Last Updated on March 18, 2021 by
તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી 20 ક્રિકેટ મેચ યોજાઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ફેબ્રુઆરી માસમાં 300 જેટલાં કેસ નોંધાયા હતાં ત્યારે એક જ માસના સમયગાળામાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેમ 4 ગણા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ના ફેલાય તે માટે રાજ્ય સરકાર તથા મહાનગરપાલિકાઓના સત્તાધીશો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં મીની લોકડાઉનની અસર આજથી જ શરૂ થઇ ગઇ છે.
માનીતા IAS, IPS ઓફિસરની ટીમો મેદાને ઉતરી
રાજ્યમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. ત્યારે હવે રાજ્યની રૂપાણી સરકારે કોરોનાનું સંક્રમણ ઓછુ ફેલાય તે માટે માનીતા IAS અને IPS ઓફિસરોની ટીમ મેદાને ઉતારી છે. જેમાં ચાર મહાનગરોમાં વરિષ્ઠ અધિકારીઓ મેદાને ઉતાર્યાં છે. જેમાં સુરતની જવાબદારી એન.થૈન્નારસન, તો રાજકોટમાં કલેક્ટર રહી ચુકેલા રાહુલ ગુપ્તાને ફરી જબાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની જવાબદારી ડૉ. રાજીવ ગુપ્તાને તથા વડોદરાની જવાબદારી ડૉ. વિનોદ રાવ, મિલિંદ તોરવણેને સોંપવામાં આવી છે.
અમદાવાદમાં AMTS, BRTS બંધ
કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવ્યું છે. મોડી રાત્રે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તંત્ર દ્વારા આવતીકાલથી શહેરમાં દોડતી તમામ AMTS અને BRTS બસોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી આવતીકાલથી શહેરમાં નોકરીએ જતા તથા ખાસ કરીને વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડશે.
ફક્ત એક માસમાં જ કોરોનાના કેસોની સંખ્યામાં 4 ગણો વધારો
તારીખ | કેસની સંખ્યા |
21 ફેબ્રુઆરી | 283 |
22 ફેબ્રુઆરી | 315 |
23 ફેબ્રુઆરી | 348 |
24 ફેબ્રુઆરી | 380 |
25 ફેબ્રુઆરી | 424 |
26 ફેબ્રુઆરી | 460 |
27 ફેબ્રુઆરી | 451 |
28 ફેબ્રુઆરી | 407 |
1 માર્ચ | 427 |
2 માર્ચ | 454 |
3 માર્ચ | 475 |
4 માર્ચ | 480 |
5 માર્ચ | 515 |
6 માર્ચ | 571 |
7 માર્ચ | 575 |
8 માર્ચ | 555 |
9 માર્ચ | 581 |
10 માર્ચ | 675 |
11 માર્ચ | 710 |
12 માર્ચ | 715 |
13 માર્ચ | 775 |
14 માર્ચ | 810 |
15 માર્ચ | 954 |
16 માર્ચ | 954 |
17 માર્ચ | 1122 |
કોરોનાની સારવાર લેવા સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે
આ સાથે જ AMCએ કોરોનાની સારવાર માટે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલો સાથેના MoU પણ રદ કરી દીધા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં છે પરંતુ હવે સ્વ ખર્ચે દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડશે અથવા તો સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે, ‘સરકારે AMCને ખાનગી હોસ્પિટલો સાથે કોરોનાની સારવાર માટે ટાઈઅપ કરવાની ઘસીને ના પાડી દીધી છે. ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ચૂકવાયેલા કરોડો રૂપિયા અને ખાનગી હોસ્પિટલો સામે મળેલી ફરિયાદોથી પણ સરકાર નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.’
રિવરફ્રન્ટ, બાગ-બગીચા બંધ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે હરકતમાં આવ્યું છે. શહેરમાં આવેલા તમામ બાગ બગીચાને બંધ રાખવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવરફ્રન્ટને પણ આગામી સુચના ન મળે ત્યાં સુધી બંધ કરવા માટેના આદેશ કરી દેવાયો છે.
સ્પોર્ટ્સ કલબ, જીમ, થિયેટર બંધ
મહાનગરોમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે અમદાવાદ અને સુરતમાં તંત્ર દ્વારા સ્પોર્ટ્સ કલબ, જીમ અને થિયેટર જેવી તમામ વસ્તુઓને બંધ કરવા માટેના આદેશો કરી દેવામાં આવ્યાં છે.
સુરતમાં AMTSના પૈડા થંભ્યાં
કોરોના સંક્રમણનું એપી સેન્ટર ગણાતા સુરતમાં આજે 300 કરતા પણ વધારે કોરોનાના નવા કેસો નોંધાયા છે. જેના પગલે તંત્રએ ગઈકાલે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં AMTS, BRTSની બસોને બંધ કરી દીધી હતી. હવે આજે ફરી કોરોનાના કેસોના આંકડા વધતા AMTS, BRTSની તમામ બસોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં
વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. જેથી આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4430 જેટલા લોકો કોરોનાથી મોતને ભેટયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 775 દર્દીઓ સાજા થતા આજ દિન સુધીમાં કુલ 2 લાખ 71 હજાર 433 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
સુરત જિલ્લામાં આજે કેસનો આંકડો 350ને વટાવી ગયો
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનો જે રીતે રાફડો ફાટયો છે તેના કારણે સૌ કોઇની ચિંતા વધી છે. ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ હાલમાં સુરતની છે. સુરતમાં કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. સુરત જિલ્લામાં કેસનો આંકડો 350ને વટાવી ગયો છે. શાળા કૉલેજોમાં જ્યાં સ્થિતિ ગંભીર છે એ બંધ કરવાના આદેશ કરાયા છે. અમદાવાદમાં અચોક્કસ મુદત માટે બાગ-બગીચાં બંધ કરી દેવાયા છે. રાજ્યમાં 3 મહિના પછી ફરી કોરોનાના 1000 કરતા વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત-અમદાવાદમાં સ્થિતિ ગંભીર છે. આજે સુરતમાં 353 કેસ નોંધાયા છે.
રાત્રિ કરફ્યૂનો સમયગાળો બે કલાક માટે વધારી દેવાયો
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યુ છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય 18 તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે.
સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ
રાજકોટમાં કોરોના ટેસ્ટ વધારવા સુચનાઓ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ સામાન્ય જનતાને મનપા દંડ કરવા નિકળ્યું હતુ. મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દંડા સાથે ચાની લારીઓ, પાનના ગલ્લા સહિત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે તો પાલન કરવા સુચના આપી હતી. સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે. જેના લીધે વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટે ફરી લાઈનો લાગી છે. ગત દિવાળી બાદ કોરોના ટેસ્ટીંગ માટે લાંબી લાઇનો લાગી હતી જે હવે ફરી જોવા મળી હતી.
રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ બંધ
સુરતમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસને લઈને મહાનગર પાલિકાએ ઓફ લાઈન ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને હવે સુરતમાં માત્ ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. સુરતમાં શાળા કોલેજોમા પણ કોરોના કેસ વધી રહ્યા છે જેના કારણે મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ જેમાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે. જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનિય છેક , સુરતમાં શાળા કોલેજમાં 31 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત જોવા મળ્યા છે..જેમાં લિંબાયતની શાળામાં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.
અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ, સરકાર માત્ર 1 કલાક વધારે : હોટેલ માલિકોની માંગ
4 મહાનગરમાં આજથી રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે હવે હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી છે ત્યાં જ ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા હોટેલ માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ફરી એક વખત રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લગાવવાના કારણે ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા લાગુ પાડેલા રાત્રી કર્ફ્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ત્યારે હોટેલ માલિકો એટલી જ માંગ કરી રહ્યા છે કે અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ સરકાર માત્ર 1 કલાક વધારી આપે.
સુરતમાં બહારથી આવનારા લોકોએ અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે
સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે ત્યારે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડી રહ્યો છે. આજે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજિયાત સાત દિવસ ક્વોરન્ટાઇન કરવાનું રહેશે. જો કે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજિયાત કોરન્ટાઇન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું. જે અંતર્ગત હવે બહારથી જે લોકો આવશે તે લોકોના ઘરમાં અન્ય લોકોને સંક્રમણ ન થાય તે માટે અલગથી હોમ આઈસોલેશન રહેવું પડશે.
ભાજપના નેતાઓ માટે ગુજરાતમાં નથી કોઈ કાયદો
સુરતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે અભિવાદન સમારોહ યોજાયો હતો. ભાજપ અધ્યક્ષના અભિવાદન સમારોહ દરમ્યાન લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. સીમાડા નાકા નજીક યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. સામાન્ય જનતાને સોશિયલ ડિસ્ટન્સિંગ,ફરજીયાત માસ્ક પહેરવાની સૂફીયાની સલાહ આપતી પાલિકાએ મૌન સેવ્યું હતુ. કાર્યક્રમ દરમ્યાન ડાયસ પર બેઠેલા લોકો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. કાયદો અને નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ છે તેવા સવાલો ઉઠ્યા હતા. પાલિકા તંત્ર સામાન્ય જનતા અને નાગરિકો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નામે દંડ ફટકારતી પાલિકાએ આ ઘટનાને લઇ ચુપકીદી સેવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31