Last Updated on April 10, 2021 by
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યભરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 4500 થી વધુ કેસો અને નવા 42 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 4697 એ પહોંચ્યો છે. એવામાં રાજ્યના 20 શહેરોમાં તો રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ આપ્યો જ છે. પરંતુ હવે શહેરો બાદ ગામડાંઓમાં પણ કોરોના સંક્રમણ વધતા ગામડાના લોકો સ્વૈચ્છિક લોકડાઉન આપી રહ્યાં છે. ત્યારે અહીં વાત કરીશું કે રાજ્યના કયા-કયા ગામડાંઓમાં, શહેરોમાં કે જિલ્લાઓમાં કઇ-કઇ જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું છે. તેની અહીં વિગતે માહિતી જોઇશું…
વેરાવળના આજોઠા ગામે લોકડાઉનનો અમલ
રાજ્યમાં વેરાવળના આજોઠા ગામે કોરોનાએ ભરડો લેતા 25 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજોઠા બેકાબૂ બનેલા કોરોનાથી ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાન માવાના ગલ્લાંથી લઈને તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે.
દાહોદ જીલ્લાના કતવારા ગામમાં બે દિવસનું લોકડાઉન
દાહોદ જીલ્લાના કતવારા ગામમાં બે દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામમાં કોરોનાના કેસો વધતા ગ્રામ પંચાયત દ્રારા શનિ-રવિ બજાર બંધ રાખવાનો આદેશ કરાયો હતો. સંક્રમણને વધતું રોકવા માટે તમામ દુકાનદારોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકડાઉનના નિર્ણયને સમર્થન આપ્યું. નિયમ ભંગ કરનાર સામે ગ્રામ પંચાયતએ દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
અમરેલીમાં વડિયાના નાજાપુરમાં 2 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય
અમરેલીમાં વડિયાના નાજાપુરના ગ્રામ પંચાયત દ્વારા ગામને 2 દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિ અને રવિ બંન્ને દિવસે સવારના 10 વાગ્યા બાદ ગામ બંધ રાખવાના નિર્ણયને અમલમાં મુકવામાં આવ્યો છે. આ સાથે જ દુકાનદારોને સવારે 8 થી 10 જ દુકાનો ખુલી રાખવા ગામ પંચાયત દ્વારા અપીલ કરવામાં છે.
પાટણમાં પણ જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની કામગીરી બંધ
પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પાટણ કલેક્ટરે સોમવારે પણ જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.શનિવાર-અને રવિવાર સરકારી કચેરીઓ બંધ છે અને આગામી મંગળવાર અને બુધવારે ચેટીચંદ તેમજ આંબેડકર જયંતીની રજા છે. ત્યારે કલેક્ટરે સોમવારે પણ સરકારી કચેરીમાં રજા જાહેર કરી છે. આમ, હવે પાંચ દિવસ સુધી સરકારી કચેરીમાં સંપૂર્ણ પણ લોકડાઉન જાહેર થયું છે.
અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
અમદાવાદમાં પણ બેકાબૂ કોરોનાને લઈને સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. શનિવાર અને રવિવારે વેપારીઓ કામથી અળગા રહ્યાં છે. જેથી સાયન્સ સીટી વિસ્તારમાં દુકાનો બંધ જોવા મળી હતી. અંદાજે 2,200થી 2,500 એકમોએ બંધ પાળ્યો છે.
કેશોદમાં શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન
જૂનાગઢના કેશોદમાં પણ કોરોના કેસ વધતા શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આથી વેપારીઓએ પોતાનો રોજગાર ધંધા બંધ રાખ્યા હતાં. કેશોદમાં વેપારી મંડળ અને સામાજીક સંસ્થાઓ દ્વારા વિકેન્ડમાં બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કેશોદમાં કોઈ દુકાન ખુલ્લી રાખવામાં આવશે તો તેમની પાસે દંડ લેવાનો પણ નિર્ણય કરાયો છે.
કેસો વધતા બે દિવસ ધોરાજી બંધ રાખવાનો નિર્ણય
ધોરાજીમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા બે દિવસ ધોરાજી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે એક બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં પ્રશાસને પણ ટેકો આપ્યો છે. આ સાથે જ લોકોને પણ અપીલ કરી છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે જેથી કોરોનાના સંક્રમણને રોકી શકાય તેમજ લારી-ગલ્લાવાળાઓએ પણ એક સ્થાન પર ન ઊભો રહેવું હરતા-ફરતા લારીની વ્યવસ્થા રાખવી જેથી કરીને લોકોને પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મળી રહી. ધોરાજીમાંથી કોરોના સંક્રમણની સંખ્યા ઘટાડવા લોકોને સહકાર આપવા ખાસ અપીલ કરી છે.
અરવલ્લીના ભિલોડા નગરમાં શનિ-રવિ બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન
અરવલ્લીના ભિલોડા નગરમાં કોરોનાના વધતા કેસને લઈ શનિ અને રવિવાર બે દિવસ સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત અને વેપારી એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ સમય દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ અને મેડિકલ સેવા શરૂ રહેશે અને તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન
વલસાડ જિલ્લાના ધરમપુરમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ શરૂ થયો છે. વલસાડ જીલ્લાના વહીવટીતંત્ર અને વેપારી એસોસિયેશન સાથે લોકોએ લોકડાઉનના નિર્ણય માન્ય રાખ્યો હતો. સજ્જડ બંધના પગલે શહેરના રસ્તાઓ, બજારો અને બસ સ્ટેશન પણ સુમસામ જોવા મળ્યા હતાં. જો કે આવશ્યક સેવા શહેરમાં ચાલુ રાખવામાં આવી છે.
હાંસોટ તાલુકાના ઈલાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
હાંસોટ તાલુકાના ઈલાવ ગામમાં પણ તારીખ 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લાં રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31