Last Updated on March 2, 2021 by
રાજ્યમાં હવે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના હાઇકમાન્ડને રાજીનામું પણ મોકલી દેવાયું છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં ઠેર-ઠેર ભાજપના ભવ્ય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે. બીજી બાજુ ભરૂચની વાત કરીએ તો ત્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે હોવા છતાં ઔવેસીની AIMIM પાર્ટીને એન્ટ્રી નથી મળી. જો કે મોડાસા નગરપાલિકાની 9 બેઠકો ઓવૈસીની પાર્ટીએ જીતી લીધી છે. આ સાથે પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી દીધી છે. પરંતુ ભાજપે તમામ જિલ્લા પંચાયતની બેઠકો પર જીત હાંસલ કરતા કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.
કેવલ જોષીયારા કોંગ્રેસના ઉમેદવાર હતાં
આવું જ કંઇક અરવલ્લીમાં પણ બન્યુ છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો પર ભાજપનો ભગવો લહેરાયો છે. મોડાસા તેમજ બાયડ નગરપાલિકા પણ ભાજપે કબજે કરી લેતા સમગ્ર જિલ્લો કેસરિયા રંગમાં રંગાઇ ગયો છે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી છે. અરવલ્લીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય થયો છે. ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠક પરથી કેવલ જોષીયારાની હાર થઈ છે. તમને જણાવી દઇએ કે, કેવલ જોષીયારા કોંગ્રેસના ઉમેદવાર હતાં.
મોડાસા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટી AIMIMએ ખાતું ખોલાવ્યું છે. મોડાસા પાલિકામાં AIMIMને 9 બેઠકો મળી ઓવૈસીની પાર્ટીના 12માંથી 09 ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસ પાસેથી પાલિકાનું વિપક્ષ પદ છીનવી લેવાયું છે.
ભાજપને કુલ 19 બેઠકો હાંસલ થતા પાર્ટીમાં ખુશીની લહેર
મોડાસા નગરપાલિકા પર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે. ભાજપે નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા યથાવત રીતે જાળવી રાખી છે. જો કે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારે ખાતું ખોલાવતા ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારે જીત મેળવી છે. જ્યારે વોર્ડ નંબર 1થી 4માં ભાજપની પેનલ વિજેતા બની છે. ભાજપને પાલિકામાં કુલ 19 બેઠકો હાંસલ થઇ છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લાં 25 વર્ષથી નગરપાલિકા પર સત્તા પર છે ત્યારે આ વર્ષે પણ ફરીથી સત્તામાં બેસશે. ભાજપને કુલ 19 બેઠકો હાંસલ થતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
મોડાસા તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપની જીત
મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેતા મોડાસા તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો છે. કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસ અને અપક્ષના ફાળે એક-એક બેઠક આવી છે.