Last Updated on March 27, 2021 by
દેશમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. સતત ૧૬ દિવસથી કોરોનાના કેસ વધતાં શુક્રવારે કોરોનાના નવા ૫૯,૧૧૮ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૧૮ કરોડને પાર થઈ ગયા છે. દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય પક્ષો હજારોની ભીડ એકઠી કરી રહ્યા છે તેવા સમયે કેન્દ્ર સરકારે આગામી સમયમાં હોળી, ઈદ, ઈસ્ટર જેવા તહેવારોમાં ભીડ એકઠી થતી રોકવા માટે પગલાં લેવા રાજ્યોને નિર્દેશ આપ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તિસગઢ, ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ દિવસમાં નવા એક લાખ કેસ નોંધાયા છે.
તહેવારોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પગલાં લેવા નિર્દેશો
ભારતમાં કોરોનાની લહેર ફરી એક વખત સતત વધી રહી છે આવા સમયે આગામી સપ્તાહથી દેશભરમાં તહેવારો શરૃ થઈ રહ્યા છે. આગામી સપ્તાહથી દેશમાં હોળી, શબ-એ-બારાત, બૈસાખી, ઈદ-ઉલ-ફિતર, ઈસ્ટર જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે ગૃહમંત્રાલયે બધા જ રાજ્યોના ગૃહસચિવોને પત્ર લખીને તહેવારોમાં ભીડ એકત્ર ન થાય તે માટે પગલાં લેવા નિર્દેશો આપ્યા છે.
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા હોવાથી સ્થિતિનું મૂલ્યાંકન કરીને ગૃહમંત્રાલયે રાજ્યોને ૨૩મી માર્ચે જ કોરોનાને નિયંત્રણમાં લેવા માર્ગદર્શિકા મોકલી હતી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ‘ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ’ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું જોઈએ. રાજ્યોને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને લૉકડાઉન સહિતના જરૃરી પગલાં લેવાની છૂટ પણ આપવામાં આવી છે.
કોરોનાના કેર વચ્ચે હોળી-ઈદના તહેવારોમાં ભીડ રોકવા માટે રાજ્યો પગલાં લે : કેન્દ્ર
વધુમાં આગામી સપ્તાહથી હોળી સહિતના તહેવારોમાં ભીડ એકઠી ન થાય અને તહેવારોની ઊજવણી થતી હોય તેવા વિસ્તારોમાં કોરોનાના પ્રોટોકોલનો કડકાઈથી અમલ થાય તેનું રાજ્યોએ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે ભીડવાળી જગ્યાઓ પર લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ વગેરે નિયમોનું પાલન કરે તેનું રાજ્યોએ ધ્યાન રાખવું જોઈએ તેમ ભલ્લાએ જણાવ્યું હતું. હોળીના તહેવાર પહેલાં જ દેશમાં કોરોના મહામારી બેકાબૂ થઈ રહી છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર કે ગુજરાત દરેક જગ્યાએ કોરોનાના નવા દૈનિક કેસમાં વિક્રમી વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોનાના નવા કેસ ૫૯,૧૧૮ : સતત ૧૬મા દિવસે કેસ વધ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં શુક્રવારે કોરોનાના નવા ૫૯,૧૧૮ કેસ નોંધાયા છે, જે છેલ્લા પાંચ મહિનામાં એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ સાથે એક્ટિવ કેસ પણ વધીને લગભગ સાડા ત્રણ મહિના પછી ચાર લાખને પાર ગયા છે. દેશમાં સતત ૧૬ દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. પરિણામે એક્ટિવ કેસ ૪,૨૧,૦૬૬ થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨૫૭નાં મોત નીપજ્યાં છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૦,૯૪૯ થયો છે. દેશમાં છેલ્લે ૧૮મી ઑક્ટોબરે એક દિવસમાં કોરોનાના નવા ૬૧,૮૭૧ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૧૨,૬૪,૬૩૭ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોનાના કેસ માત્ર પાંચ રાજ્યોમાં વધી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તિસગઢ અને ગુજરાતનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના દૈનિક કેસ પૈકી ૭૩.૬૪ ટકા નવા કેસ મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે ૩૫,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે પંજાબમાં ૨,૬૬૧ અને કર્ણાટકમાં ૨,૫૨૩ કેસ નોંધાયા છે. આ ત્રણ રાજ્યો સાથે ગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31