Last Updated on March 9, 2021 by
વિધાનસભાનું બજેટસત્ર જાણે હવે ટેસ્ટમેચ રમાતી હોય તેવો માહોલ સર્જી દીધો છે. સત્રના આઠમા દિને શાસકપક્ષ અને વિપક્ષ એકદમ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબરમતી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલે કેદીઓને અપાતી સુવિધાને લઇને પેટા પ્રશ્ન પૂછ્યો હતો તે વખેત તેઓ એવુ બોલ્યાં કે,અધ્યક્ષ શ્રી, મારે ઘણી વાર જેલમાં જવાનુ થયું છે.
ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચોંકી ઉઠયા
આ વાક્ય બોલતાં જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચોંકી ઉઠયા હતાં. આ સાંભળીને અધ્યક્ષે પણ અરવિંદ પટેલને ટપાર્યા હતાં કે, તમે પહેલાં એ વાતનો ખુલાસો કરો કે, તમારે જેલમાં કેમ વારંવાર જવાનુ થાય છે. એક તબક્કે ખુદ અરવિંદ પટેલે પણ મૂંઝાયા હતાં પણ તેમણે આખીય વાતને હળવેકથી વાળીને કહ્યું કે, સાહેબ, પ્રસંગોપાત કાર્યક્રમમાં જવાનુ થાય છે.
ફલાઇંગ સ્કોવોર્ડ નીકળે છે ને રેતીમાફિયાઓને ખબર પડી જાય છે
રાજ્યમાં ખુલ્લેઆમ રેતી-ખનિજની ચોરી થઇ રહી છે. ફલાઇંગ સ્કોવોર્ડ અને રેતીમાફિયા વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યુ છે પણ આ કારણોસર સરકારની તિજોરીની નુકશાન થઇ રહ્યુ છે. પ્રશ્નોતરી કાળમાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ એવો કટાક્ષ કર્યો કે, ફ્લાઇંગ સ્કોવોર્ડના નામકરણ બદલ ભાજપ સરકારને અભિનંદન. આ તરફ, ધારાસભ્ય સી.જે.ચાવડાએ એવો આરોપ મૂક્યોકે, રાજકીય કનેક્શન હોવાને કારણે ખનિજચોરીનુ દૂષણ દિને દિને વકરી રહ્યુ છે. જયારે ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ફલાઇંગ સ્કોવોર્ડ ગાંધીનગરથી નીકળે તો રેતી-ખનિજ માફિયાઓને તરત જ ખબર પડી જાય છે. વિપક્ષના આક્ષેપો સામે મંત્રી સૈારભ પટેલે ખૂબ બચાવ કર્યો હતો.
એ લખેલું વાંચે છે એટલે અક્ષયભાઇનો વાંક નથી…
અત્યાર સુધી વિપક્ષમાં બેસીને રાજકીય ટિકા ટિપ્પણી કરતાં પક્ષપલટુ ધારાસભ્યોનું વલણ બદલાયુ છે. આજે રેતી-ખનિજ ચોરીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતો ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલે એક સાથે ચાર પેટા પ્રશ્ન પૂછ્યા હતાં તે વખતે અધ્યક્ષે ટકોર કરી છતાંય તેમણે પ્રશ્ન પૂછવાનુ ચાલુ રાખ્યુ હતું. આ જોઇને કોંગ્રેસના એક ધારાસભ્યએ ટિખળ કરીકે,એ લખેલું વાંચે છે. એમાં અક્ષયભાઇ નો વાંક જ નથી.
મહિલાઓ વિના ગુજરાત અધૂરૂં છે
ઇન્ટરનેશનલ વુમન ડે નિમિત્તે આજે વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોએ મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પેટાપ્રશ્નનો જવાબ આપી રહ્યા હતાં ત્યારે અધવચ્ચે રોકીને અધ્યક્ષે એવી ટકોર કરીકે, તમે કેમ મહિલાઓને શુભેચ્છા આપી નહીં. ત્યારે નીતિન પટેલે એવું કહ્યુંકે, અધ્યક્ષ શ્રી , હુ મારા પ્રવચન વખતે વિશેષરૂપે શુભેચ્છા આપીશ પણ અધ્યક્ષના આગ્રહને પગલે નીતિન પટેલે એવુ કહ્યું કે, ગુજરાત સરકારના વહીવટમાં ય મહિલાઓનુ ખુબ યોગદાન રહ્યુ છે. પછી તે નર્સ હોય,કલાર્ક હોય કે પછી મહિલા પોલીસ છે. મહિલાઓ વિના તો ગુજરાત અધુરૂ છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ કે, પત્નિના સાથ સહકાર વિના તો સમાજસેવા ય થઇ શકે નહીં. આ સાંભળીને ગૃહમાં હળવુ હાસ્ય રેલાયુ હતું.
અધ્યક્ષની ટકોર છતાં ગૃહમાં ધારાસભ્યો જ માસ્ક પહેરતાં નથી
કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. અધ્યક્ષે પણ ટકોર કર્યા બાદ પણ ગૃહમાં ધારાસભ્યો માસ્ક પહેરતાં નથી. રાઘવજી પટેલ, લલિત કગથરા, સી.કે.રાઉલજી, કિરીટ પટેલ સહિતના કેટલાંય ધારાસભ્યોએ માસ્ક પહેર્યુ ન હતું. પ્રજા ન પહેરે તો દંડ ફટકારાય છે પણ ખુદ પ્રજાના પ્રતિનીધીઓ જ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31