય માટે બુરખો પહેરવા પર પ્રતિબંધો મૂકાયા હતા. આ હુમલામાં ૨૫૦થી વધુ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં શ્રીલંકાએ અનેક આરોપીઓની ધરપકડ પણ કરી હતી.
શ્રીલંકાએ કોરોના મહામારી દરમિયાન સંક્રમણથી માર્યા ગયેલા મુસ્લિમોના શબને દફનાવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સમયે સરકારે એવી દલીલ કરી હતી કે તેનાથી સંક્રમણ ફેલાવવાની સંભાવના નહીં રહે. જોકે, તે સમયે શ્રીલંકાના મુસ્લિમોએ સરકારના આ નિર્ણયનો આકરો વિરોધ કર્યો હતો. આ વિવાદ શ્રીલંકાની સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, પરંતુ સરકારનો નિર્ણય બદલાયો નહોતો. પાછળથી અમેરિકા અને આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથોની ટીકા પછી સરકારે આ વર્ષના પ્રારંભમાં આ પ્રતિબંધ હટાવ્યો હતો.
મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓને જાહેરમાં બુરખો પહેરવા પર યુરોપના અનેક દેશોએ આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલા છે, જેમાં નેધરલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, જર્મની, ડેન્માર્ક અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. તાજેતરમાં જર્મની, ફ્રાન્સ અને ડેન્માર્કમાં કટ્ટરવાદ વધતાં આ દેશોએ અન્ય અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવાની પણ જાહેરાત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં તાજેતરમાં બુરખા પર પ્રતિબંધ મુકવા માટે જનમત લેવાયો હતો અને ત્યાર પછી જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31