Last Updated on April 6, 2021 by
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં મળેલા જનાદેશ બાદથી જ કોંગ્રેસ પાર્ટી પોતાના અસ્તિત્વની લડાઈ લડતી જોવા મળી રહી છે. પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું હતું અને ત્યારથી અત્યાર સુધી પાર્ટી પોતાના પૂર્ણકાલીન અઘ્યક્ષની રાહ જોઈ રહી છે.
જો કે, સંકટ ફક્ત સામાન્ય ચૂંટણીઓ પૂરતુ જ નહોતું. ગત વર્ષે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારનું પતન થયું અને ત્યાં ફરી ભાજપની સરકાર બની ગઈ. તેના પહેલા દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. રાજસ્થાનમાં પણ સરકાર સંકટમાં આવી ગઈ હતી પરંતુ તેને બચાવવાનો શ્રેય પાર્ટીને નહીં, રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતને જાય છે.
2020ના અંતમાં બિહારની ચૂંટણી આવી ત્યાં સુધીમાં તો પાર્ટીનો વિદ્રોહ ખુલીને સામે આવી ગયો હતો. લેટર બોમ્બ અને નિવેદનો વચ્ચે કોંગ્રેસ પાર્ટી બિહારની ચૂંટણી લડી રહી હતી. કોંગ્રેસ માટે આ સૌથી મુશ્કેલીજનક સ્થિતિ છે કે, ચૂંટણી સમયે પાર્ટી સ્થિર સરકાર તો શું લોકોને સ્થિર પાર્ટીનો મેસેજ પણ નથી આપી શકતી.
આ જ ધારણા તાજેતરમાં ચાલી રહેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા અને દરમિયાન પણ બની રહી હતી. ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ બાદ અનેક કદાવર ચહેરાઓ વિરોધને વધુ એક પગથિયા ઉપર લઈ જતા દેખાયા હતા. જો કે, આ દરમિયાન ગાંધી પરિવારનો ત્રીજો ચહેરો, પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ખૂબ મહેનત કરતો દેખાયો હતો. પરંતુ તે મહેનતના કારણે સંગઠન અને પકડ કેટલા મજબૂત બની શક્યા તે કહેવું હાલ મુશ્કેલ છે.
ગાંધી પરિવારની અગ્નિપરીક્ષા
પાર્ટીમાં ઉઠી રહેલા વિદ્રોહ અને વધી રહેલા અસંતોષ વચ્ચે સોનિયા ગાંધી હાલ સત્તાવાર રીતે નેતૃત્વ સંભાળી રહ્યા છે અને તેમના બંને સંતાનો રાહુલ અને પ્રિયંકા આ બધી લડાઈઓથી દૂર પોતાની જાતને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં કેન્દ્રિત કરી રહ્યા છે. જો કે, તેમણે પોતાની જાતને 5 રાજ્યો પૈકી 2 રાજ્ય પર જ કેન્દ્રિત કરી છે. તેઓ આ રાજ્યમાં હારેલી પાર્ટીને કેટલી મજબૂત બનાવી શકે છે અને શું જનાદેશને પાર્ટીના પક્ષમાં લાવવામાં સફળ થાય છે તેના પર બધાની નજર અટકી છે.
પ્રિયંકાએ આસામની જવાબદારી સ્વીકારી છે અને આજે ત્યાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા ભાજપનું સરળ કમબેક માનવામાં આવતું હતું પરંતુ સમય સાથે કોંગ્રેસ સારી લડત આપતી દેખાય છે. આ તરફ રાહુલે રણનીતિને કેરળ પર કેન્દ્રિત કરી હતી. કેરળમાં પણ વામ મોરચા માટે ચૂંટણી સરળ હોવાનું માનવામાં આવતું હતું પરંતુ રાહુલ લોકો વચ્ચે કોંગ્રેસ પ્રત્યે એક સકારાત્મક લહેર બનાવવામાં કેટલેક અંશે સફળ થયા છે. તેમણે પ્રચારની પદ્ધતિ બદલી છે અને લોકો વચ્ચે હળી મળીને ધારણા બદલવા મહેનત કરી છે. આજે કેરળની તમામ બેઠકો માટે મતદાન છે અને જો કોંગ્રેસ જનાદેશ સુધી અથવા તો સ્પષ્ટ જનાદેશ સુધી પહોંચવામાં સફળ રહેશે તો તે કોંગ્રેસથી વધારે રાહુલના વિજય તરીકે જોવામાં આવશે. રાહુલ કેરળથી જ લોકસભાના સદસ્ય પણ છે.
કોંગ્રેસનું ભવિષ્ય
આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સંગઠન અને પાર્ટી નેતૃત્વ પર કામ કરવાનું છે. આ સંજોગોમાં જો પ્રિયંકા અને રાહુલ સારા પ્રદર્શન સાથે પાર્ટી સામે આવશે તો તેમના માટે પાર્ટીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવું સરળ બનશે. પરંતુ જો આસામ અને કેરળમાં પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહેશે તો વિદ્રોહી નેતાઓ ગાંધી પરિવારના કરિશ્માના અંતની પટકથા લખી દેશે અને કોંગ્રેસમાં ખૂબ તોડફોડ જોવા મળશે. આ તમામ કારણોસર મંગળવારનું મતદાન કોંગ્રેસ પાર્ટી કરતા ગાંધી પરિવાર માટે વધુ નિર્ણાયક છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31