Last Updated on March 23, 2021 by
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં સૈન્યએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. મધ્ય રાત્રીએ આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આતંકીઓને સૈન્યની જાણકારી થઇ જતા ગોળીબાર શરૂ થઇ ગયો હતો જે કલાકો સુધી ચાલ્યો હતો. સૈન્યએ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને આ ઓપરેશન પાર પાડયું હતું અને ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. આ જાણકારી આઇજીપી વીજય કુમારે આપી હતી.
આતંકીઓને સરેન્ડર કરવા માટે પત્ની અને બાળકોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છતા ન માન્યા તેથી માર્યા ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આતંકીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હતી જે બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકીઓ સ્થાનિક છે તેની જાણકારી મળતા અમે તેમના પરિવારને પણ બોલાવ્યા હતા અને આત્મસમર્પણ કરવા કહ્યું હતું.
એક આતંકીની પત્ની અને માત્ર ચાર વર્ષના બાળકને અમે બોલાવી આત્મસમર્પણ કરવાની અપીલ કરાવી હતી પણ આતંકીઓએ ના પાડી દીધી હતી. બાદમાં આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો. વળતા જવાબમાં ચાર આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં રઇસ અહેમદ, આમીર શરીફ, રકીબ અહેમદ, આફતાબ અહેમદનો સમાવેશ થાય છે.
આ વર્ષે 18 કાશ્મીરી યુવકો આતંકી બની ગયા, પાંચ માર્યા ગયા
આઇજીપીએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે નવ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ વર્ષે 18 કાશ્મીરી યુવકો આતંકવાદી બની ગયા હતા જેમાં પાંચ માર્યા ગયા છે. જ્યારે ત્રણની ધરપકડ કરાઇ છે. તેમણે કહ્યું હતું કે કાશ્મીરી યુવકોને પાકિસ્તાન ડ્રગ્સ મોકલી રહ્યંં છે અને તેમની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.