Last Updated on April 10, 2021 by
સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરી દેવાયું છે. ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળ્યાં છે.
ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી
ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સ્વજનોને ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. હોસ્પિટલના ઓથોરાઈઝ ડૉક્ટરની સહી, સિક્કા સાથેના પ્રિસ્ક્રીપશન લેટર, દર્દીના આધાર કાર્ડ અને ઓળખ પુરાવા પર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.
સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી?
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કઇ રીતે કરી તે એક મોટો પ્રશ્નાર્થ છે. શું સી.આર પાટીલે બારોબાર વહીવટ કર્યો છે કે શું? શું હોસ્પિટલ અને મેડિકલની દુકાન સિવાય અન્ય કોઇ પણ રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી શકે? જેવાં અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે.
5000 ઈન્જેકશનની વ્યવસ્થા મામલે સી.આરને પૂછો : CM રૂપાણી
જો કે, આ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં
ઉલ્લેખનીય છે કે, સુરતના જિલ્લા મેજિસ્ટ્રેટે ગઇ કાલે શુક્રવારના રોજ અખબારી યાદી જાહેર કરી હતી કે, ‘શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે.’
ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા
બીજી બાજુ ઝાયડસ હોસ્પિટલે પણ શુક્રવારના રોજ ગઇ કાલે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં પણ આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી ગઇ કાલે શુક્રવારના રોજ ખુદ ઝાયડસ હોસ્પિટલે જાહેરાત કરી હતી. ઝાયડસ હોસ્પિટલે આજથી ઇન્જેક્શનનું વેચાણ બંધ કર્યાની દિલગીરી સાથે જાહેરાત કરી હતી. જો કે, તેમ છતાં અનેક લોકો કેટલીય આશા સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. જો કે, તમને જણાવી દઇએ કે, ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. જેનું હાલમાં સુરતના ભાજપ કાર્યાલય ખાતે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં એ પણ પ્રશ્ન થાય છે કે, શું સી.આર પાટીલે ઝાયડસ સાથે બારોબાર વહીવટ પાડી દીધો?
સુરતની કિરણ હોસ્પિટલને 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડાશે
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજ સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આમ, કોરોના સંક્રમણ સામે નાગરિકોની આરોગ્ય રક્ષા માટે રાજ્ય સરકારે એક જ દિવસમાં સુરત માટે કુલ 12 હજાર 500 રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31