GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને લઇ તંત્રએ કેમ વારંવાર કરવા પડે છે દાવા! આજે વધુ એક ખુલાસો

Last Updated on April 2, 2021 by

ગુજરાતમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે કોરોના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને વાતાવરણ ગરમાયું છે. રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. અનેક શહેરોમાં રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir injection) નો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે. ત્યારે એવામાં રાજકોટમાં દર્દીઓની જરૂરિયાતની સામે રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળી રહ્યાં તેવા સવાલો ઉઠ્યાં છે. ત્યારે રેમડેસિવિર ઇંજેક્શનની અછતને લઇને તંત્રએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.’ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘ડે.સીએમ અને આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિના સીધા માર્ગદર્શન હેઠળ દરરોજ સતત મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કુલ ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.’

(ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી. કોશિયા)

નાગરિકો દવા કે સારવાર અંગે ચિંતા ન કરે તેવી એચ.જી. કોશિયાએ કરી હતી અપીલ

ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગુરૂવારના પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 32 હજાર 965 ઇન્જેક્શન છે. જે અંતર્ગત તમામ હોસ્પિટલોમાં મળીને કુલ 13 હજાર 860 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19 હજાર 105 ઇન્જેક્શનનો જથ્થો છે જે જિલ્લાઓમાં વિતરણ થશે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયાએ જણાવ્યું કે, રેમડેસિવીર ઉપરાંત કોરોનાની અન્ય જરૂરી દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આથી, રાજ્યના નાગરિકો દવા કે સારવાર અંગે ચિંતા ન કરે તેમ કમિશનર કોશિયાએ અપીલ કરી છે.’

નોંધનીય છે કે, રાજકોટની કેટલીક હોસ્પિટલોએ રેમડેસિવિર ઇન્જેકશનની અછતના કારણે કોરોનાના નવા દર્દીઓના એડમિશન બંધ કરાયા છે. રાજકોટમાં કોરોનાના વધતા જતા કહેર વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનની અછતનો મુદ્દો ઉઠ્યો છે. શહેરના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir injection) નો સ્ટોક ખાલી થઈ ગયો છે. બે દિવસથી ઈન્જેક્શનનો માલ ન મળતા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારો કોરોનાના ભરડામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનના ભાવમાં બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.

This image has an empty alt attribute; its file name is remdesivir-injection-in-gujarat-1024x683.jpg

રેમડેસિવિર ઇન્જેક્શન રિટેઇલ કેમિસ્ટ સુધી પહોંચતા જ નથી

ઈન્જેક્શનનો કંપની સપ્લાયનો ભાવ રૂપિયા 800ની આસપાસના ભાવનો હોવા છતાંય રૂ. 5400 સુધી લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે. થોડાં સમય પહેલાં ગુજરાતની એક કંપની આ દવા એક યુનિટના રૂપિયા 900ના ભાવે બજારમાં લઈને આવી હતી. આ કંપની ઓછાં ભાવે બજારમાં દવા લઈને આવી તેથી રૂ. 5400ના ભાવે વેચતી આવેલી કંપનીઓના પેટમાં તેલ રેડાયું હતું. પરિણામે કંપનીએ તેની MRP ઘટાડ્યા વિના જ તેના હોલસેલર્સને રૂપિયા 800ના ભાવે ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ ઇન્જેક્શન રિટેઇલ કેમિસ્ટ સુધી પહોંચતા જ નથી અને ઈન્જકેશન હોસ્પિટલને સીધો સપ્લાય આપીને દર્દીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.

સરકારે એક જ ભાવ નક્કી કરવો જોઈએ, જેથી ગરીબ દર્દીઓ લૂંટાય નહીં

એવામાં રાજ્યમાં કોરોનાના દર્દીઓને અપાતા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ પર ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેઓએ GSTV સંવાદદાતા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, ‘અલગ-અલગ ભાવે હોસ્પિટલમાં ઈન્જેક્શન વેચવામાં આવી રહ્યાં છે અને તબીબો ઊંચો ભાવ લઈ રહ્યાં છે. ત્યારે સરકારે એક જ ભાવ નક્કી કરવો જોઈએ. જેથી ગરીબ દર્દીઓ લૂંટાય નહીં.’ ગુજરાત ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલે કોર્પોરેટર હોસ્પિટલ ઊંચા ભાવ વસૂલી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

દવાની શોર્ટેજ છે પરંતુ આ દવા 3થી 4 દિવસમાં લોકોને મળી જશે : ફાર્માસિસ્ટ

બીજી બાજુ હાલમાં રાજ્યમાં રેમડેસિવિર અને ટોસિલિઝૂમેબની અછત હોવાનું સામે આવ્યું છે. જેને લઇને વડોદરા GSTV દ્વારા ફાર્માસિસ્ટ શોપમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં ફાર્માસિસ્ટ અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘દવાની શોર્ટેજ છે પરંતુ આ દવા 3થી 4 દિવસમાં તમામ જરૂરિયાતવાળા લોકોને મળી જશે. હાલમાં જે રીતે ભારતમાં કોરોનાના કેસો વધ્યાં છે તેને લઈને આ દવાની કદાચ અછત ઊભી થઇ છે.’ હાલમાં 4500 રૂપિયામાં મળતી રેમડેસિવિર ઇન્જેક્શન હવે 1750માં મળી રહ્યું છે પરંતુ કેટલાંક લોકો આની વધુ કિંમત લેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે વેપારીનું માનવું છે કે કોરોના દર્દીઓ માટે આશિર્વાદ સમાન રેમડેસિવીર અને ટોસિલિઝૂમેબના ભાવો સરકાર નક્કી કરે તો કાળા બજાર અટકાવી શકાય.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33