Last Updated on March 4, 2021 by
દેશની અંદર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી પાસે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે વિદેશમાં પણ વ્હીકલ ચલાવી શકો છો. હાં, વિશ્વના ઘણાં એવા દેશો છે કે જ્યાં ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સને માન્યતા અપાય છે. એટલે કે જો તમારી પાસે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો ભારતની સાથે સાથે બીજા ઘણાં એવાં દેશો છે કે જ્યાં તમે વ્હીકલ ચલાવી શકશો.
વિશ્વના એવાં ઘણાં દેશો છે કે જ્યાં તમારે વાહન ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નથી. અમેરિકા, જર્મની, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત વિશ્વના 15 દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે વાહન ચલાવી શકો છો. જો કે, એ માટેનું લાઇસન્સ અંગ્રેજી અથવા તો તે દેશની ભાષામાં હોવું અનિવાર્ય છે. ત્યારે અહીં જાણીશું કે ભારતમાં બનાવેલું ડ્રાઇવિંગ લાઇસન્સ કયા દેશોમાં માન્ય છે.
અમેરિકામાં પણ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ એટલે અમેરિકા કે જેના મોટા ભાગના રાજ્યોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય છે. ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે તમે અહીં 1 વર્ષ સુધી વ્હીકલ ચલાવી શકો છો. પરંતુ મહત્વનું એ છે કે લાઇસન્સ સંબંધિત દસ્તાવેજો સત્ય અને અંગ્રેજીમાં જ હોવા જોઇએ.
બ્રિટેન: બ્રિટેનમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ માટે માન્ય છે. ભારતીય લાઇસન્સ સાથે બ્રિટન સિવાય તમે સ્કોટલેન્ડ, વેલ્સ અને ઇંગ્લેંડમાં પણ સરળતાથી વ્હીકલ ચલાવી શકો છો.
કેનેડા: કેનેડામાં પણ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય છે. અહીં તમે બે વર્ષ સુધી ભારતીય લાઇસન્સ સાથે વ્હીકલ ચલાવી શકો છો.
ઑસ્ટ્રેલિયા: ક્વીન્સલેન્ડના ન્યૂ સાઉથ વેલ્સમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના માટે માન્ય છે. જો કે અહીં પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અંગ્રેજી ભાષામાં જ હોવું અનિવાર્ય છે.
જર્મની: ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા તમે જર્મનીમાં 6 મહિના સુધી વ્હીકલ ચલાવી શકો છો. એ માટે, તમારે તમારા DLની જર્મન ભાષાંતરિત કૉપિ લઇ જવી પડે છે.
સ્વિટ્ઝર્લેન્ડ: આ સિવાય તમે ભારતીય DL થી સ્વિટ્ઝર્લેન્ડમાં પણ વ્હીકલ ચલાવી શકો છો. તમારું DL અહીં 1 વર્ષ માટે માન્ય છે.
આ દેશો સિવાય તમે ભારતીય DL દ્વારા સ્પેન, ન્યૂઝિલેન્ડ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, સ્વીડન, ફિનલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને ભૂટાનમાં પણ વ્હીકલ ચલાવી શકો છો.