Last Updated on February 28, 2021 by
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરજોશથી તમામ વોર્ડ પર મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના નાગરિક તરીકેની ફરજ બજાવવા લાંબી કતારોમાં ઊભા રહીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં નહીં કે માત્ર નવયુવાનો પરંતુ સદી પૂરી કરનારા તેમજ સ્વાતંત્ર્ય સેનાની એટલે કે આઝાદી વખતે પણ પોતાનું યોગદાન આપનાર વડીલો પણ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના એક સાચા નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
આજ સવારથી જ રાજ્યમાં મતદાન કરવા માટે મતદાન મથકોની બહાર લોકોની લાંબી લાઇનો લાગી છે. ત્યારે એવામાં મેઘરજ તાલુકાના પૂજાપુર ગામે બેનીબેન પટેલ નામના 105 વર્ષનાં એક શતાયુ મતદાતાએ મતદાન કરીને પોતાની દેશના નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. બેનીબેન નામના વૃદ્ધ મતદારે મત આપી લોકોને પણ ભારે સંખ્યામાં મતદાન કરવા માટેની અપીલ કરી હતી.
મહુવા તાલુકાના વહેવલ ગામના 100 વર્ષના મણિબેન પટેલે પણ કર્યું મતદાન
અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એક માત્ર હયાત સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મણિબેને મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.
મણિબેન જણાવ્યું હતું કે, ‘ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યાં છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ.’
મણિબેનનું 99 વર્ષ પૂર્ણ કરીને શતાયુ વર્ષ ચાલી રહ્યું છે. તેઓ દરેક ચૂંટણીમાં અચૂકથી મતદાન કરે છે. પોતાનું રોજીંદુ કામ તેઓ જાતે જ કરે છે. પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે. મણિબહેને તેમના સ્વ. પતિ બાપુભાઈ સાથે અનેક સ્વાતંત્ર્ય ચળવળોમાં પણ ભાગ લીધો હતો, ત્યારે આજની આ નવી પેઢી તેમજ દેશ માટે આ એક ગૌરવની ક્ષણ છે.