Last Updated on April 5, 2021 by
અમદાવાદના કોરોનાના કેસોમાં વિક્રમજનક વધારો થતાં લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતાં હાલ 74.04 ટકા બેડ ભરાયેલા છે. જેમનું સારી સારવારમાં નામ છે તેવી હોસ્પિટલોમાં જ દિવાળી પર હતી તેવી વેઈટીંગની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એ ખૂબ જ ગંભીર વળાંક લીધો છે. બીજી તરફ એકટિવ કેસો ઓછાં જાહેર કરાય છે.
કેટલાંક તબિયત ચોથા કે પાંચમાં દિવસે બગડતા તેમને ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે
બીજી તરફ ઘેર બેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાંક તબિયત ચોથા કે પાંચમાં દિવસે બગડતા તેમને ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે, ત્યારે તેમના કુટુંબિજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને તેના ચાર્જીસ કેટલાં હશે, ડિપોઝીટ કેટલી ભરવી પડશે તેની ચિંતામાં મુકાઈ જાય છે. મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી. મે-જુનમાં ગયા વર્ષે હતા તેના કરતા કેસો વધ્યા છે જ્યારે સુવિધા તે વખત કરતાં ઘટી છે.’
હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે
બીજી તરફ રેપિડ ટેસ્ટમાં પોઝીટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો નહીં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 108 વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય તેની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે છે. એમાં પણ બીજા રાજ્યનું આધાર કાર્ડ હોય તો વધુ ચકાસણી કરે છે. ઘરે બેઠાં સારવાર લેતા દર્દીઓની કુલ સંખ્યામાં ગણતરી પણ થતી નહીં હોવાનું જણાય છે.
ઉપરાંત મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા અન્ય આંકડાઓની જેમ એકટિવ કેસ સારવાર હેઠળના દર્દીઓનો આંક પણ ઓછો બતાવાતો હોવાનું જણાય છે. આજે મ્યુનિ.એ 1869 એકટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ ઉપર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ? ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? જો ખરેખર 1869 દર્દીઓ જ હોય તો હોસ્પિટલોના બેડ ખાલી હોવા જોઈએ, એવું કેમ નથી ? તેનો જવાબ કોઈનીય પાસે નથી.
219 દર્દીઓ વેન્ટિલેટર ઉપર
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હાલ આઈસીયુ અને વેન્ટીલેટર પરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થતો જાય છે. બીજી તરફ રાજ્ય સરકારની યાદીમાં વેન્ટીલેટર ઉપરના કુલ દર્દીની સંખ્યા 163 દર્શાવી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોની વેબસાઇટ પર અમદાવાદમાં જ 219 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જણાવાયું છે. આવો તફાવત કેમ ? આંકડા છૂપાવવાની રમત છે કે સંકલનનો અભાવ છે ? તે તો આંકડા આપનારા જ જાણે.