GSTV
Gujarat Government Advertisement

બાંગ્લાદેશની આઝાદી માટે પીએમ મોદીએ પણ વહોરી હતી ધરપકડ: વડાપ્રધાને ઇન્દિરા ગાંધીને પણ કર્યા યાદ

મોદી

Last Updated on March 27, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. કોરોનાકાળ શરૃ થયા પછી આ તેમનો પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં ભાષણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, બાંગ્લાદેશની આઝાદી માટે મેં ધરપકડ વહોરી હતી. બાંગ્લાદેશની આઝાદી માટેના સંઘર્ષમાં જોડાવું એ મારા જીવનના શરૃઆતના આંદોલનોમાંથી એક હતું.

પીએમે વિદેશ પ્રવાસ માટે પહેલી વખત વીવીઆઈપી વિમાનનો ઉપયોગ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માટે વિશેષરૃપે બનાવાયેલા વીવીઆઈપી વિમાનમાં સૌપ્રથમ વખત બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે દિલ્હીથી ઢાકા પહોંચ્યા હતા. અહીં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિનાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ભારત અને બાંગ્લાદેશ હાલ ૧૯૭૧ના યુદ્ધ વિજયની સુવર્ણ જયંતિ ઊજવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પડોશી દેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઢાકાના નેશનલ પરેડ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા.

મોદીએ શેખ મુજિબુર રહેમાનનો મરણોપરાંત ગાંધી શાંતિ એવોર્ડ પુત્રીને આપ્યો : ઈન્દિરા ગાંધી, ભારતીય જવાનોને યાદ કર્યા

આ કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યું કે, હું બધા ભારતીયો તરફથી બાંગ્લાદેશના બધા જ નાગરિકોને સ્વતંત્રતાના હાર્દિક અભિનંદન પાઠવું છું. હું બંગબંધુ શેખ મુજિબુર રહેમાનજીને શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. તેમણે બાંગ્લાદેશ અને અહીંના લોકો માટે તેમનું જીવન ન્યોચ્છાવર કરી દીધું. આ કાર્યક્રમમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે અમે બાંગ્લાદેશની આઝાદી માટે ધરપકડ વહોરી હતી. તે સમયે મારી વય ૨૦-૨૨ વર્ષની હતી. મેં અને મારા અનેક સાથીઓએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા ભારતીય જવાનો અને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ યાદ કર્યા હતા.

તેમણે ઉમેર્યું કે, આજે ભારત અને બાંગ્લાદેશ બંને દેશોની સરકારોએ દર્શાવ્યું છે કે પરસ્પર વિશ્વાસ અને સહયોગથી દરેક સમાધાન લાવી શકાય છે. બંને દેશ વચ્ચેની જમીન સરહદ સમજૂતી તેનો પુરાવો છે. આપણો વારસો સંયુક્ત છે. આપણો વિકાસ પણ સંયુક્ત છે. આ સાથે પીએમ મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજિબુર રહેમાનનાં નાના પુત્રી શેખ રેહાનાને ગાંધી શાંતિ એવોર્ડ આપ્યો હતો. ભારતે તાજેતરમાં જ શેખ મુજિબુર રહેમાનને મરણોપરાંત શાંતિ પુરસ્કાર આપ્યો છે.

બાંગ્લાદેશમાં પીએમ મોદીના પ્રવાસના વિરોધમાં દેખાવો, ચારનાં મોત, ૧૪ ઘાયલ

બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદી બે દિવસના પ્રવાસે છે તેવા સમયે ચિત્તગોંગ અને ઢાકામાં મોદીની મુલાકાતના વિરોધમાં દેખાવો થયા હતા. ચિત્તગોંગમાં દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરતાં દેખાવો હિંસક બન્યા હતા. પોલીસે દેખાવકારો પર રબરની બુલેટ છોડયા પછી ચારનાં મોત નીપજ્યાં હતા. ઢાકામાં પણ દેખાવો તોફાની બનતાં ઢાકા યુનિવર્સિટી પરિસરમાં ૧૪ લોકોને ઈજા પહોંચી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33