GSTV
Gujarat Government Advertisement

ભાજપે પશ્ચિમ બંગાળ માટે ચૂંટણી ઢંઢેરાનો પટારો ખોલ્યો: સીએએ, સોનાર બાંગ્લા, મહિલા અનામતના લોભામણા વચનોની લ્હાણી

બંગાળ

Last Updated on March 22, 2021 by

ભાજપે રવિવારે કોલકાતા ખાતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીતવા તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભાજપે તેનું નામ સંકલ્પ પત્ર રાખ્યું છે. બંગાળની જનતાનું હૃદય જીતવા માટે ભાજપે આ સંકલ્પ પત્રમાં અનેક લોભામણા વચનોની લ્હાણી કરી છે. ભાજપે બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતાં સત્તા પર આવ્યા પછી પહેલી જ કેબિનેટ બેઠકમાં સીએએ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ભાજપે આ સંકલ્પ પત્રમાં અનેક લોભામણા વચનોની લ્હાણી કરી

ભાજપે સીએએ ઉપરાંત મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપવાનું પણ વચન આપ્યું છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઉત્તર બંગાળ, જંગલમહલ અને સુંદરવન ક્ષેત્રમાં ૩ નવી એઈમ્સ બનાવવાનું વચન આપ્યું છે. આ સિવાય રાજ્યના બધા જ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવાની પણ જાહેરાત કરી છે. શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૫ લાખ ખેડૂતોને મમતા બેનરજીએ ત્રણ વર્ષમાં જે ૧૮ હજાર રૃપિયાનો લાભ નથી આપ્યો તે પણ સીધા જ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરાવાશે.કેન્દ્ર સરકારના ૬ હજાર રૃપિયામાં રાજ્ય સરકારના ચાર હજાર રૃપિયા ઉમેરીને અપાશે. મત્સ્ય પાલકોને દર વર્ષે ૬ હજાર રૃપિયા અપાશે.

પશ્ચિમ બંગાળની જનતાને સત્તા પર આવતાં જ રાજકીય હિંસાથી મુક્ત કરીશું: અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે અમે પશ્ચિમ બંગાળની જનતાને સત્તા પર આવતાં જ રાજકીય હિંસાથી મુક્ત કરીશું. બંગાળમાં પહેલાં કમ્યુનિસ્ટ અને પછી તૃણમૂલ કોંગ્રેસે સત્તા પર રહીને મોટાપાયે રાજકીય હિંસા આચરી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, અમે નિષ્પક્ષ ચૂંટણી થાય તે સુનિશ્ચિત કરીશું અને રાજકીય હિંસાને બંગાળમાં ભૂતકાળ બનાવી દઈશું. ભાજપે ૧૧ હજાર કરોડ રૃપિયાના સોનાર બાંગ્લા ફંડની શરૃઆત કરવાની પણ જાહેરાત કરી હતી. આ ફંડ બંગાળના સાહિત્ય, કળા, સંસ્કૃતિ અને બધી જ વિદ્યાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ સિવાય રોકાણકારો માટે ઈન્વેસ્ટ બાંગ્લાની સ્થાપના કરાશે.

ભાજપે મુખ્યમંત્રી શરણાર્થી યોજના હેઠળ પ્રત્યેક શરણાર્થી પરિવારને પાંચ વર્ષ સુધી ડીબીટીથી ૧૦ હજાર રૃપિયા પ્રતિ વર્ષ આપવાનું વચન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે પહેલી જ કેબિનેટ બેઠકમાં બંગાળના દરેક ગરીબને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પહોંચાડીશું. અમે સરહદ સલામતીને વધુ મજબૂત કરીશું.

ભાજપે તેના સંકલ્પ પત્રમાં બંગાળની છોકરીઓ માટે કેજીથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ નિશુલ્ક રાખવાનું વચન આપ્યું છે. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બધી જ મહિલાઓ માટે મફત પ્રવાસની વ્યવસ્થા કરાશે. ઓબીસી અનામતની યાદીમાં મહિસ્ય, તેલી અને અન્ય હિન્દુ સમાજ જે રહી ગયા છે તેમનો સમાવેશ કરવાનું પણ ભાજપે વચન આપ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33