GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસ રચાયો/ અક્ષર પટેલ-અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ વહેંચી લીધી, ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું

Last Updated on March 6, 2021 by

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર અક્ષર પટેલ અને અશ્વિનના જાદૂ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ન હતા. અક્ષર પટેલ અને આર.અશ્વિને શાનદાર દેખાવ કરતા 5-5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી અડધી સદી ફટકારનાર ડેન લોરેન્સને છોડીને ઇંગ્લેન્ડનો કોઇ પણ બેટ્સમેન ટકી શક્યો નહતો. ભારતે એક ઇનિંગ અને 25 રનથી જીત મેળવી છે. આ સાથે જ ચાર મેચોની સીરીઝ પર ભારતે 3-1થી કબ્જો કર્યો છે.

ઈંગલેન્ડની બીજી ઈનિંગ

  • પ્રથમ વિકેટ 10 રને પડી, જેક ક્રાઉલી 5 રન.
  • બીજી વિકેટ 10 રને પડી, જોની બેરસ્ટો શૂન્ય રન.
  • ત્રીજી વિકેટ 20 રને પડી, ડોમ સિબલે 3 રન.
  • ચોથી વિકેટ 30 રને પડી, બેન સ્ટોક્સ 2 રન.
  • પાંચમી વિકેટ 65 રને પડી , ઓલી પોપ 15 રન.
  • છઠ્ઠી વિકેટ 65 રને પડી, જો રૂટ 30 રન.
  • સાતમી વિકેટ 109 રને પડી, બેન ફોક્સ 2 રન.
  • આઠમી વિકેટ 111 રને પડી, ડોમ બેસ 2 રન.
  • નવમી વિકેટ, 134 રને પડી, જેક લીચ 2 રન
  • 10મી વિકેટ, 135 રને પડી, ડોમ 50 રન.

આ સાથે ભારતે ઇંગ્લેન્ડને અંતિમ ટેસ્ટ મેચમાં હરાવીને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ માત્ર 135 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જે બાદ ભારતે સિરીઝ પર 3-1 થી જીતી છે. આ પહેલા ભારતે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં બનાવેલા 205 રનના જવાબમાં 365 રન બનાવ્યા હતા.

ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 12 મેચ જીતી


પ્રથમવાર રમાઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. તેણે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ 11 જીત સાથે બીજા નંબરે રહી.ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે.

ઇંગ્લેન્ડ સામેની આ મોટી જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતે સ્થાન મેળવી લીધું છે. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતનો સામનો જૂનમાં ન્યૂઝીલેન્ડની ટીમ સાથે થશે, જે અગાઉથી જ આ ખિતાબી મુકાબલામાં પહોચી ચુકી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના સૌથી વધુ પોઇન્ટ છે. 18મી જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લૉર્ડ્સના મેદાન પર રમાશે.

પંતની ઇનિંગ્સથી ભારત મુશ્કેલીમાંથી બહાર આવ્યું

ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢતી ઇનિંગ્સ રમતા પંતે ફક્ત ૧૧૫ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયામાં ૯૭ રને અને પહેલી ટેસ્ટમાં ૯૧ રને આઉટ થઈને સદી ચૂકી જનારા પંતે આ વખતે તે ભૂલનું પુનરાવર્તન કર્યુ ન હતું.પંતે રુટની ઓવરમાં મિડવિકેટ પર છગ્ગો ફટકારીને કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન અણનમ ૬૦ રન ફટકારનારા વોશિંગ્ટન સુંદર સાથે સાતમી વિકેટની ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી હતી. પંત બેટિંગમાં આવ્યો ત્યારે ભારતની ટીમ મુશ્કેલીમાં મૂકાયેલી હતી. ભારતના સ્ટાર બેટ્સમેનોને પણ આ પીચ પર રમવામાં તકલીફ પડી ગઈ હતી ત્યારે પંત રમ્યો હતો. ફક્ત ૨૩ વર્ષની ઉંમરે તેણે પરિપક્વતાની સાથે આક્રમકતાનું પણ જબરજસ્ત પ્રદર્શન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે જો બોલરો સારી બોલિંગ કરતાં હોય તો તેને સન્માન આપો અને સિંગલ-સિંગલ લેતા રહો. હું બોલને જોઈને તરત પારખી શકું છું અને તે મારી ખાસિયત છે. રોહિત સાથે જોડાયો ત્યારે મારુ ધ્યેય સારી ભાગીદારીનું જ હતુ, પણ આ ભાગીદારી છેવટે સુંદર સાથે થઈ. ટીમનું પહેલું લક્ષ્યાંક ઇંગ્લેન્ડના સ્કોરને વટાવી જવાનું અને પછી બેટિંગ યુનિટ તરીકે શક્ય તેટલી લીડ મેળવવાનું હતું અને તેમા અમને સફળતા મળી છે. પંતને ગયા મહિને આઇસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ ઓનર એવોર્ડ મળ્યો હતો.

ઇંગ્લેન્ડ સામે ભારતનો ધબડકો

ચોથી ટેસ્ટની પીચ બેટિંગ પીચ હોવા છતાં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે રીતસરનો ધબડકો જ નોંધાવ્યો હતો. ભારતીય બેટ્સમેનો આશ્ચર્યજનક રીતે ઇંગ્લેન્ડના બોલરો સામે દબાઈને રમતા હતા. દિવસની સૌપ્રથમ વિકેટ પૂજારાના સ્વરૃપમાં ખરી હતી. લીચે તેને લેગબિફોર કર્યો હતો. પૂજારાએ માંગેલો રીવ્યુ પણ નિષ્ફળ ગયો હતો. પૂજારા પછી આવેલો કેપ્ટન કોહલી લાંબી ઇનિંગ્સ રમે તેવી ક્રિકેટ પ્રેમીઓને અપેક્ષા હતી, પણ સ્ટોક્સના અચાનક ઉછળેલા બોલને બરોબર રમી ન શકતાં કોહલી ખાતુ પણ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં તે બીજી વખત શૂન્યમાં આઉટ થયો હતો. આટલું ઓછું હોય તેમ લંચ બાકી હતો ત્યારે રહાણે પણ એન્ડરસનના બહાર જતાં બોલને યોગ્ય રીતે રમી ન શકતા આઉટ થતાં ભારતે ૮૦ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી.

રોહિત શર્માની મક્કમ ઇનિંગ્સ

રોહિત શર્માએ એક છેડો જાળવી રાખ્યો હતો, પરંતુ બીજા છેડે ભારતની નિયમિત વિકેટ પડતી જતી હતી. રોહિત પછી પોતે પણ પાંચમી વિકેટના સ્વરૃપમાં આઉટ થયો હતો. સ્ટોક્સના અચાનક જ અંદર આવેલા બોલને સમજી ન શકવાના લીધે તે લેગબિફોર થયો હતો. તેણે અત્યંત ધીરજપૂર્વક રમતા ૧૪૪ બોલમાં સાત ચોગ્ગાની મદદથી ૪૯ રન કર્યા હતા. આમ રોહિત શર્માએ ટીમની જરૃરિયાતને ધ્યાનમાં રાખી તેના સ્વભાવથી વિપરીત જઈને ઇનિંગ્સ રમી હતી.

ઇંગ્લેન્ડના બોલરોની ચુસ્ત બોલિંગ

ઇંગ્લેન્ડના બોલરોએ પીચની મદદ મળે કે ન મળે પરંતુ ગેમ પ્લાન મુજબ બોલિંગ કરતાં પહેલા બે સત્રમાં તો ભારતને રન કરવાની ખાસ તક જ મળી ન હતી અને ભારતે નિયમિત રીતે વિકેટ ગુમાવી હતી. પણ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરોને તેમના આશ્ચર્ય વચ્ચે પીચ પાસેથી થોડી મદદ મળી હતી. તેના લીધે કોહલી બ્રિસ્બેનની પીચ હોય તેવા અકલ્પનીય ઉછાળ દ્વારા આઉટ થયો હતો અને રોહિત શર્મા એક શાનદાર ઇન સ્વિંગરમાં આઉટ થયો હતો. બંને વિકેટ સ્ટોક્સે લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને ત્રણ, સ્ટોક્સે અને લીચે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે નિયમિત સ્પિનર તરીકે સમાવાયેલા બેસને એકપણ વિકેટ મળી ન હતી અને તેણે રન આપીને ભારત પરનું દબાણ હળવું કરતા રુટે બોલિંગમાં આવવું પડયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો