Last Updated on March 21, 2021 by
ભારતે ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટી-20 ૩૬ રને જીતીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. ભારતે શર્મા, કેપ્ટન કોહલી, યાદવ અને પંડયાની તોફાની બેટિંગના સથવારે ૨૦ ઓવરમાં ૨ વિકેટે ૨૨૪ રન કર્યા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બટલર અને મલાનની શાનદાર બેટિંગ છતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૮ રન જ કરી શકી હતી. ભારત તરફથી ઠાકુરે ત્રણ, ભુવનેશ્વર કુમારે બે, પંડયા અને નટરાજને એક-એક વિકેટ ઝડપી હતી.
પંડયાએ ગઇ મેચમાં સ્પેલના પૂરા રન પહેલી ઓવરમાં આપયા
ઇંગ્લેન્ડ સામે ગઈ મેચમાં અસરકારક પુરવાર થયેલા પંડયાએ ગઈ મેચના સમગ્ર સ્પેલમાં આપેલા રન કરતાં વધારે રન પહેલી જ ઓવરમાં આપી દીધા હતા. પંડયાએ ગઈ મેચમાં ચાર ઓવરમાં ૧૬ રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે અંતિમ મેચમાં પહેલી ઓવરમાં જ તેણે ૧૮ રન આપ્યા હતા.
શર્મા-કોહલી પહેલી વખત ઓપનિંગમાં
ઇંગ્લેન્ડના ટોસ જીતવાના ફાયદા અને વૂડ અને આર્ચરની ઓપનિંગ બોલિંગ જોડીના આક્રમણને નિષ્ફળ બનાવવા અંતિમ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગમાં આવ્યા હતા. ભારતે અપનાવેલો આ વ્યૂહ સફળ પણ રહ્યો હતો. બંનેએ પહેલી જ વખત ઓપનિંગમાં ઉતરતા પહેલી વિકેટની ભાગીદારીમાં ૯૪ રન જોડયા હતા. આમ ઇંગ્લેન્ડના ટોસ જીતવાના ફાયદા અને આર્ચર તથા વૂડની ઓપનિંગ બોલિંગ સામે ભારતના ટોપ ઓર્ડરની નિષ્ફળતાને તેમણે આ રીતે એક જ વ્યૂહથી દૂર કરી દીધી હતી. આ સાથે વર્તમાન સિરીઝમાં પહેલી વખત ભારતની ઓપનિંગ જોડીએ શાનદાર બેટિંગ કરી હતી.
રોહિત શર્માએ વરસાવ્યો છગ્ગાનો વરસાદ
અંતિમ મેચમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરતાં ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણને રફેદફે કરી નાખ્યું હતું. તેણે વિસ્ફોટક બેટિંગ કરતાં ફક્ત ૩૦ બોલમાં જ અડધી સદી પૂરી કરી હતી. જ્યારે બીજા છેડે કોહલીએ તેને સમર્થન પૂરું પાડયું હતું. ઇંગ્લેન્ડ પાસે રોહિત શર્માના બેટિંગ આક્રમણને કોઈ જવાબ ન હતો. રોહિત શર્માએ ૩૪ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૬૪ રન કર્યા હતા. તે રીતસરની સદી મારે તેમ જ લાગતુ હતુ. તે વખતે જ સ્ટોક્સે ચેન્જ ઓફ પેસ બોલને મારવા જતાં તે બોલ્ડ થયો હતો. જો કે તેણે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.
સૂર્યકુમારની ફરીથી તોફાની બેટિગ
રોહિત શર્માના આઉટ થયા પછી સૂર્યકુમાર યાદવ બેટિંગમાં આવ્યો હતો. તેણે અગાઉની મેચમાં જ્યાંથી અટક્યુ હતું ત્યાથી જ ચાલુ કરતા આક્રમક રમત શરુ કરી હતી. તેણે ફક્ત ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૨ રન કર્યા હતા. રશીદના એક બોલને છગ્ગો મારવાના પ્રયાસમાં તે જોર્ડને બાઉન્ડ્રી પર તેનો કેચ પકડયો પણ તે બેલેન્સ ન જાળવી શકે તેમ લાગતા તેણે બોલ રોયને આપી દીધો હતો અને આ રીતે યાદવ આઉટ થયો હતો.
કોહલીએ વિલિયમ્સનના રેકોર્ડને વટાવ્યો
કોહલીએ સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૨ બોલમાં અણનમ ૮૦ રનની ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન તરીકે સૌથી વધુ અડધી સદીના વિલિયમ્સનના ૧૧ અડધી સદીના રેકોર્ડને વટાવ્યો હતો. આ સાથે તેણે ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન કરનારા ફિન્ચને વટાવી દીધો હતો. કોહલીએ તેની આ ઇનિંગ્સ દરમિયાન રોહિત શર્મા સાથે પહેલી વિકેટની ૯૪ રનની, સૂર્યકુમાર યાદવ સાથે બીજી વિકેટની ૪૯ રનની અને પંડયા સાથે ત્રીજી વિકેટની ૮૧ રનની ભાગીદારી નોંધાવી હતી.
પંડયાને પંત પહેલા મોકલવાનો વ્યૂહ સફળ
સામાન્ય રીતે પંત ઉપરના ક્રમે આવતો હોય છે, પરંતુ અંતિમ મેચમાં ધરખમ ફેરફાર કરવાનું નક્કી કરીને બેઠા હોય તેમ પંડયાને પંતના બદલે ઉપર મોકલાયો હતો અને આ વ્યૂહ સફળ પણ રહ્યો હતો. પંડયાએ ૧૭ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૯ રન કરીને તેને ઉપર રમાડવાનો વ્યૂહ સફળ થયો હોવાનું પુરવાર કર્યુ હતુ
ભારતીય બેટ્સમેનોના દોઢસો કરતાં વધુ સ્ટ્રાઇક રેટે રન
ભારતના બેટ્સમેનોએ તોફાની બેટિંગનું પ્રદર્શન કરતાં ટોચના ચારેય બેટ્સમેનોએ ૧૫૦ કરતાં વધારે સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. રોહિત શર્માએ ૧૮૮.૨૪, કેપ્ટન કોહલીએ ૧૫૩.૮૫, સૂર્યકુમાર યાદવે ૧૮૮.૨૪ અને હાર્દિક પંડયાએ ૨૨૯.૪૧ના સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી હતી.
આર્ચર-વૂડ પહેલી વખત નિષ્ફળ
આજની મેચ સિરીઝની એવી પહેલી મેચ હતી જેમા ઇંગ્લેન્ડના ટોચના બોલર આર્ચર અને વૂડ બંને નિષ્ફળ ગયા હતા. બંનેને એકપણ વિકેટ મળી ન હતી અને બંનેએ તેમના કુલ આઠ ઓવરના સ્પેલમાં ૯૬ રન આપ્યા હતા. તેમા વૂડે ચાર ઓવરમાં ૫૩ અને આર્ચરે ચાર ઓવરમાં ૪૩ રન આપ્યા હતા. વૂડ અને આર્ચરને આ સિરીઝમાં પહેલી વખત આ રીતે ફટકારાતા જોઈને કેપ્ટન મોર્ગન ચિંતિત થઈ ઉઠયો હતો.
ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
ભારતે ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવતા કુલ ૧૧ છગ્ગા અને ૨૧ ચોગ્ગ ફટકાર્યા હતા એટલે કે ૨૨૪માંથી ૧૫૦ રન ચોગ્ગા-છગ્ગા દ્વારા આવ્યા હતા.
રાહુલ બહાર-નટરાજનનો સમાવેશ
ભારતે પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર ફેરફાર કરતાં સમગ્ર સિરીઝમાં નિષ્ફળ ગયેલા ઓપનર રાહુલને બહાર કર્યો હતો અને બોલિંગ આક્રમણને મજબૂત બનાવવા વધુ એક બોલર તરીકે નટરાજનને સમાવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31