Last Updated on March 30, 2021 by
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી વખત કોરોનાએ સમગ્ર ગુજરાતમાં માથું ઉચક્યું છે. ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યાર બાદ કોરોનાનો ભારે કોહરામ મચ્યો હતો. રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના પોઝિટિવ કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિધાનસભા ગૃહમાં પણ નેતાઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે એવામાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે.બી. પારડીવાલા હાઇકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજમાંના એક છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા હતાં. જેમાં જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતાં. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મોત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે, જેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા કરે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટની ઘણાં સમયથી ખાલી પડેલી જગ્યાઓ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી અને આ અંગે જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે અગાઉ સરકારને લગાવી હતી ફિટકાર
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે કોરોનાની પરિસ્થિતિ માંડ થાળે પડી હતી ત્યારે સ્થાનિક ચૂંટણીઓ દરમિયાનના બેદરકારીભર્યા વલણના કારણે સમગ્ર ચિત્ર બગડયું છે. રાજ્ય સરકારની રજૂઆત છે કે કોરોનાને કળવો મુશ્કેલ છે. અત્યારની પરિસ્થિતિના કારણે કોરોનાની ત્રીજી લહેર આવે તેવી પણ શક્યતા છે. તેથી સરકાર ખરાબ પરિસ્થિતિની કલ્પના કરી તૈયાર રહે અને પૂરતી કોવિડ હોસ્પિટલ અને બેડ તૈયાર રાખે. આ ઉપરાંત મોટાં શહેરોમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે અને માસ્કના નિયમનું અતિ કડકાઇથી પાલન કરાવવામાં આવે.’
ગત ઉનાળા જેવી પરિસ્થિતિનું ફરીથી નિર્માણ
તમને જણાવી દઇએ કે, ગુજરાત સહિત આખા દેશમાં વર્ષ 2020માં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યાર બાદ કોરોનાનો કોહરામ મચ્યો હતો. ત્યારે ફરી વાર માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાની ઋતુમાં તબીબો માટે કોરોના માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોનાના પોઝિટીવ કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ગત ઉનાળા જેવી પરિસ્થિતિનું ફરીથી નિર્માણ થઈ રહ્યું છે. આ અંગે નિષ્ણાંતોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટે નિવેદન આપ્યું હતું કે, ‘ઉનાળાની ઋતુમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે અને સામાન્ય રીતે થતો પણ હોય છે. ત્યારે બીજી તરફ કોરોનાના નવા લક્ષણમાં ઝાડા ઉલટી પણ જોવા મળ્યા છે. અનેક સ્થાનિકોને સવારના સમયે ઠંડક હોવાથી શરદી ખાંસીની પણ સમસ્યાઓ સામે આવે છે, જે પણ કોરોનાના લક્ષણ છે આ કારણોસર પણ કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે.’
IIM અને GTU માં કોરોના બ્લાસ્ટથી હાહાકાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.