GSTV
Gujarat Government Advertisement

ગ્લોબલ વોર્મિંગ/ વિશ્વમાં ગ્લેશિયર પીગળતા તમામ દેશો ચિંતામાં, ગુજરાત-મુંબઇ સાથેના આ વિસ્તારો થશે જળમગ્ન

Last Updated on March 21, 2021 by

વિશ્વભરમાં બરફાચ્છાદિત પર્વતો ઘટી રહ્યાં છે, જો કે વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડનો બરફ પીગળી ગયો તો દુનિયાભરના સમુદ્રોનું જળસ્તર 20 ફૂટ જેટલું વધી જશે અને જો એવું બન્યું તો દરિયાકાંઠાના અનેક શહેરો જળમગ્ન બની જશે.

દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં છેલ્લાં થોડા વર્ષોથી રેકોર્ડ ગરમી પડી રહી છે જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળી રહ્યો છે. જે રીતે હાલ ગ્રીનલેન્ડમાં બરફ પીગળી રહ્યો છે તે જોતા આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે.

ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા ૮૦ ટકા ગ્લેશિયર વર્ષ ૨૧૦૦ સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા ૯૦ ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાનિકોએ જે અંદાજ માંડયો તેનાથી વધુ ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્ય ભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે.

ગ્રીનલેન્ડ સહિત વિશ્વભરના ગ્લેશિયરોનો પીગળતા બરફ ભારત જેવા દેશો માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, સહિતના ભારતના સૌથી વિકાસશીલ રાજ્યો મસમોટો દરિયાકાંઠો ધરાવે છે. ત્યારે પીગળતો ગ્લેશિયર, વધતું દરિયાનું જળસ્તર દરિયાકાંઠાના વિસ્તારો માટે ખતરાની ઘંટી બની શકે છે.

નાસાના નવા રિપોર્ટ પ્રમાણે સમુદ્રોની વધી રહેલી સપાટીના પરિણામે ભારતના પણ નીચાણમાં રહેલાં અનેક પ્રદેશો પાણીમાં ડૂબી જવાનું જોખમ ઊભું થયું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશને દરિયામાં વધતા જળસ્તર પર અભ્યાસ કર્યો. જેમાં સામે આવ્યું કે, વર્ષ ૨૦૫૦ સુધી દરિયાની સપાટી એટલી વધી શકે છે કે ભારતના મુંબઇ, નવી મુંબઇ અને કોલકાતા જેવાં મહાનગરો કાયમ માટે જળમગ્ન થઇ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળ જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાંક દરિયાકાંઠાના પ્રદેશો દરિયાની વધી રહેલી જળસપાટીનો ભોગ બની શકે છે. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે, જો આમ બન્યું તો એકલા ભારતના જ સાડા ત્રણ કરોડ લોકો વિસ્થાપિત થઇ શકે છે.

સમુદ્રોની વધી રહેલી સપાટીના કારણે દુનિયાભરમાં ઓછામાં ઓછાં ૩૦ કરોડ લોકો અસરગ્રસ્ત બની શકે છે. માત્ર બાંગ્લાદેશમાં જ નવ કરોડ લોકો આનો ભોગ બનવાનો અંદાજ છે. સમુદ્રોની સપાટી કેટલી હદે વધી રહી છે એનો અંદાજ મેળવવો હોય તો વીસમી સદીમાં જળસ્તરમાં ૧૧થી ૧૬ સેન્ટિમીટરનો વધારો થયો હતો જ્યારે ચાલુ સદીમાં આ આંકડો ૫૦ સેન્ટિમીટરે પહોંચી શકે છે. વૈજ્ઞાનિકોને એવો ડર સતાવી રહ્યો છે કે કાર્બન ઉત્સર્જનનો હાલના દરે વધારો ચાલુ રહ્યો તો આ સદીના અંત સુધીમાં જળસ્તર બે મીટર જેટલું વધી શકે છે.

ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જનના કારણે ગ્લેશિયર પીગળી રહ્યાં છે. આ પીગળતા ગ્લેશિયરો ભારત સહિત વિશ્વભરમાં ચિંતાનો વિષય છે. ત્યારે બરફ પીગળવાને લઈને પર્યાવરણના નાશ અને માનવજાતના વિનાશનું સંકટ તોળાઈ રહ્યું છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રોની વધી રહેલી જળસપાટીનું ભારત ઉપર પણ મોટું જોખમ રહેલું છે. આફ્રિકાના વિખ્યાત કિલિમાન્જારો પહાડોનો બરફ વર્ષ ૧૯૧૨ બાદ ૮૦ ટકાથી વધારે પીગળી ગયો છે. ટૂંકમાં ચીનથી લઇને ચીલી સુધી અને ઇન્ડોનેશિયાથી લઇને સ્વિત્ઝર્લેન્ડ સુધી બરફના વિશાળ મેદાનો, ગ્લેશિયરો અને સમુદ્રી બરફ લુપ્ત થઇ રહ્યાં છે જેનું ધરતીના વધી રહેલા તાપમાનના કારણે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પથરાયેલો બરફ પીગળી રહ્યો છે. યૂ.એન.ના એક રિપોર્ટ અનુસાર છેલ્લાં એક દાયકામાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં પથરાયેલી બરફની ચાદરમાં દર વર્ષે ૪૦૦ અબજ ટનનો ઘટાડો થયો છે. આટલી મોટી માત્રામાં બરફ પીગળવાના કારણે મહાસાગરોની સપાટી દર વર્ષે આશરે ૧.૨ મિલીમીટર વધી છે.

વધતા ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જનના કારણે પેટ્રોલિયમ અને કોલસા જેવા પરંપરાગત બળતણોના ઉત્પાદન અને વપરાશનો ક્વોટા નક્કી કરવો જોઇએ. આવા બળતણના કારણે જ પૃથ્વીનું તાપમાન વધારતા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન થાય છે.

પીગળતા ગ્લેશિયરોના કારણે દરિયાની સપાટી તો વધે જ છે, સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેનાં કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. પરિસ્થિતિ પણ ગંભીર બની રહી છે. જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં 200 વર્ષ લાગી જાય એમ છે. ત્યારે ધરતીને બચાવવાનો સમય હવે આવી ગયો છે અને હવે એમાં વિલંબ થયો તો આપણું અસ્તિત્ત્વ નાબૂદ થવામાં વધારે સમય નહીં લાગે. તે વાત ચોક્કસ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33