Last Updated on March 23, 2021 by
વિધાનસભા ગૃહમાં આજે કોરોનાએ ચર્ચાનુ મુખ્યબિંદુ બની રહ્યુ હતું. વિપક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોના વકર્યો તે માટે ભાજપને જવાબદાર ઠેરવી કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ વખતે કોરોનાની પહેલી લહેર આવી, દિવાળીના તહેવારોમાં બીજી લહેર, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રિકેટ મેચ રમાડીને ભીડ એકઠી કરી એટલે ત્રીજી લહેર આવી.
ગરીબ ફેરિયા,શાકભાજી-લારીવાળા, વેપારીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે ખરેખર તો સુપર સ્પ્રેડર બનેલાં ભાજપના નેતાઓના કોરોના ટેસ્ટ કરવા જોઇએ. કોરોના સંક્રમણ ફેલાવવા માટે ભાજપના નેતાઓ જ જવાબદાર છે. અમે તો હાઇકોર્ટમાં ય રાવ કરી હતીકે, હમણાં ચૂંટણી સ્થગિત રાખો પણ…
કચ્છમાં નર્મદાનું પાણી આવ્યું તે મોદી મેજિક છે
એક સમયે કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બની હતી તે વાતને યાદ કરાવતાં ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્યએ નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચ્યુ તે માટે ભાજપ સરકારના ભરપેટ વખાણ કર્યા હતાં. તેમણે કહ્યુંકે, કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યુ એ મોદી મેજિક સિવાય બીજું કઇં નથી. આ અશક્ય કામ હતુ પણ નરેન્દ્ર મોદીએ કરી દેખાડયુ છે.
બિનખેતીની સત્તા ભાજપની કારોબારીને આપી દેવાશે કે પછી…
પ્રશ્નોતરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એવો સવાલ ઉઠાવ્યો કે, સાહેબ, ગત વખતે પંચાયતો પર પંજો ફરી વળ્યો હતો. એટલે બિનખેતીની મંજૂરીની સત્તા જિલ્લા પંચાયતની કારોબારી પાસેથી છિનવી કલેક્ટરને આપી દેવાઇ હતી. હવે જયારે ફરી પંચાયતો પર ભાજપે કબજો કર્યો છે ત્યારે એન.એ કરવાની સત્તા કલેક્ટર પાસેથી લઇને ભાજપની કારોબારી સમિતીને આપી દેવાશે કે પછી.. આ પ્રશ્ન પૂછતાં જ ટ્રેઝરી બેન્ચ શાંત રહી હતી.
થાળી વગાડો, ઘંટ વગાડો પણ કયાં ખબર હતી કે કોરોના બહેરો હશે
જનતા કરફ્યુ દિવસની વરસીનો ઉલ્લેખ કરી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે એવો ટોણો માર્યો કે, આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, થાળી વગાડો, તાળી વગાડો,ઘંટ વગાડો, બધાંયે વગાડયાં ય ખરાં પણ આપણને કયાં ખબર હતીકે, કોરોના બહેરો હશે. આ સમયગાળા દરમિયાન એવુ ય જોવા મળ્યું કે,છોકરાના લગ્ન કરવા હોય તો,માતાપિતાને પરમિશન લેવી પડે. અમરેલી જિલ્લામાં 16 યુગલના લગ્ન યોજાયા હતાં ત્યારે દુખ સાથે કહેવું પડેકે,લીલાં તોરણે જાનો પાછી ગઇ. જયારે આ જ લગ્નની નજીકના અંતરે ભાજપનો કાર્યક્રમ યોજાયો ત્યાં કશું જ થયું નહીં.
અત્યાર સુધી ટીકા કરનારા રાઘવજી પટેલે મોદીના ભરપેટ વખાણ કર્યાં
ધારાસભ્ય રાઘવજી પટેલે ભાજપની રાજકીય ટીકા કરવામાં કોઇ કસર છોડી નથી. પણ પક્ષપલટો કર્યા બાદ રાઘવજી પટેલને હવે ભાજપનું શાસન જ શ્રેષ્ઠ લાગે છે. ગૃહમાં રાઘવજી પટેલે કહ્યું કે,નર્મદા યોજનાને લીધે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની સમસ્યા હલ થઇ ગઇ છે જેનો જશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. નર્મદા યોજનામાં અવરોધ ઉભો કરવામાં કોંગ્રેસ જ જવાબદાર છે.
તમે શર્ટમાં સારા દેખાવ છો..
અન્ન પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હરહંમેશ ટી-શર્ટ જ પહેરે છે. આ ધારાસભ્યનું માનવુ છેકે, યુવાન છીએ એટલે ટી શર્ટ છીએ. આ જ મુદ્દે અઠવાડિયા પહેલાં જ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય વિમલ ચુડાસમાને ગૃહમાંથી બહાર જવા આદેશ કર્યો હતો. આજે પ્રશ્નોતરી કાળ દરમિયાન વિમલ ચુડાસમાં પ્રશ્ન પૂછવા ઉભા થયાં ત્યારે અધ્યક્ષે એવો કટાક્ષ કર્યો હતોકે, તમે શર્ટમાં બહુ સારાં લાગો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31