GSTV
Gujarat Government Advertisement

સરકારને સામાન્ય લોકોની નહીં, પણ રાજ્યોની ચૂંટણીની વધુ ચિંતા !

Last Updated on April 2, 2021 by

નરેન્દ્ર મોદી સરકારે નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય રાતોરાત પાછો ખેંચ્યો એ અંગે એવી વાત ચાલી રહી છે કે, નિર્મલા સીતારામનના સ્ટાફના કારણે ભાંગરો વટાઈ છે. આ બફાટથી બગડેલા મોદીએ સવારના પહોરમાં તતડાવતાં નિર્મલાએ સવારે આઠ વાગ્યે ટ્વિટ કરીને જૂના વ્યાજ દર ચાલુ રહેશે એવી જાહેરાત કરવી પડી.

નિર્મલા શોભાના ગાંઠિયા

નિર્મલા શોભાના ગાંઠિયા જેવા છે, ને નાણાં મંત્રાલય પીએમઓમાંથી જ ચાલે છે. આ કારણે નિર્મલા સીતારમનનો સ્ટાફ તથા અધિકારીઓએ બુદ્ધિ ચલાવ્યા વિનાને આંખ મીંચીને વ્યાજ દર ઘટાડવાના મુદ્દે સરકારે ભલે યુટર્ન લીધો હોય, પરંતુ નિષ્ણાંતોનું માનવુ છે કે, આ કાપ નિશ્ચિત છે. માત્ર તેનો અમલ પાછો ઠેલવાયો છે.

કોરોનાકાળમાં દેશનું અર્થતંત્ર તળીયે પહોંચી ગયા પછી માંડ બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા સમયે કેન્દ્ર સરકારે નાની બચતના વ્યાજદરમાં ૦.૫ ટકાથી ૧.૧ ટકા સુધીનો ઘટાડો કરવાનો આંચકાજનક નિર્ણય લીધો હતો. જોકે, આ નિર્ણય લીધાના ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં મોદી સરકારે આ નિર્ણય રદ કરવો પડયો છે. આ બાબત દેશના અર્થતંત્રમાં મોદી સરકારની અણઆવડત દર્શાવે છે. વધુમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય ‘ભૂલથી’ લેવાયો હોવાનો નાણામંત્રીના બચાવે મોદી સરકારની વધુ ફજેતી કરી છે.

સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો

સરકારે નાની બચત યોજનાઓપીપીએફ અને એસએસસીના વ્યાજ દરમાં કાપ મૂકવાની કરેલી જાહેરાત પાછી ખેંચી લીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને શુક્રવારે સવારે એક ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દેશના નીચલા મધ્યમવર્ગ અને ગરીબોને આ નિર્ણયથી ઘણી રાહત મળી છે. 

અગાઉ સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે, ૧લી એપ્રિલથી નાની બચત યોજનાઓ પર વ્યાજનો દર ઘટાડવામાં આવશે. હવે નાણામંત્રીએ જણાવ્યું કે બધી જ યોજનાઓ પર વ્યાજદર જૂના હતા તે જ રહશે, છેલ્લે ગયા વર્ષે માર્ચ ત્રિમાસિકમાં વ્યાજદરમાં રાહત અપાઈ હતી. નાણામંત્રીએ કહ્યું કે હવે બધી જ યોજનાઓ પર વ્યાજદર જૂના જ રહે શે, જે પાછલા ત્રિમાસિકમાં હતા. સરકારે ગુરુવારે સાંજે આ અંગે જાહેરનામુ પણ બહાર પાડી દીધું હતું.

વ્યાજદરમાં કર્યો હતો ઘટાડો

સરકારે બુધવારે એક જાહેરનામું બહાર પાડી કહ્યું હતું કે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ દર ચાર ટકાથી ઘટાડીને ૩.૫ ટકા કર્યો હતો. સાથે જ એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ કાપ મૂકાયો હતો. આ સિવાય સરકારે અન્ય અનેક નાની યોજનાઓના વ્યાજ દરમાં ૦.૫ ટકાથી ૧.૧  સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, વ્યાજમાં કાપનો આદેશ ‘ભૂલથી’ જાહેર કરાયો હતો. નાણામંત્રીએ ગુરુવારે સવારે એક ટ્વીટ કરીને કહ્યું, ભારત સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર એ જ જ રહેશે, જે ૨૦૨૦-૨૧ના અંતિમ ત્રિમાસિકમાં હતા.

દરમિયાન સરકારે આ મુદ્દે રાતોરાત યુ ટર્ન લઈને તેનો નિર્ણય બદલવો પડયો હતો, જેને પગલે વિપક્ષે મોદી સરકાર, ખાસ કરીને નાણામંત્રી નિર્મલા સીતારામનની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીઓમાં સંભવિત નુકસાનના ડરથી કેન્દ્ર સરકારે વ્યાજદરોમાં ઘટાડાનો નિર્ણય રાતો રાત પાછો ખેંચી લીધો હતો, પરંતુ આ તેના એજન્ડામાં જ છે, જેનો અમલ ચૂંટણી પછી કરાશે. નાણામંત્રી સીતારામને જે રીતે રાતોરાત આ નિર્ણય પાછો લીધો છે તે દેશના અર્થતંત્ર મુદ્દે મોદી સરકારની ‘અસંવેદનશીલતા’ દર્શાવે છે. 

કોંગ્રેસના આકરા પ્રહારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા પછી ટૂંક સમયમાં જ નાની બચત યોજનાઓના વ્યાજ દર પર કાપ મૂકાશે. આ સરકાર પેટ્રોલ અને ડીઝલ પર પહેલાંથી જ લૂંટ ચલાવી રહી છે. હવે ચૂંટણી પૂરી થયા પછી મોદી સરકાર નાની બચતના વ્યાજ દરોમાં જંગી કાપ મુકીને નીચલા મધ્યમવર્ગની બચત પર લૂંટ ચલાવશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ નિર્મલા સીતારામનની ટ્વીટને રીટ્વીટ કરતાં સવાલ કર્યો કે, વ્યાજદરમાં કાપનો આદેશ ભૂલથી પસાર થયો હતો કે, ચૂંટણીનું દબાણ છે? પ્રવક્તા રણદીપ સુરજેવાલે પણ નિર્મલા સીતારામનની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, તેમને નાણામંત્રીના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. મેડમ એફએમ, તમે ‘સરકાર’ ચલાવો છો કે ‘સરકસ’ તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. આ ઘટના આપણા દેશનું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે તેનો પુરાવો છે. કરોડો લોકોને અસર કરતો અગાઉથી મંજૂર થયેલો ઓર્ડર ‘ભૂલથી’ ઈશ્યુ થઈ જાય છે.

વ્યાજદરમાં કાપ નિશ્ચિત છે : નિષ્ણાતો

નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં ઘટાડાના મુદ્દે મોદી સરકારે ભલે યુટર્ન લીધો હોય, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ કાપ નિશ્ચિત છે. માત્ર તેનો અમલ ક્યારે થાય છે તે જોવાનું રહેશે. વ્યાજદરમાં ઘટાડાનું કારણ એ છે કે બેંકોના વ્યાજ અને લોન દર ઘણા ઓછા થઈ ગયા છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓએ બચત અને એફડી પર વ્યાજદરોમાં કાપ મૂકેલો છે. તેથી અન્ય વ્યાજ દરોને તેને અનુરૂપ લાવવા જ પડશે.

નાણામંત્રી સીતારામનના અન્ય વિવાદો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય ‘ભૂલથી’ લેવાયો હોવાનું જણાવીને નાની બચત યોજનાઓ પર બુધવારે જાહેર કરેલા ઘટાડા રદ કરા પડયા હતા. દેશમાં વિપક્ષ સમયાંતરે નિર્મલા સીતારામનની નાણામંત્રી તરીકેની ક્ષમતા પર સવાલ ઊઠાવતો રહ્યો છે. જોકે, સીતારામનના ગુરુવારના ‘ભૂલથી’ નિવેદને ઘણો વિવાદ જગાવ્યો છે. અગાઉ દેશમાં ઓટો ઉદ્યોગ ભારે મંદીમાં હતો ત્યારે નાણામંત્રીએ ઓલા-ઉબેરના કારણે લોકો નવા વાહનો ખરીદતા નથી. તેથી ઓટો ઉદ્યોગમાં મંદી હોવાનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. અન્ય એક કિસ્સામાં દેશમાં ડુંગળીના વધતા ભાવો મુદ્દે ગૃહમાં ચર્ચા ચાલતી હતી ત્યારે સીતારામને કહ્યું કે હું ડુંગળી ખાતી નથી એટલે તેના ભાવ મને ખબર નથી. તેમના આ નિવેદનથી પણ વિવાદ સર્જાયો હતો.

સરકારને નાગરિકો નહીં ચૂંટણીની ચિંતા : બંગાળમાં બીજા તબક્કાના મતદાન પર અસરની ભાજપને આશંકા

કેન્દ્ર સરકારે અનેક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ૧.૧ ટકા સુધીનો કાપ મૂક્યાની જાહેરાત થતાં જ દેશભરમાં હોબાળો મચી ગયો હતો. સરકારનો આ નિર્ણય ગુરુવારે આખા દેશમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ સહિતના ચૂંટણીવાળા રાજ્યોમાં ચર્ચાસ્પદ રહ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં થઈ રહી છે ત્યારે શનિવારે ત્રીજી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. કેન્દ્રની નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં ઘટાડાના નિર્ણયની બંગાળમાં ગંભીર અસર થવાની ભાજપને ચિંતા હતી, કારણ કે ત્યાંના લોકોમાં નાની બચત યોજનાઓ ઘણી જ લોકપ્રિય છે. પરિણામે કેન્દ્રની આ જાહેરાતના બંગાળમાં વિપરિત પડઘા પડે તે સ્વાભાવિક છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપને સરકારના આ નિર્ણયથી બંગાળમાં તેના વધી રહેલા સમર્થન પર ઘણી ગંભીર અસર પડવાની આશંકા હતી. આથી મતદારોને લોભાવવા માટે મોદી સરકારે ગણતરીના કલાકોમાં જ નાની બચતોના વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય ફેરવી તોળ્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો