Last Updated on March 9, 2021 by
સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને આરોપી પિતા જેલમાંથી ફોન કરી સમાધાન માટે દબાણ કરતા હોવાની કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. આરોપી પિતા હવે જેલમાંથી ફોન કરીને ધમકી આપી રહ્યાં છે. લાજપોર જેલમાં બંધ હોઇ તે જેલના લેન્ડલાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતો હતો. જો કે છેલ્લાં કેટલાંક સમયથી છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હતો.
હત્યારો પતિ ઊંઘમાં પત્ની અને દીકરા- દીકરીઓ પર એસિડ એટેક કરી ફરાર થઇ ગયો હતો
સુરતના વરાછા વિસ્તારની અર્ચના સ્કુલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં વર્ષ 2019ની 8મી ઓગસ્ટે હત્યારો પતિ છગન વાળા ભર ઊંઘમાં પત્ની અને દીકરા- દીકરીઓ પર એસિડ એટેક કરી ભાગી ગયો હતો. જેમાં 20 દિવસ પછી પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે દીકરી પ્રવીણાની એક આંખ ખરાબ થઈ ગઈ છે તથા દીકરી અલ્પાને એસિડને કારણે ઈજા થઈ છે તો MBBS નો અભ્યાસ કરતા દીકરા ભાર્ગવનો પણ ચહેરો અને શરીર એસિડને કારણે ખરાબ થઈ ગયો હતો.
આરોપી પિતા હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ
આજે ભાર્ગવ MBBS નો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યો છે અને સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો છે અને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવી રહ્યો છે. પરિવાર ખૂબ જ ખુશ હતો અને સુખી સંસાર ચાલી રહ્યો હતો પરંતુ પારિવારિક ઝગડાની હદ એટલી બધી વધી ગઇ હતી કે અચાનક સગા પિતાએ ઘરના સભ્યો પર એસિડ એટેક કરી નાંખ્યો. આ ઘરમાં માતાની મમતા નથી અને પિતાના આશીર્વાદ નથી. જે પિતાએ આ કૃત્ય કર્યું હતું તે હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ છે. પરિવાર પર એસિડ એટેક કરીને હત્યારો છગન વાળા પહેલા જુનાગઢ ત્યાંથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, પુણે, હરિદ્વાર, અને છેલ્લે મુંબઈથી સુરત આવ્યો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો.
હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યું હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી પરંતુ છેવટે તે પાંજરે કેદ થયો. હવે આ પિતા જેલમાંથી ફોન કરીને પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે કે સમાધાન કરો જેથી પોતે બહાર નીકળી શકે પરંતુ આ પરિવાર હવે પિતા સાથે વાત પણ કરવા નથી માંગતો.
40 રૂપિયામાં બે એસિડની બોટલ ખરીદી રાત્રીના સમયે પરિવાર પર કર્યો હતો એટેક
તમને જણાવી દઇએ કે, પિતા હીરાના કારખાનામાં કામ કરતો હતો. હીરાના કારખાનામાં હીરા સાફ કરવા માટે એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી તેણે 40 રૂપિયામાં બે એસિડની બોટલ ખરીદી રાત્રીના સમયે ઘરે લઈને આવ્યો હતો. બાદમાં ઊંઘમાં જ પત્ની અને સંતાનો પર તેને એસિડ એટેક કર્યો હતો. ઘરકંકાસ ચાલતો હોવાને કારણે કંટાળીને પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે એસિડથી હુમલો કરીને આરોપી પિતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આજે આ પરિવાર અટવાઈ ગયું છે જો કે આ તમામ ફાઇટર છે. આજે પણ તેઓ પોતાની મેળે જીવન જીવવા માંગે છે પરંતુ આર્થિક પરિસ્થિતિ જરૂરથી નબળી પડી ગઈ છે. છગન વાળાને દારૂ પીવાની ટેવ હતી અને તે કારણે જ ઘરમાં રૂપિયાને લઈને કંકાસ થતો હતો. વારંવાર ઝગડો થતો ત્યારે પિતા ધમકી આપતા કે તમારી હત્યા કરી નાખીશ. પરંતુ પરિવારને લાગ્યું કે, ગુસ્સામાં બોલે છે, પરંતુ આ વાત આરોપી પિતાએ સાચી કરી બતાવી. પુત્ર પિતાને મળવા તૈયાર નથી. દીકરીને વિચાર આવે છે કે પિતાને જેલમાં મળવા જવું જોઈએ પરંતુ માતાની યાદ અને ભાઈની તકલીફ દેખાતા જ દીકરીનું મન બદલાઇ જાય છે અને હવે આ પરિવાર ફરી એક વાર પોલીસ પાસે મદદ માંગી રહ્યું છે. કારણ કે પિતા હવે જેલમાંથી ફોન કરીને ધમકી આપી રહ્યાં છે.
અન્ય ત્રણ કેદીઓ પણ જેલની બહાર ફોન કરતાં હોવાનું સામે આવ્યું
લાજપોર જેલમાંથી જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યાં છે એ બીજા ત્રણ કેદીઓ પણ જેલની બહાર ફોન કરતાં હોવાનું કોલ ડિટેઇલની તપાસ કરતાં ખૂલ્યું હતું. આરોપી પિતા છગન વાળા લાજપોર જેલમાં બંધ હોઇ તે જેલના લેન્ડલાઇન નંબર ઉપરથી પુત્ર અને પુત્રીઓને સમાધાન કરવા માટે ફોન કરતો હતો. જો કે છેલ્લાં કેટલાંક સમયથી છગન વાળા મોબાઇલ ફોન ઉપરથી પણ કોલ કરતો હતો. પુત્ર ભાર્ગવ ઉપરાંત પુત્રી પ્રવિણા તથા અલ્પાના વેવાઈ અને મોટા ભાઇને પણ ફોન કરી સમાધાન કરવા માટે કોલ કરતો હોવાંથી ભાર્ગવે કેસની સુનવણી દરમિયાન કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
જેલમાં બિન્દાસ્ત ચાલી રહેલા નેટવર્કની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
જે ત્રણ મોબાઇલ નંબર ઉપરથી ફોન આવતા હતાં તે નંબર કોર્ટમાં આપતાં પોલીસ સફાળી જાગી હતી. જેલમાં બિન્દાસ્ત ચાલી રહેલા નેટવર્કની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતાં તેમણે આ નંબર પૈકી એક નંબરની કોલ ડિટેઇલ કઢાવતાં આ નંબર ઉપરથી જેલમાં બંધ એમ.ડી. ડ્રગ્સના ડિલર ઈસ્તિયાઝ ઉર્ફે મુન્ના ઈસ્માઇલ શેખ તેના પરિવારના સભ્યો સાથે નિયમિત વાત કરતો હતો. તે ઉપરાંત હત્યાનો આરોપી બબલુ મોરેશ્વર તાયડે પણ તેના સંબંધીઓ સાથે વાત કરતો હતો. ઢીંગલી ફળિયાના ગુલામ સાબીર ઉર્ફે સમીર સલીમ કુરેશી પણ તેનો ઉપયોગ કરતો હતો અને તેની બહેન જ આ સીમકાર્ડ આપી ગઈ હોવાની બહાર આવેલી વિગતો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ચારેય વિદ્ધ ગુનો નોંધ્યો છે.
લાજપોર જેલ તંત્ર સામે ઊભા થયા અનેક સવાલો
લાજપોર જેલની અંદર રહેલા કેદીઓની એક બાદ એક કરતૂતો બહાર આવી રહી છે અને જેલ તંત્ર સામે સવાલો ઊભા કરી રહી છે. જેલમાં રહેલા કેદી સુધરે તે માટે બંધ કરવામાં આવતા હોય છે. જો કે સુરતની લાજપોર જેલ તો મીટર વગરની ટેકસીની જેમ કેદીઓ દોડાવી રહ્યાં હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31