GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ સર્જી ભયાનક સ્થિતિ: રાજ્યભર માંથી સામે આવી રહ્યા છે હૃદય કંપાવી દેતા દ્રશ્યો

Last Updated on April 10, 2021 by

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ જોવા મળી. તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે.

કોરોના

શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની હાલત ખૂબ કફોડી બની. તો બીજી તરફ કોરોના બેકાબૂ બનતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. જેમા કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવી. શહેરમાં વધી રહેલા કેસ વચ્ચે પકવાન પાસેના ડોમ પર તેમજ ગોતા બ્રિજ નીચે લોકોએ ટેસ્ટ માટે લાંબી કતાર લગાવી. દર્દીની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે

તંત્ર છુપાવી રહ્યું છે મોતના આંકડા?

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં સરકારી ચોપડે એક પણ કોરોના દર્દીનું મોત દર્શાવવામાં નથી આવ્યું. પરંતુ ગાંધીનગરના સેક્ટર 30 અને સરગાસણના સ્મશાનમાં 24 કલાકમાં 25 મૃતદેહોની અંતિમવિધી કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવી. અગાઉ પણ ગાંધીનગર મનપા અને વહીવટી તંત્ર દ્વારા મોતના સાચા આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર દ્વારા જાહેર થતાં આંકડાઓ સામે સવાલો ઉઠી રહ્યા છે.

ઈન્જેક્શનની અછત છતાં લાંબી લાઈનો

સુરતમાં સતત બીજા દિવસે રેમડેસીવિર અને ટોસિલિઝુમાબ ઇન્જેક્શન માટે લાઈન જોવા મળી.  શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા માનવ સેવા સંઘ સંચાલિત મેડિકલ પર દર્દીના સ્વજનોની ઈન્જેક્શન માટે આવ્યા હતા.  જોકે ઈન્જેક્શનની અછત હોવાના કારણે દર્દીના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખૂટી પડ્યા બેડ અને ઇન્જેક્શન

મોરબીમાં કોરોનાનો કેર વધતા હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા છે. વાંકાનેરના પલાસ ગામે હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીઓ હોસ્પિટલની બહાર બેડ નાંખી સારવાર મેળવવા મજબૂર બન્યા છે. વાંકાનેરનો આ વીડિયો વાયરલ થયો છે. અહીં બેડ ઉપરાંત રેમડેસિવીર ઇન્જેક્શનની પણ ભારે અછત પ્રવર્તી રહી છે.

સ્મશાનગૃહો બહાર લાગી લાઈનો

સુરતમાં કોરોનાને કારણે સૌથી ભયાવહ સ્થિતિ સર્જાઇ છે. સુરતના ઉમરા સ્મશાનગૃહમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોની લાંબી કતાર જોવા મળી. ઉમરા સ્મશાનગૃહનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોવિડ પ્રોટોકોલ મુજબ લાશોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે. સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિના ભયાવહ દ્રશ્યોને જોઇને લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

કલાકો સુધી જોવી પડે છે રાહ

સુરતમાં ઉમરા બાદ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં પણ મૃતદેહોની કતાર લાગી. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહોની લાંબી કતાર જોવા મળી. જેના કારણે મૃતકોના પરિવારજનોએ અંતિમવિધિ માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. સુરતમાં મૃતદેહોને સ્મશાને પહોંચાડવા માટે પણ શબવાહિનીઓ ખૂટી પડી છે. શબવાહિની ન હોવાથી કેટલાક લોકો તેમના સ્વજનોનો મૃતદેહ ટેમ્પોમાં લઇને સ્મશાનગૃહ પહોંચ્યા.

ચિંતા વધારતા આંકડા

સુરતની હોસ્પિટલોમાં દર્દીઓના આંકડાઓએ ચિંતા વધારી છે. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. જેમાં સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કુલ 831 કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જે પૈકી 13 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે. જ્યારે 135 દર્દીઓ બાઇપેપ પર અને 612 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. સુરતની સ્મીમેર  હોસ્પિટલમાં કુલ 238 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 14 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે અને 47 દર્દીઓ બાઇપેપ હેઠળ છે. જ્યારે 163 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33