Last Updated on February 26, 2021 by
રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી અવારનવાર આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં વધુ એક જગ્યાએ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. નવસારીની જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જીઆઈડીસીમાં આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, તુરંત બારડોલીથી પણ ફાયર ફાયટર બોલાવી લેવામાં આવ્યાં.
બાયર ફોક્ષ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગના કારણે દૂર સુધી આગની જવાળાઓ જોવા મળી હતી. બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગના કારણે ફર્નિચરનું ગોડાઉન પણ ઝપેટમાં આવી ગયું હતું. આ આગના કારણે અંદાજીત 20 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આગને બૂઝાવવા માટે ફાયર વિભાગ દ્વારા પાણીનો સતત મારો તેમજ ફોમનો ઉપયોગ કરાયો છે.
અગાઉ ભરૂચની ઝગડીયા સ્થિત કેમિકલ ફેક્ટરી કંપનીમાં લાગી હતી ભીષણ આગ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ દક્ષિણ ગુજરાતમાં જ ભરૂચની ઝગડીયા સ્થિત કેમિકલ ફેક્ટરી કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં મોટો ધમાકો થયો હતો. જ્યાં 24થી વધુ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતાં અને કેટલાંક લોકો લાપતા થઇ ગયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, આખરે ક્યાં સુધી રાજ્યમાં આવી ને આવી આગની ઘટનાઓ ઘટતી રહેશે અને ક્યાં સુધી લોકોના ભોગ લેવાશે.