GSTV
Gujarat Government Advertisement

નોકરી કૌભાંડ/ 3 મહિનાનો પગાર આવ્યો, ટ્રેનિંગ અને કોલલેટર છતાં બધુ બોગસ : લખનઉમાં ટ્રેનિંગ સેન્ટર પણ ખોટું નીકળ્યું

Last Updated on March 24, 2021 by

વિવિધ સરકારી ખાતાઓમાં નોકરી અપાવી દેવાના બહાને નોકરીવાંછુઓ સાથે ઠગાઈના કૌભાંડો છાશવારે બહાર આવે છે, પરંતુ રાજકોટમાં આજે આ તમામ કૌભાંડોને પાછળ પાડી દે તેવું કૌભાંડ બહાર આવ્યું છે. રેલવેમાં નોકરી અપાવી દેવાના બહાને ઠગ ટોળકીએ છ યુવાનો સાથે ૬૮ લાખની છેતરપિંડી કર્યાનું બહાર આવ્યું છે. આ ટોળકીએ ભોગ બનનારાઓને બોગસ નોકરીના ઓર્ડર તો આપી દીધા હતા, સાથોસાથ લખનઉ પાસે ખોલેલા બોગસ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ પણ આપતા હતા. જેથી ભોગ બનનારાઓને તત્કાળ શંકા ગઈ ન હતી.

નોકરી

આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાંચે જામનગરના ફલ્લામાં રહેતા શૈલેષ ઉર્ફે સેટીંગ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને નર્મદાના રાજપીપળા તાલુકાના ઈકબાલ ઉર્ફે મુન્ના ખત્રી વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

આજે સાંજે આ કૌભાંડ અંગે જામનગર રોડ પરના ગોકુલ ટેનામેન્ટમાં રહેતા અને જેટકોમાં દફતરી તરીકે નોકરી કરતા ઘનશ્યામસિંહ કિરીટસિંહ ચુડાસમા (ઉ.વ.૪૦)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું છે કે બે મહિના પહેલાં તેની શેરીમાં રહેતા વલ્લભ પટેલ મારફત આરોપી શૈલેષ ઉર્ફે સેટીંગ કે જેની ઓફિસ લીમડાચોક આલાપ-બીમાં પાંચમા માળે છે, તેની સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેણે જણાવ્યું કે, ધો.૧૨ પાસ કે ગ્રેજ્યુએટ થયેલા યુવકોની રેલવેમાં ક્લાર્ક તરીકે ભરતી થવાની છે. જેમાં તેનું સેટિંગ છે. રૂા.૧૫ લાખમાં નોકરી મળી જશે.

ડોક્યુમેન્ટની પીડીએફ ફાઈલ બનાવી સબમીટ કરવાનો ચાર્જ ૨૬ હજાર થશે. કોઈને નોકરીની જરૂર હોય તો કહેવા અને ગુજરાતમાં પણ તેની બદલી કરાવવાની જવાબદારી હોવાનું કહ્યું હતું. જેથી તેણે લીમડીના ભલગામડામાં રહેતા ભાણેજ મીતરાજસિંહ મયુરધ્વજસિંહ રાણાની નોકરી માટેની વાત કરી હતી. બધી વાતચીત થઈ ગયા બાદ મીતરાજસિંહને અમદાવાદ મોકલ્યો હતો. જ્યાંથી બીજા આરોપી કલ્પેશ શેઠની એન્ટ્રી થઈ હતી. જે મીતરાજસિંહને બસમાં દિલ્હી લઈ ગયો હતો, ત્યાં તેણે પીડીએફમાં જોઈનીંગ ઓર્ડર પણ આપ્યો હતો. એટલું જ નહીં રેલવે હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાવી આપ્યું હતું. જેમાં ફક્ત બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું સર્ટિફિકેટ આવતા મીતરાજસિંહને લઈને હવાઈમાર્ગે લખનઉ ગયા હતા.

જ્યાં રેલવે સ્ટેશનની બાજુમાં એક ટ્રેનિંગ સેંટરમાં મીતરાજસિંહને મોકલી આપ્યો  હતો. જ્યાં તેની ટ્રેનિંગ પણ ચાલુ થઈ હતી. તેણે બસ અને વિમાનના ભાડા પેટેના ૨૬ હજાર શૈલેષને રોકડા આપી દીધા હતા. બાદમાં મીતરાજસિંહના કાકા ઈન્દ્રજીતસિંહે રૂા.૧૫ લાખ તેને મોકલી આપતા આ રકમ તેણે શૈલેષને આપી દીધી હતી. શૈલેષે આ રકમ કલ્પેશને મોકલી દીધી હતી. મીતરાજસિંહની નોકરીના હાલ ૫૫ થી વધુ દિવસો થઈ ગયા છે. તેના ખાતામાં ૪૫ દિવસે રૂા. ૧૬૫૪૩નો પગાર જમા થયો હતો. એટલું જ નહીં. પગાર સ્લીપ પણ મળી ગઈ હતી. કલ્પેશે કહ્યું કે, ત્રણ મહિનાની ટ્રેનિંગ રહેશે. રેલવે સિવાય ઓએનજીસી, પોસ્ટ કે ફૂડ ઈન્સ્પેક્ટર તરીકેની કોઈને નોકરી જોતી હોય તો પણ જણાવજો.

MCX

જેથી વિશ્વાસ થતાં તેણે બહેન યોગીતાબાના જમાઈ હરપાલસિંહ ભરતસિંહ ચુડાસમાં (ભાયાવદર), ઋષી ભટ્ટ (રાજકોટ), ભાગ્યરાજસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા તથા પુત્ર જયવીરસિંહ કે જે ધો.૧૨ પાસ છે. આ બધાની નોકરીનું શૈલેષ સાથે રૂા.૧૫ લાખમાં (એક ઉમેદવાર માટે) નક્કી કર્યું હતું.

ત્યારબાદ હરપાલસિંહના ૧૨.૫૦ લાખ આંગડિયાથી મંગાવી પાડોશી વલ્લભ મારફતે શૈલેષને આપ્યા હતા. ઋષી ભટ્ટના સાડા ચાર લાખ આપ્યા હતા. જેથી આ બંનેના ઓર્ડર પીડીએફમાં મળ્યા હતા. પરંતુ ફીઝીકલ ઓર્ડર નહીં મળતા કલ્પેશભાઈને ફરિયાદ કરતા તેણે રૂપિયા મળ્યા નથી તેવી વાત કરતા તેને શૈલેષ સાથે ઝઘડો થયો હતો. તે વખતે કલ્પેશે કહ્યું કે હવે તમે રૂપિયા સીધા મને મોકલજો. જેથી બાકીના ઉમેદવારના રૂપિયા તેના અમદાવાદની સરખેજ સ્થિત એક્સિસ બેંકના ખાતામાં આરટીજીએસથી મોકલ્યા હતા. એટલું જ નહીં દિલ્હી ચાંદની ચોક ખાતે આર. કે. આંગડિયા મારફત પણ રકમ મોકલી હતી.

આ રીતે શૈલેષને આશરે ૩૨.૩૫ લાખ અને કલ્પેશને ૩૫.૭૦ લાખ મળી કુલ રૂા.૬૮ લાખ ચૂકવ્યા હતા. આ ઉપરાંત નિરવ નામનો યુવક પણ શૈલેષ મારફતે નોકરીમાં લાગ્યો હતો. આજે તેના પુત્ર જયવીરસિંહે તેને કોલ કરી કહ્યું કે તેના રૂપિયા જમા થયા ન હોવાથી તેને ટ્રેનિંગમાં આવવાની મનાઈ કરવામાં આવી છે. સરકારી નોકરીમાં આ રીતે કોઈને કાઢી ન નાખે તેવું જાણતા હોવાથી બધુ ખોટું હોવાની શંકા જાગી હતી. તપાસ કરતા રાજપીપળાનો ઈકબાલ ઉર્ફે મુન્નો પણ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળતા ત્રણેય વિરુદ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી ઘનશ્યામસિંહે પોલીસને જણાવ્યું કે, તેના પુત્ર વગેરે મારફત તેને જાણવા મળ્યું કે, લખનઉંના રેલવે સ્ટેશન પાસેના ટ્રેનિંગ સેન્ટરમાં બીજા રાજ્યોના ૩૦ યુવકો પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જે જોતા આ કૌભાંડ આંતરરાજ્ય હોવાની શંકા દર્શાવવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33