GSTV
Gujarat Government Advertisement

પરિસ્થિતિ બેકાબુ: ભારતમાં બે દિવસમાં કોરોનાના 1.25 લાખ કેસ, મહારાષ્ટ્રમાં દરદીઓ માટે બેડ ખૂટી પડયા: કેન્દ્નની ચિંતા વધી!

Last Updated on March 31, 2021 by

ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ ‘બદથી બદતર’ થવાની સાથે સ્થિતિ બેકાબૂ બની રહી છે તેવી ચેતવણી મંગળવારે કેન્દ્ર સરકારે આપી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં મૂકાયો હોવાનું જણાવ્યું હતું. દેશમાં સોમવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૬૮,૦૦૦થી વધુ અને મંગળવારે ૫૬,૨૧૧ કેસ સાથે માત્ર બે દિવસમાં ૧.૨૫ લાખ જેટલા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ ૧.૨૧ કરોડ કેસ નોંધાયા છે. દેશમાં મંગળવારે કોરોનાથી ૨૭૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૨ લાખ થયો છે.

દેશમાં મંગળવારે કોરોનાથી ૨૭૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧.૬૨ લાખ

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ વધુ કથળી રહી છે. વિશેષરૂપે કેટલાક રાજ્યોમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જે ચિંતાની બાબત છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાંથી આઠ મહારાષ્ટ્રના છે, જે દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત વિકટ છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ શહેર, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે. ભૂષણે ઉમેર્યું હતું કે, ગયા સપ્તાહે મહારાષ્ટ્રમાં કોરોનાનો એકંદરે પોઝિટિવિટી રેટ ૨૩ ટકા હતો. ત્યાર પછી પંજાબમાં ૮.૮૨, છત્તિસગઢમાં ૮.૨૪, મધ્ય પ્રદેશમાં ૭.૮૨ ટકા હતો. ગયા સપ્તાહે રાષ્ટ્રીય પોઝિટિવિટી રેટ ૫.૬૫ ટકા હતો.

પૂણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ શહેર, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ

દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાંથી આઠ મહારાષ્ટ્રના

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પૌલે જણાવ્યું કે, આપણે ખૂબ જ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. કેટલાક રાજ્યોમાં હોસ્પિટલ અને આઈસીયુ સંબંધિત તૈયારીઓ રાખવી જોઈએ. કોરોનાના કેસ ઝડપથી વધશે તો સ્વાસ્થ્ય સંબંધિત સિસ્ટમ પડી ભાંગશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં લોકોને લાગે છે કે કોરોના વાઈરસ વિરુદ્ધ રસી આવી ગઈ છે. તેથી હવે બધું બરાબર થઈ ગયું છે. લોકો હજી પણ મહામારી મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. કોરોના પર નિયંત્રણ મેળવવા રાજ્યોએ આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની તેમજ ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ’ની નીતિનો વધુ ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે. કેસ વધી રહ્યા છે તેવા પ્રત્યેક રાજ્યમાં ટેસ્ટ વધારવા માટે પણ નિર્દેશ અપાયા હતા.  

સ્વાસ્થ્ય મંત્રાલયે બધા જ રાજ્યોને જિલ્લા આધારિત અભિગમ અપનાવવા જણાવ્યું હતું. વધુમાં મંત્રાલયે પ્રત્યેક કોરોના પોઝિટિવ કેસ માટે ૨૫થી ૩૦ કોન્ટેક્ટ ટ્રેસિંગ, તેમને આઈસોલેટ કરવા અને વધુ મોટા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોનાની વકરતી સ્થિતિ પર પ્રકાશ પાડતા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ૧૭મી ફેબુ્રઆરીએ કોરોનાના દૈનિક કેસ ૫,૪૯૩ હતા, જે ૨૪મી માર્ચે વધીને ૩૪,૪૫૬ થયા છે. ૧૦મી ફેબુ્રઆરીએ કોરોનાથી દૈનિક મોત ૩૨થી વધીને ૨૪મી માર્ચે ૧૧૮ થયા હતા. વધુમાં મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડયા છે. કેટલીક જગ્યાએ એક જ બેડ પર બે દર્દીઓની સારવાર ચાલી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પીઢ નેતા ફારુક અબ્દુલ્લા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. અબ્દુલ્લાએ બીજી માર્ચે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમ છતાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે.

જમ્મુ-કાશ્મીરના પીઢ નેતા ફારુક અબ્દુલ્લા પણ કોરોના પોઝિટિવ

દેશમાં મંગળવારે કોરોનાના નવા ૫૬,૨૧૧ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૨૦,૯૫,૮૫૫ થયા છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૬૨,૧૧૪ થયો છે. દેશમાં સતત ૨૦મા દિવસે કોરોનાના કેસ વધતાં કુલ એક્ટિવ કેસ ૫,૪૦,૭૨૦ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧,૧૩,૯૩,૦૨૧ દર્દીઓ સાજા થયા છે. 

દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. દેશમાં મંગળવાર સુધીમાં કોરોના રસીના ૬.૧૧ કરોડ ડોઝ અપાયા છે અને ૪૮.૩૯ ટકા સાથે તેલંગાણા રસીના સૌથી વધુ ડોઝ આપવામાં ટોચનું રાજ્ય છે. વધુમાં દેશમાં ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ શકશે. તેઓ કોવિન પ્લેટફોર્મ, આરોગ્ય સેતુ એપ અથવા રસીકરણ કેન્દ્ર ઉપર પહોંચીને સ્થળ પર જ નોંધણી કરાવી શકશે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33