GSTV
Gujarat Government Advertisement

ભારત બંધ / ખેડૂત આંદોલનના વિરોધમાં ભારત બંધ પંજાબ-હરિયાણામાં સફળ, દેશના અન્ય ભાગમાં આંશિક અસર

ખેડૂત

Last Updated on March 27, 2021 by

દેશમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનના શુક્રવારે ૧૨૦ દિવસ પૂરા થયા છે. આંદોલન મુદ્દે ઘોર નિંદ્રામાં પોઢેલી સરકારને જગાવવા માટે ખેડૂતોએ શુક્રવારે બીજી વખત રાષ્ટ્રવ્યાપી બંધની હાકલ કરી હતી. જોકે, ખેડૂતોનો ભારત બંધ પંજાબ અને હરિયાણામાં સફળ રહ્યો હતો. આ સિવાય દેશના અન્ય ભાગોમાં બંધની કોઈ વિશેષ અસર જોવા મળી નહોતી. ભારત બંધને પગલે પંજાબ અને હરિયાણામાં રેલવે સુવિધા ખોરવાઈ હતી, પરંતુ દેશના અન્ય ભાગોમાં બંધની કોઈ અસર થઈ નહોતી તેમ રેલવે મંત્રાલયે કહ્યું હતું.

ભારત બંધને પગલે ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળો પર નેશનલ હાઈવે અને અન્ય મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક જામ કર્યો હતો તેમજ અનેક સ્થળો પર રેલવે ટ્રેક પર ટ્રેનો અટકાવી હતી. સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ, ગાઝીપુર અને ટિકરી પર ખેડૂત આંદોલનના ચાર મહિના પૂરા થવા પ્રસંગે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી રાષ્ટ્રવ્યાપી બંધની હાકલ કરી હતી.

44 સ્થળે ટ્રેન સેવા ખોરવાઈ

રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના વિરોધ પ્રદર્શનના કારણે ચાર શતાબ્દી એક્સપ્રેસ રદ કરવી પડી હતી જ્યારે અન્ય ૩૫ પેસેન્જર ટ્રેનો અટકાવાઈ હતી અને ૪૦ માલગાડીઓના પરિવહન પર અસર થઈ હતી. બંધના કારણે રેલવેના દિલ્હી, અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનના ૪૪ સ્થળો પર ટ્રેન સેવા ખોરવાઈ હતી. ઉત્તર પ્રદેશના બલિઆમાં સિકંદરપુર ટાઉનશિપમાં સીપીઆઈના દેખાવો કરી રહેલા ૨૦ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

પંજાબ અને હરિયાણા સિવાય દિલ્હી સહિત દેશના અન્ય સ્થળો પર બંધની આંશિક અસર થઈ હતી. દિલ્હી મેટ્રોના કેટલાક સ્ટેશનો થોડાક સમય માટે બંધ કરી દેવાયા હતા, પરંતુ થોડાક જ સમયમાં પ્રવાસીઓ માટે તેને ફરીથી ખોલી દેવાયા હતા. બીજીબાજુ ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે, માયાપુરી અને અન્ય કેટલાક વિસ્તારોમાં લોકો શાંતપૂર્ણ દેખાવો થયા હતા. સંયુક્ત કિસાન મોરચાએ દાવો કર્યો હતો કે વિવિધ ટ્રેડ યુનિયનો, વિદ્યાર્થી સંસ્થાઓ, બાર એસોસિએશન્સ, રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓએ બંધને સમર્થન આપ્યું હતું.

પંજાબ હરિયાણામાં ભારત બંધની અસર

પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો, બજારો બંધ રહ્યા હતા. જાહેર અને ખાનગી પરીવહન પણ બંધ રહ્યા હતા. પંજાબના અમૃતસરમાં ખેડૂતોએ શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બિહારમાં પણ બંધને આંશિક સફળતા મળી હતી.

જોકે, દિલ્હીમાં બંધની કોઈ અસર જોવા મળી નહોતી. બજારો ખુલ્લા રહ્યા હતા. દિલ્હીમાં વેપારીઓના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષે જણાવ્યું હતું કે તેમના ૯૮ ટકા સભ્યોએ ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો છે, પરંતુ દુકાનો અને બજારો બંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. કોરોનાના કારણે આમ પણ વેપારીઓએ ભારે નુકસાન સહન કરવું પડયું છે. આથી તેઓ બંધની તરફેણમાં નથી. દિલ્હીમાં બજારો ખુલ્લા રહ્યા, પરંતુ સરહદો પર નેશનલ હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યા હોવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર, ટ્રોલી, કાર ગોઠવી રસ્તાઓ બંધ કરી દીધા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33