Last Updated on March 18, 2021 by
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે. ગુજરાતમાં સક્રિય કેસો પણ 5684 એ પહોંચ્યા છે. 899 નવા દર્દીઓ સાજા થયા બાદ કુલ 2,72, 332 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે થયું છે.
અત્યાર સુધીમાં કુલ 24,13,350 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,67,671 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,37,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું.
તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, સુરતમાં 2-1 દર્દીઓના મોત થયા છે. સૌથી વધારે કેસ સુરતમાં 324 અને અમદાવાદમાં 298 નોંધાયા છે. વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. આમ, 4 મહાનગરોમાં કોરોનાથી સ્થિતિ ભારે વણસી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં બાગ-બગીચાઓ બંધ
અમદાવાદ શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન તંત્રે કાંકરીયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પર સાયકલિંગ, વોકિંગ બંધ કરવાનો નિર્ણય કરાયો છે..આ સિવાય રીવરફ્રન્ટ પાર્ક ઉપરાંત ઉસ્માનપુરા ગાર્ડન, ફલાવરપાર્ક, ચિલ્ડ્રન પાર્ક, બાયોડાયવર્સિટી પાર્ક અનિશ્ચિતકાળ માટે બંધ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં મુસાફરો થયા હેરાન
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને AMTS અને BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો છે. જેથી ૯૫૦ જેટલી બસોના પૈડા આજથી ફરી અચોક્કસ મુદ્ત માટે થંભી ગયા છે. રાતોરાત લેવાયેલા આ નિર્ણયથી સેંકડો નોકરીયાતો, મુસાફરો અટવાયા છે. એક તરફ આજથી ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે બસમાં જતા અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ મુંઝવણ વધી છે. શહેરમાં એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.. રાતોરાત બીઆરટીએસ, એએમટીએસ બંધ થતા નોકરીયાતોના પેટ પર લાત લાગી છે.
સુરતમાં પણ બસોનાં પૈડાં થંભ્યાં
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા જતા કોરોનાના કેસોના પગલે તમામ રૂટ પર દોડતી બીઆરટીએસ અને સિટી બસ સેવા અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવી છે. બસોમાં રહેતા મુસાફરોના ભારે ધસાના પગલે સંક્રમણ વધવાની ભીતિ વચ્ચે પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સુરત શહેરની 740 બીઆરટીએસ અને સીટી બસના પૈડાં થંભી ગયા છે. સુરત સહિત જિલ્લાની અંદાજીત 60 લાખની વસ્તી વચ્ચે દોડતી બીઆરટીએસ અને સીટી બસ સેવાનો રોજિંદા કામદારો… નોકરિયાત વર્ગ સહિતના લોકો લાભ મેળવે છે. પરંતુ આ બસ સેવા હાલ પૂરતી બંધ કરાતા આ તમામ વર્ગના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
200 દેશો કરતાં પણ વધારે કેસ પુનામાં
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 23 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. પુણે દેશમાં સૌથીવધુ સંક્રમિત શહેર બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પુણે શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 4 હજાર 745 નવા કેસ સામે આવ્યા છે.અહીં 15 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા. બુધવારે સૌથી વધુ કેસ પણ પુણેમાં જ મળ્યા હતા. કોરોનાના દર્દીઓની સંખ્યા બતાવનારી વેબસાઈટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં માત્ર પુણેમાં જેટલા દર્દીઓ મળ્યા છે, તેટલો આંક વિશ્વના 200 દેશમાં પાર થયો નથી.
ફિલિપિન્સ, હંગરી, કેનેડા, ઓસ્ટ્રિયા, પાકિસ્તાન, યુએઈ, બાંગ્લાદેશ, સ્વિત્ઝર્લેન્ડ, મલેશિયા, નોર્વેમાં પણ 24 કલાકમાં સાડા 4 હજારથી વધુ કેસ નથી આવ્યા. પુણેમાં રાજકીય, સામાજીક અને ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકોને સામેલ થવાની મંજૂરી અપાઈ છે. મ્યુનિ.ની તમામ ઓફિસોમાં 50 ટકા કર્મીઓ સાથે કામ કરવાના આદેશ અપાયા છે. ખાનગી કંપનીઓમાં પણ વર્ક ફ્રોમ હોમની સૂચના અપાઈ છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી રાતના 11થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ જેવા નિર્ણયોથી કોરોના કેસો પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
ગુજરાતમાં શાળા-કોલેજો બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાં આવતી તમામ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ તેમજ પરીક્ષાઓ બંધ રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને ભાવનગર મનપાની શાળા-કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. જો કે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.