Last Updated on February 27, 2021 by
આવતીકાલે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે મતદાન થવાનું છે. જેને લઈને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે. જુદા જુદા જિલ્લાના અધિકારીઓએ ઈવીએમ ડીસ્પેચ કરવા સહિતની કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ જિલ્લા કલેક્ટરે કર્યું કામગીરીનું નિરીક્ષણ
નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે લાંભા ગીતા સ્કૂલમાં ઈવીએમ ડિસપેચની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ કલેકટરે ઈવીએમ સહીતની સ્ટેશનરી ડિસપેચની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદમાં 9 જીલ્લા, 18 તાલુકા, 5 નગરપાલિકાનું મતદાન થશે. જયારે અમદાવાદ જીલ્લામાં મતદાન માટે 1999 કેન્દ્રો ઉભા કરાયા છે. 1053 કેન્દ્રો પર તાલુકા, જીલ્લા પંચાયત માટે મતદાન થશે. અને 146 કેન્દ્રો પર નગરપાલિકા માટે મતદાન થશે.
ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ
ગાંધીનગરમાં પણ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં માણસા, દહેગામ અને કલોલમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઈવીએમને સ્ટ્રોંગ રૂમથી રવાના કરવામાં આવ્યા છે. તો કોરોનાની મહામારી વચ્ચે મતદાન મથક પર સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઈઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન દરમ્યાન પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે થશે મતદાન
પાટણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઇ. 132 મતદાન મથકો પર ઇવીએમ અને ચૂંટણીલક્ષી કામગીરી રવાના કરવામાં આવી હતી. પાટણ જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે 76 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે ૯ તાલુકા પંચાયતની 170 બેઠકો પર 407 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. કુલ એક હજાર ઓગણીસ મતદાન મથકો છે. જ્યારે 8 લાખ 86 હજાર 610 મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. 4 લાખ 61 હજાર 881 પુરૂષ મતદારો નોંધાયા છે. જ્યારે 4 લાખ 24 હજાર 720 સ્ત્રી મતદારો છે. પાટણના આરડીસી ભરત જોશીએ ચૂંટણી મામલે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.
પાટણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત
પાટણ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પાટણ એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાટણ શહેરમાં ત્રણ સંવેદનશીલ મતદાન મથકો છે. પાટણ જિલ્લામાં 4 ડીવાયએસપી, 12 પીઆઈ, 40 પીએસઆઇ, 1247 પોલીસ કર્મચારીઓ મળી કુલ 3000 જેટલા સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.
પાટણ નગરપાલિકા પર પણ યોજાશે ચૂંટણી
પાટણ નગરપાલિકાની 11 વોર્ડની ૪૪ બેઠકો માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તે પહેલા ઇવીએમ અને ચૂંટણી સાહિત્યનું ડીસ્પેચિંગ કરવામાં આવ્યું. પાટણ પાલિકામાં કુલ 1 લાખ 23 હજાર 830 મતદારો. જ્યારે સિધ્ધપુર પાલિકામાં કુલ 40 હજાર 117 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. જ્યારે હારીજ પાલિકાની વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં કુલ 2694 મતદારો મતદાન કરશે.
ઠાસરા નગર પાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે
ખેડાના ઠાસરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ કરાઇ. ઠાસરાની ૨૪ સીટો માટે ભવન્સ કોલેજમાં ડીસ્પેચિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. ઠાસરા નગર પાલિકા, ઠાસરા તાલુકા પંચાયત અને ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. શાંતિમય માહોલમાં ચૂંટણી યોજવા એક ડીવાયએસપી, બે પીઆઇ, 3 પીએસઆઇ, એસઆરપીની એક ટુકડી અને 120 જેટલા હોમગાર્ડ જવાનો ખડપગે રહેશે.
ગોધરામાં ચૂંટણી તૈયારીઓને આખરી ઓપ
પંચમહાલના ગોધરામાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. આશરે 2 હજાર 150 બુથ પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયત 34 બેઠકો માટે કુલ 85 ઉમેદવાર, તાલુકા પંચાયતની 178 બેઠકો 347 ઉમેદવાર અને નગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠક 187 ઉમેદવારો મેદાનમાં છે.
ધોરાજીમાં તૈયારીઓ પૂર્ણ
ધોરાજી અને જામકંડોરણામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. ધોરાજીની ભગવતસિંહજી હાઇસ્કૂલથી ચૂંટણી અધિકારીની હાજરીમાં ઇવીએમ સુપ્રત કરવામાં આવ્યા. ચૂંટણી સાહિત્યની કીટ સાથે થર્મલ ગન અને માસ્ક સહિતની કીટ પણ આપવામાં આવી હતી. ધોરાજી અને જામકંડોરણાના 141 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. જેમાં કુલ 69 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે.
બનાસકાંઠા સરહદે ચુસ્ત બંદોબસ્ત
બનાસકાંઠામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણીને લઈને બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. ગુંદરી, નેનાવા અને અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસે સઘન ચેકિંગ કર્યુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દારૂની હેરાફેરી ન થાય તેને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આણંદમાં 1347 મતદાન મથકો ઉભા કરાયા
આણંદ જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની સામાન્ય ચુંટણી માટે મતદાન યોજાનાર છે. જેને લઇને જીલ્લામાં 1347 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. દરેક તાલુકા મથકોથી ઇવીએમ મશીન અને મતદાન માટેની સામગ્રી લઇને પોલિંગ સ્ટાફ મથકો ઉપર જવા રવાના થયો હતો. તમામ મતદાન મથક સુધી મતપેટી પહોંચે તેવી કાળજી સ્થાનિક ચૂંટણી પંચ અને ઓબર્જરવરની નિગરાનીમાં મત પેટીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
બોડેલીમાં કામગીરી પૂર્ણ
છોટાઉદેપુરના બોડેલીમાં કાપડીયા કોલેજમાંથી ઇવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઇ હતી.પોલીસ બંદોબસ્ત સાથે તમામ ઇવીએમને મતદાન મથક સુધી મોકલવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની બેઠકો માટે આવતીકાલે મતદાન થશે. પોલીસ તંત્ર પણ ચૂંટણી કામગીરીને લઇ સજ્જ બન્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31