Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. આજે સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત ગાંધીનગરમાં ૨૪, ભરૂચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી વેન્ટિલેટર પર અને ૫૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે અને રાજ્યનો રિકવરી રેટ ૯૬.૫૪ છે.
સ્ટેડિયમમાં ભીડથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
ગુજરાતમાં આજે ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે અને નવાં ૧૧૨૨ કેસ નોંધાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ આ પરિસ્થિત સર્જાઇ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને રાજ્ય સરકારને પણ અંતે બ્રહ્મજ્ઞાાન લાધતા હવે વિવિધ નિયમો અને પ્રતિબંધો જાહેર થઇ રહ્યા છે, પરંતુ હવે સમય વીતી ચૂક્યો છે અને જનતા ફરી રાત્રિ કરફ્યૂ અને વિવિધ નિયમોના વમળમાં ફરી સપડાઇ છે.
એક વર્ષ પહેલાં ફેબુ્રઆરી-૨૦૨૦માં મોટેરા વિસ્તારમાં આવેલા આ જ સ્ટેડિયમમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવી મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે સ્ટેડિયમ અને ટ્રમ્પના આગમનના કારણે અમદાવાદમાં રાજ્યભરમાંથી લાખો લોકો એકઠાં થયા હતા. આ સમયે ભારતમાં કોરોના પ્રવેશી ચૂક્યો હતો અને મહામારીનો ભય તોળાતો હોવા છતાં મોટાપાયે આ આયોજનને યથાવત્ રાખવામાં આવ્યું હતું. આ આયોજનના ત્રણ અઠવાડિયા બાદ ગુજરાત કોરોનામાં સપડાયું હતું અને લોકડાઉનના કાળા દિવસો શરૂ થયો હતો. જો કે આ ઘટનામાંથી સરકારે કોઇ બોધપાઠ લીધો ન હોય તેમ ફરી આ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.
માસ્ક થોડીવાર પણ નીચે થાય તો સામાન્ય વ્યક્તિને એક-એક હજારનો દંડ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને સ્ટેડિયમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હોવા છતાં કોઇ સત્તાતંત્ર આ મુદ્દે બોલવા કે પગલાં લેવા તૈયાર નથી. હવે કોરોનાથી ડરવાની જરૂર નથી તેવું સરકાર કહેતી હોવાથી લાખો લોકો હોંશે-હોંશે અહીં મેચ જોવા ગયા હતા અને હવે સરકારે રાત્રિ કરફ્યૂ સહિતના નિયમો ફરી લાગુ કરતા મેચ જોવા ગયેલા લોકો પણ અફસોસ અનુભવી રહ્યા છે. જો કે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે સ્થાનિક ચૂંટણીઓમાં સરકારને જંગી જનસમર્થન મળ્યું છે . જેનો મતલબ સત્તાધિશો એવો કરી રહ્યા છે કે લોકડાઉનમાં સહન કરવી પડેલી અપાર મુશ્કેલીઓ છતાં લોકોએ તેમને પસંદ કર્યા છે, તેથી સરકાર હવે એવા આત્મવિશ્વાસમાં છે કે તે સામાન્ય લોકો માટે ગમે તેવાં નિયમો લાગુ કરશે, લોકો તેનો વિરોધ નહીં કરે.
15 દિવસમાં 16 રાજ્યોના 70 જિલ્લામાં કોરોના કેસોમાં 150 ટકાનો ઉછાળો
ભારતમા આ વર્ષે પહેલી વખત કોરોના વાઇરસના દૈનિક કેસોમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૨૮,૯૦૩ કેસો સામે આવ્યા છે જે આ વર્ષના સૌથી વધુ કેસો માનવામાં આવે છે. એટલે કે ગત વર્ષે જેટલા દૈનિક કેસો સામે આવતા હતા તેટલા હાલ પણ આવવા લાગ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો ૧,૧૪,૩૮,૭૩૪એ પહોંચી ગયો છે.
મૃત્યુઆંક પણ વધીને હવે ૧,૫૯,૦૪૪એ પહોંચ્યો
બીજી તરફ એક જ દિવસમાં સૌથી વધુ ૧૮૮ લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મૃત્યુઆંક પણ વધીને હવે ૧,૫૯,૦૪૪એ પહોંચ્યો છે જે ૧.૬૦ લાખની નજીક છે. છેલ્લા બે માસમાં સૌથી વધુ દૈનિક મોતને આંકડો સામે આવ્યો છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ ઝડપથી વધવા લાગ્યા છે. હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨,૩૪,૪૦૬એ પહોંચી ગઇ છે. છેલ્લે ૧૩મી ડિસેમ્બરના રોજ કોરોનાના દૈનિક કેસ ૩૦૨૫૪ હતા, જ્યારે આ વર્ષે પહેલી વખત ૨૮,૯૦૩ કેસો સામે આવતા પ્રશાસન ફરી દોડતુ થઇ ગયું છે.
મહારાષ્ટ્રમાં કેસોમાં ૧૫૦ ટકાનો ધરખમ ઉછાળો
મહારાષ્ટ્રમાં પહેલાની જેમ સ્થિતિ વધુ કથળવા લાગી છે. રાજ્યમાં કોરોનાના ૨૩ હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે અહીંના નાગપુરમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૩૩૭૦ કેસો સામે આવ્યા છે. જેને પગલે અહીં આકરા પ્રતિબંધો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. બીજી તરફ દેશભરના તાજેતરના કોરોનાના આંકડા મુજબ પહેલી માર્ચથી ૧૫ માર્ચ સુધીમાં ૧૬ જિલ્લાના ૭૦ જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ૧૫૦ ટકાનો ધરખમ ઉછાળો સામે આવ્યો છે. જ્યારે ૧૭ રાજ્યોના ૫૫ જિલ્લામાં આ આંકડો ૧૦૦થી ૧૫૦ ટકાનો છે. મોટા ભાગના પ્રભાવીત જિલ્લાઓ પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.
દરમિયાન હાલ કોરોનાની રસી આપવામા આવી રહી છે, જોકે દેશભરમાં સરેરાશ આશરે ૬.૫ ટકા રસીનો બગાડ થયો છે. જ્યારે રાજ્યો પર નજર કરીએ તો તેલંગાણામાં ૧૭.૬ ટકા અને આંધ્ર પ્રદેશમાં ૧૧.૬ ટકાનો બગાડ થયો છે. અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના ૩.૫૧ કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે રસીના બગાડની ટકાવારી ૬.૫ ટકા છે જ્યારે પાંચ રાજ્યો તેલંગાણા, આંધ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, જમ્મુ કાશ્મીરમાં આ ટકાવારી ૬ ટકાથી પણ વધુ છે.
ઘણાં દિવસો બાદ તમામ જિલ્લામાં કેસ નોંધાયા
ગુજરાતમાં આજે ઘણાં દિવસો બાદ તમામ ૩૩ જિલ્લાઓમાં કેસ નોંધાયા છે. ડિસેમ્બરની શરૂઆત બાદ રાજ્યમાં એવી પરિસ્થિતિ હતી કે નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં રોજ શૂન્ય કેસ નોંધાતા હતા. આજે તમામ ૩૩ જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31