GSTV
Gujarat Government Advertisement

જૂનાગઢના વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી, વોર્ડ નં.15માં ભગવો લહેરાયો

કોંગ્રેસ

Last Updated on February 24, 2021 by

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી અને આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ૪૨ મતથી જીત થઈ હતી. જ્યારે વોર્ડ નં.૧૫માં ભાજપના ઉમેદવારની ૧૬૦૮ મતથી જીત થતાં ભાજપે આ બેઠક જાળવી રાખી હતી. આ પેટાચૂંટણી બાદ મનપામાં ભાજપની સભ્ય સંખ્યા ૫૫માંથી ૫૪ થઈ છે. જ્યારે કોંગ્રેસની સંખ્યા એકમાંથી બે થઈ છે.

પેટા ચૂંટણીમાં વોર્ડ નં.6માં ભાજપે બેઠક ગુમાવી

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની એક-એક બેઠક પર ભાજપના નગરસેવકનું નિધન થતાં આ ખાલી પડેલી બેઠક પર તા.૨૧ના પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની એક બેઠક પર કુલ ૧૫૧૮૧ મતદારમાંથી ૪૧૮૪ પુરુષ તથા ૩૫૫૬ મહિલા મળી કુલ ૭૭૪૦ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વોર્ડ નં.૧૫માં કુલ ૧૭૦૬૮ મતદારોમાંથી ૪૭૫૦ પુરુષ તથા ૪૨૩૦ મહિલા મળી કુલ ૮૯૮૦ મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નં.૬માં સરેરાશ ૫૦.૯૮ ટકા તથા વોર્ડ નં.૧૫માં ૫૨.૬૧ ટકા મતદાન થયું હતું.

આજે સવારે સરદારબાગમાં આવેલી સંયુક્ત ખેતનિયામક કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. પહેલા વોર્ડ નં.૬ની મતગણતરી શરૂ થઈ હતી. જેમાં ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ પણસારાને ૨૬૮૭ તથા ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રામાણીને ૨૬૪૫ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ પણસારાની ૪૨ મતથી જીત થઈ હતી.

આમ ૨૦૧૯માં યોજાયેલી સામાન્ય ચૂંટણી વખતે આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. પરંતુ પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવી ભાજપ પાસેથી બેઠક ઝૂંટવી લઈ કબજો કર્યો હતો અને કોંગ્રેસ મનપામાં પોતાના એક નગરસેવકનો વધારો કરવામાં સફળ રહી હતી.

વોર્ડ નં.15માં ભાજપ વિજયી

જ્યારે વોર્ડ નં.૧૫ની બેઠક પર ગણતરીના અંતે ભાજપના ઉમેદવારનાગજીભાઈ કટારાને ૪૪૪૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મેયર લાખાભાઈ વસ્તાભાઈ પરમારને ૨૮૪૧ મત મળ્યા હતા. આમ આ બેઠક પર નાગજીભાઈ કટારાની ૧૬૦૮ મતથી જીત થઈ હતી અને પૂર્વ મેયરની હાર થઈ હતી. આ બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યું હતું.

જૂનાગઢ મનપાની ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી થઈ ત્યારે કુલ ૬૦ બેઠકમાંથી ભાજપને ૫૫, એક કોંગ્રેસને તથા ચાર બેઠક એનસીપીને મળી હતી. આ બંને બેઠકની પેટાચૂંટણીમાં એક પર કોંગ્રેસ અને એક પર ભાજપની જીત થતા ભાજપની સભ્ય સંખ્યા ૫૪ થઈ છે. જ્યારે કોંગ્રેસની સભ્ય સંખ્યા એકમાંથી બે થઈ છે.

ભાજપ

માતા બાદ પુત્ર પણ બન્યા કોંગ્રેસના નગરસેવક

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી વખતે ૬૦માંથી કોંગ્રેસના માત્ર એક ઉમેદવાર મંજુલાબેન પરસાણા વોર્ડ નં.૪માંથી ચૂંટાયા હતા. તેઓએ એક જ સભ્ય હોવા છતાં મનપાની નીતિઓનો તથા અન્ય ખોટા ખર્ચ સહિતની બાબતોનો વિરોધ કર્યો હતો. જ્યારે આ પેટા ચૂંટણીમાં તેના પુત્રની જીત થતા માતા બાદ હવે પુત્ર લલીતભાઈ પણસારા કોંગ્રેસના નગરસેવક બન્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33