Last Updated on March 12, 2021 by
ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી સાથે દિલ્હી નજીક ગાઝીપુર, શાહજહાંપુર, ટીકરી અને સિંઘુ સરહદે ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલું ખેડૂત આંદોલન નબળું પડવા લાગ્યું છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ ઉપરાંત ખેડૂત નેતા રાકેશ ટિકૈત આંદોલનની સફળતા અંગે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે દિલ્હીની સરહદે આંદોલન સ્થળો પર ખેડૂતોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આવા સમયે ખેડૂત નેતાઓ ધિરજ ગુમાવી રહ્યા છે. ખેડૂત આંદોલનનો પ્રમુખ ચહેરો બની ગયેલા રાકેશ ટિકૈતે ગુરુવારે કહ્યું કે, ખેડૂતોની માગણી દિલ્હી એમ જ નહીં માને, તેના માટે લડાઈ લડવી પડશે. ચઢાઈ વિના દિલ્હી નહીં માને.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની માગણી દિલ્હી એમ જ નહીં માને. તેના માટે લડાઈ લડવી પડશે. ચઢાઈ કર્યા વિના દિલ્હી નહીં માને. કિલ્લાઓ લડાઈ લડીને જ જીતવામાં આવ્યા છે. આપણે હાથ જોડતા રહીશું તો લુંટારા નહીં માને. ટિકૈતે ખેડૂતોને બેરીકેડિંગ તોડવા માટે તૈયાર રહેવા પણ કહ્યું હતું.
બીજીબાજુ સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓ આંદોલન સ્થળે આંદોલનકારી ખેડૂતોની ઘટતી સંખ્યાથી ચિંતિત છે. સૂત્રો મુજબ યુપી ગેટ પર ખેડૂતોની સંખ્યા ઘટીને ૨૦૦થી પણ નીચે આવી ગઈ છે. રાકેશ ટિકૈતે ખેડૂતોની ઘટતી સંખ્યા અંગે કશું કહ્યું નથી, પરંતુ તેમના ચહેરા પર નિરાશાના ભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. યુપી ગેટ પર ૨૮મી નવેમ્બરે ધરણાં-દેખાવો શરૃ થયા ત્યારે હજારો યુવાનો હાજર હતા. મંચ પર અને ધરણાં સ્થળ પર મોટી સંખ્યામાં યુવાનો હતા. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ ગૌરવ ટિકૈત પણ અનેક વખત અહીં પહોંચીને દેખાવકારોમાં જુસ્સો ભરતા હતા. ત્રણ મહિના પછી સ્થિતિ એ છે કે દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીની હિંસા પછી યુવાન ખેડૂતો ધરણાં સ્થળ છોડીને જતા રહ્યા છે.
આંદોલન લાંબુ ચાલશે અને તેનું કોઈ પરિણામ પણ હાલ દેખાતું ન હોવાથી પણ ખેડૂતોનો રસ ઘટી રહ્યો છે. જોકે, ખેડૂતોની ઘટતી સંખ્યા અંગે ખેડૂત નેતાઓનું કહેવું છે કે આંદોલનની સાથે ખેતી પણ જરૃરી છે. ખેડૂતો વારાફરથી આંદોલન સ્થળે આવી રહ્યા છે.
યુપી ગેટ જેવી જ સ્થિતિ સિંઘુ બોર્ડરની છે. અહીં હવે મહિલાઓ જોવા મળતી નથી. ધરણાં સ્થળ પર પંખા લગાવવા છતાં દેખાવકારોની સંખ્યા સતત ઘટી રહી છે. દેખાવકારો ધરણાં સ્થળે ઓછા અને ટ્રોલીઓમાં વધુ બેઠેલા જોવા મળે છે. આઠમી માર્ચે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી, પરંતુ હવે તેઓ પોતાના ઘરે પાછી ફરી ગઈ છે.
દરમિયાન હરિયાણામાં ખેડૂત આંદોલન છતાં ખટ્ટર સરકાર વિશ્વાસનો મત જીતી જતાં ખેડૂતો ગુસ્સે ભરાયા હતા અને તેમણે ભાજપના ધારાસભ્યોના ઘરની બહાર દેખાવો કર્યા હતા. ખેડૂતોએ અંબાલામાં ભાજપ ધારસભ્ય અસીમ ગોયલના ઘરની બહાર દેખાવો કર્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31