Last Updated on April 3, 2021 by
લૉકડાઉન દરમિયાન જે કેટલીક ચીજોની ડિમાન્ડ વધી તેમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે. વધારાના સ્માર્ટફોન કે ટેબલેટ લેવા પડયાં. લૉકડાઉન પછી જેમની પાસે સગવડ છે લોકો મોટરકાર ખરીદવા દોડી રહ્યાં છે. મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટ વૉચ, ટેબલેટ, વાઈફાઈસજ્જ વિવિધ ડિવાઈસ, ઈન્ટરનેટ કનેક્ટેડ કાર.. વગેરે આપણે વાપરીએ છીએ. આ બધી ઈલેક્ટ્રોનિક્સ ચીજો જેના આધારે કામ કરે છે, એ ચીજ સાવ નાનકડી છે અને ચિપ અથવા તો સેમિકન્ડક્ટર તરીકે ઓળખાય છે.
મોબાઈલ વપરાશકારો કે લેપટોપના યુઝર્સને ચિપ સાથે ક્યારેય કામ લેવાનું થતું નથી. એટલે ચિપનું મહત્ત્વ સૌ કોઈ જાણતા ન હોય એમાં નવાઈ નથી. પરંતુ ટીવીમાં કે પછી અન્ય માધ્યમોમાં ઘણી વખત ઈન્ટેલ કંપનીની જાહેખબર આવતી હોય છે. એ કંપની હકીકતે જગતની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની પૈકીની એક છે. તેની ચિપ આપણે સીધી વાપરતા નથી, પરંતુ એ ચિપ ફીટ થયેલું સીપીયુ આપણા આપણા કમ્પ્યુટરમાં હોય એવી પુરી શક્યતા છે. હવે ચિપની વૈશ્વિક અછત ઉભી થઈ છે. ચિપનો એટલે કે ચિપ ફીટ થયેલી હોય એવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટનો સતત ઉપયોગ વધી રહ્યો છે, સામે પક્ષે ચિપનું ઉત્પાદન ધીમું પડી ગયું છે. એટલે વૈશ્વિક અર્થતંત્ર સામે નાનકડી ચિપે મોટી મુશ્કેલી ખડી કરી છે.
જે કંપની સ્થાપે તેને મદદ
ભારત સરકારે ચિપની અછતનો સમય પારખીને જે કોઈ કંપની ભારતમાં ચિપનું ઉત્પાદન શરૂ કરે તેને ૧ અબજ ડૉલર અને જરૂર પડે તો તેનાથી ય વધુની રોકડ સહાય કરવાનું મન બનાવી લીધું છે. રૂપિયામાં ગણતરી કરીએ તો આજના દરે ૭૩૦૦ કરોડ કરતા વધારે રકમ થાય. કોઈ ઉદ્યોગ સાહસિક આગળ આવે તો સરકાર ૭૩૦૦ કરોડ ગણી દેવા તૈયાર છે. ભલે સરકાર ૭૩૦૦ કરોડ એક જ વખતમાં રોકડા ન આપે પણ એ સહાય કંઈ જેવી તેવી તો નથી જ. વળી એક જ નહીં, એકથી વધારે ઉત્પાદકો ચિપ બનાવે તો દરેક ઉદ્યોગ સાહસિકને ૧-૧ અબજ ડૉલરની મદદ આપવા સરકાર તૈયાર છે. એટલે સમજી શકાય એમ છે કે ચિપનું મહત્ત્વ જેવું તેવું નથી.
જંગી સહાય જોતા એ પણ સમજી શકાય એમ છે કે ચિપ ઉત્પાદન ખાવાના ખેલ નથી. સરકારી અંદાજ પ્રમાણે ભારતમાં કોઈ કંપની ચિપ ઉત્પાદન એકમ નાખે તો તેને ૫થી ૭ અબજ ડૉલરનો ખર્ચ કરવાનો થાય અને બે કે ત્રણ વર્ષે ઉત્પાદન શરૂ થઈ શકે. એટલે જ દુનિયાના મર્યાદિત દેશોની મર્યાદિત કંપનીઓ જ તેનું ઉત્પાદન કરી શકે છે. વળી ૭ અબજ ડૉલરનો આંક તો ભારત માટે છે. અમેરિકામાં એ જ ફેક્ટરી નાખવા ૨૫ અબજ ડૉલરનું બજેટ જોઈએ.
કાર કંપનીઓ પર અસર
ટેકનિકલ ભાષામાં ઈન્ટિગ્રેટેડ ચિપ અથવા તો સેમિકન્ડક્ટર કહેવાતા આ ચીજની અછતની મોટી અસર કાર ઉત્પાદક કંપનીઓ પર પડી ચૂકી છે અને હવે વારો સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓનો આવી શકે એમ છે. એટલે જ તો અગ્રણી કાર ઉત્પાદક કંપની મર્સિડિસે પોતાના ગ્રાહકોને જાહેરખબર દ્વારા વિનંતી કરવી પડી છે કે ચિપની અસરથી તમે નોંધાવેલી કારની ડિલિવરી મોડી થઈ શકે છે, ધિરજ રાખવા વિનંતી છે..
મર્સિડિસની માફક કાર ઉત્પાદનની વૈશ્વિક માંધાતા કંપનીઓના ઉત્પાદનને બ્રેક લાગી છે. અનેક આધુનિક મોટરમાં એન્જિન કન્ટ્રોલ, સ્ટિઅરિંગ, બ્રેક, એરબેગ, પાવર વિન્ડો, લાઈટ્સ, બ્લૂટૂથ-નેટવર્ક, ડેશબોર્ડ.. સહિત ડઝનબંધ ફંક્શન ચિપના આધારે થતા હોય છે. એ ચિપ વગર ગાડીઓનું ઉત્પાદન શક્ય નથી.
કાર માટે જરૂરી ચિપ તાઈવાનની કંપની ‘તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની (ટીએસએમસી)’ની બોલબાલા છે. આ જરૂર પ્રમાણેની ચીપ આ વખતે ઉત્પાદિત કરી શકી નથી. માટે ફોક્સવેગન, ઔડી, જનરલ મોટર્સ, ટોયોટા જેવી ટોપ-૧૦ કાર ઉત્પાદક કંપનીઓના વેચાણમાં ૬૦ અબજ ડૉલરથી વધારેનો ઘટાડો થવાની શક્યતા છે.
કેમ કે એ કંપનીઓ માર્કેટની જરૂર પ્રમાણે કાર બનાવી જ શકે એમ નથી. ગ્લોબલ ચિપ માર્કેટમાંથી દસ ટકા એટલે કે વર્ષે ૪૦ અબજ ડૉલરની ખરીદી ઓટો ઉદ્યોગ કરે છે.
અબજો ડૉલરનું રોકાણ
એપલને ચિપ પુરી પાડવાનું કામ ટીએસએમસી કરે છે. હવે ફાઈવ-જી ટેકનોલોજી શરૂ કરવી છે, એ ચિપ વગર કેમ શરૂ થશે? દરેક ચિપ ઉત્પાદક કંપનીઓ એટલે ઉત્પાદન વધે એ માટે ઉંધે માથે થઈ રહી છે. એકલી ટીએસએમસીએ જ ૨જી એપ્રિલે જાહેર કર્યું કે ચિપ ઉત્પાદન વધારવા કંપની ત્રણ વર્ષમાં ૧૦૦ અબજ ડૉલર રોકાણ કરશે, જેથી ભવિષ્યમાં આવી અછતની સ્થિતિ ન આવે. ઈન્ટેલ વધુ બે કારખાના નાખવા ૨૦ અબજ ડૉલર રોકવાની છે, જ્યારે સેમસંગનો ઈરાદો પણ ૧૧૬ અબજ ડૉલરનું રોકાણ કરી ચિપ ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાનો છે.
કોરોના ન હતો, ત્યારે વર્ષે સરેરાશ એક હજાર અબજ જેટલા નંગ ચિપનું ઉત્પાદન થતું હતું. એટલે કે વિશ્વમાં દરેક વ્યક્તિ દીઠ સરેરાશ ૧૨૦ ચિપ બનતી. એ આંકડો વધારે લાગે તો પણ ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટનો વપરાશ જે રીતે વધી રહ્યો છે, તે જોતા નાનો જ છે.
તાઇવાન : ચિપ સુપરપાવર
ચિપ ઉત્પાદન કરનારા દેશોમાં તાઈવાન અગ્રણી છે. ૨૦૨૦ના વર્ષમાં મોટા ભાગના દેશોનો આર્થિક વિકાસ ઘટયો છે. પણ ચીપ ઉત્પાદનને કારણે તાઈવાનનો આર્થિક વિકાસ ૨.૯૮ ટકા નોંધાયો છે. એટલે તાઈવાનને એશિયાના સૌથી ઝડપે વિકસતા અર્થતંત્ર પૈકીના એકની ઓળખ પણ મળી છે. ૧૯૯૦ પછી ત્રીસ વર્ષે ફરીથી તાઈવાને આ સિદ્ધિ નોંધાવી છે
અમેરિકા ચિપ ઉત્પાદન ક્ષેત્રે એક અગ્રણી દેશ છે. જાપાનને ત્યાંથી ચિપ મળતી રહે એટલે અમેરિકી પ્રમુખ બાઈડેન અને જાપાની વડાપ્રધાન સુગા તેની ચર્ચા કરવાના છે. આગામી ૧૫મી એપ્રિલે બન્ને નેતાઓ મળશે ત્યારે ચિપ ચર્ચાના કેન્દ્રમાં હશે. બાઈડેને અમેરિકી અર્થતંત્ર માટે જે ૨.૩ લાખ કરોડ (ટ્રિલિયન) ડૉલરનું પેકેજ જાહેર કર્યું એમાં ૫૦ અબજ ડૉલર તો એકલા સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે છે.
ફોન લૉન્ચિંગ મોડું થશે
કમ્પ્યુટર ચિપ ઉત્પાદનમાં સેમસંગ પણ અગ્રણી કંપની છે. સેમસંગનું કહેવું છે કે ચિપની અછતના કારણે મોબાઈલ ઉત્પાદન ધીમું પડયું છે. એકલા સેમસંગના નહી અન્ય કંપનીઓના ઉત્પાદનમાં પણ બ્રેક લાગી છે.
આપણુ મનપસંદ મોબાઈલ ફોન મોડેલ કે પછી લેપટોપ-ટેબલેટ પ્રોડક્ટ સોલ્ડ આઉટ કે પ્રોડક્ટ અનઅવેલેબેલ બતાવે તો સમજવું કે તેમાં મોટો ફાળો ચિપની અછતનો છે. જે ફોન મોડેલ, ગ્રાફિક કાર્ડ, પ્લે સ્ટેશન વગેરે ૨૦૨૧માં આવાના હતા એમાંથી કેટલાક ૨૦૨૨ પહેલા લૉન્ચ થવાની શક્યતા નથી.
ભૂતકાળમાંથી ભવિષ્યના અનુભવની શીખ
જે રીતે ઈલેક્ટ્રોનિક્સ ચીજો વપરાવાની શરૂઆત થઈ છે, એ જોતા ચિપની ડિમાન્ડ તો વધવાની જ છે. બીજી તરફ અગાઉ પણ ચિપની અછતના પાંચેક કિસ્સા નોંધાઈ ચૂક્યા છે. છેલ્લો નોંધપાત્ર કિસ્સો ૨૦૧૧ના જાપાનમાં આવેલા ત્સુનામી-ભૂકંપ વખતે નોંધાયો હતો.
કેમ કે જાપાની કારખાના અટકી પડયા હતા. એ ભૂતકાળમાંથી શીખીને હવે કંપનીઓ ભવિષ્યમાં અછત ન સર્જાય એ માટે સતર્ક થઈ છે. ભારત સરકાર એટલે જ જંગી રકમ આપવા તૈયાર થઈ છે.
ચિપનો ઉપયોગ ક્યાં ક્યાં?
– સ્માર્ટફોન
– કમ્પ્યુટર-ટેબલેટ-લેપટોપ
– સ્માર્ટવૉચ
– સીસીટીવી
– કાર
– મેડિકલ ડિવાઈસ
– ટીવી-ફ્રીજ
– વૉશિંગ મશીન
– એલઈઈડી લાઈટ્સ
– સેટેલાઈટ
– ફાઈવજી ઈક્વિપમેન્ટ
આ લિસ્ટ ઘણુ લાંબુ બની શકે, પરંતુ ઈલેક્ટ્રોનિક્સ ચીજોમાં ચિપ અનિવાર્ય છે, એટલું સમજી લઈએ એટલે તેની અનિવાર્યતા પણ સમજી શકાય.
આ બધી કંપનીઓ વેચાણ કરે છે. એ પૈકીની મોટા ભાગની કંપનીઓ માટે ચિપનું ઉત્પાદન તાઈવાનની ટીએસએમસી કંપની કરે છે. ચિપ કંપનીઓએ બનાવેલી ડિઝાઈન પ્રમાણે ઉત્પાદન કરી આપનારી (સેમિકન્ડકર ફાઉન્ડરી)ટીએસએમસી જગતની સૌથી મોટી કંપની છે. ડિઝાઈન મુજબ ઉત્પાદન કરનારી કંપનીઓમાં ટીએસએમસીનો વૈશ્વિક ફાળો ૫૪ ટકા છે.
દેશ મુજબ વાત કરીએ તો વૈશ્વિક સેમિડન્ડક્ટર ફાઉન્ડરીમાં ૬૩ ટકા હિસ્સો તાઈવાનનો, ૧૭ ટકા દક્ષિણ કોરિયાનો જ્યારે ૬ ટકા ચીનનો છે. બાકીનું ઉત્પાદન અન્ય દેશોમાં થાય છે.
ચિપની અછત કેમ સર્જાઈ?
અછત સર્જાવા પાછળ વિવિધ કારણો જવાબદાર છે. પણ મોટું કારણ ૨૦૨૦નું લૉકડાઉન વર્ષ છે. લૉકડાઉનની અસર વિવિધ ઉદ્યોગો પર થઈ એમ ચિપ ઉત્પાદકો પર થઈ. ચિપ ઉત્પાદકો પહેલેથી કટોકટ એટલે કે માર્કેટની જરૂર પ્રમાણેનું જ ઉત્પાદન માંડ કરી શકતા હતા, ત્યાં ઉત્પાદન કાર્યવાહી અટકી પડી.
બીજી તરફ લૉકડાઉનથી ડિમાન્ડ ઘટી એટલે કાર ઉત્પાદકોએ ચિપના ઓર્ડર ઓછા કરી દીધા. જ્યારે લૉકડાઉન હળવાં થવાં લાગ્યા ત્યારે કંપનીઓએ ફરી ઓર્ડર આપવાની શરૂઆત કરી પરંતુ ત્યારે કંપનીઓ સમયસર ઑર્ડર પુરા કરી શકે એવી સ્થિતિઓમાં ન હતી.
ચિપની અછત હતી, તો સામે ચિપ ફીટ થયેલી હોય એવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જ ડિમાન્ડ વધી કેમ કે ઓનલાઈન કામ કરવા એ જરૂરી સામગ્રી છે. ચિપનું ઉત્પાદન ખાસ પ્રકારના વાતાવરણમાં જ થઈ શકે. તેના ઉત્પાદન એકમો એકદમ ક્લિન-નીટ રાખવા પડે. એટલે ચિપની ડિમાન્ડ વધે તો રાતોરાત નવું કારખાનું સ્થાપી નથી શકાતું.
એ બધા કારણોસર છેવટે ચિપની અછતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. કાર ઉદ્યોગને બ્રેક માર્યા પછી હવે સ્માર્ટફોન ઉદ્યોગ ચિપ અછતથી હેંગ થાય એવી શક્યતા દેખાઈ રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31