Last Updated on March 17, 2021 by
ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું છે. રાત્રિ કરફ્યૂના સમયમાં વધારા ઉપરાંત અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય અઢાર તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ કોર્પોરેશન દ્વારા કરાવવાનો તંત્રે નિર્ણય લીધો છે. આજે અમદાવાદમાં કોરોનાના કેસોનો આંક 271એ પહોંચ્યો છે. દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર બનતી જાય છે. હવે કેસો વધ્યા તો તંત્ર આમ પ્રજા પર તવાઈ લાવશે અને લોકોને લાઈનોમાં ઉભા કરી દેશે. ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે એમ કહીએ કે વર્ષ 2021માં કોરોનાના કેસોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજના એક જ દિવસમાં 1122 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં વઘુ 3 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડી નાખ્યો છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સુરત અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે.
એક બાજુ મહાનગરોમાં રાત્રિ કરફ્યુ તો બીજી બાજુ બાગ-બગીચાઓ પણ બંધ કરાયા
ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને હવે રાત્રિ કરફ્યૂનો સમયગાળો પણ બે કલાક વધારી દેવાયો છે તેમજ દિવસે બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. દરમિયાન આજે સુરતમાં રેકોર્ડબ્રેક 353, અમદાવાદમાં 271, વડોદરામાં 114, રાજકોટમાં 112, ભરૂચમાં 21, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, વડોદરામાં 17, ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 24, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, નર્મદામાં 12, સાબરકાંઠામાં 10, છોટાઉદેપુરમાં 9, અમરેલીમાં 8, જૂનાગઢમાં 12, મહીસાગર, મોરબીમાં 8-8, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં 4-4, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ2-2. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં 1-1 નોંધાયો છે.
અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ, સરકાર માત્ર 1 કલાક વધારે : હોટેલ માલિકોની માંગ
4 મહાનગરમાં આજથી રાત્રે 10થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યૂ લાગૂ થશે. ત્યારે હવે હોટલ અને રેસ્ટોરન્ટની માંડ માંડ ગાડી પાટે ચડી છે ત્યાં જ ફરી એકવાર સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દેતા હોટેલ માલિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ફરી એક વખત રાત્રે 10 વાગ્યે કર્ફ્યુ લગાવવાના કારણે ખુબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા લાગુ પાડેલા રાત્રી કર્ફ્યુને કારણે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરના હોટલ તેમજ રેસ્ટોરન્ટ ક્ષેત્ર પ્રભાવિત થયુ છે. ત્યારે હોટેલ માલિકો એટલી જ માંગ કરી રહ્યા છે કે અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ સરકાર માત્ર 1 કલાક વધારી આપે.
કોરોનાનો કહેર ફરીથી જોવા મળી રહ્યો છે.. હજુ પણ લોકોને જાગૃત થયા નથી કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. અમદાવાદ શહેરના કાલુપુર શાકમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો છે. તો કેટલાક લોકો માસ્ક વિના ફરી રહ્યાં છે. અગાઉ કોરોનાના કેસો વધતા શાક માર્કેટ બંધ કરાવવામાં આવી હતી. આ પ્રકારની બેદરકારી ચાલુ રહી તો કોરોના કેસમાં વધારો થાય તો નવાઇ નહીં. અમદાવાદના મેયરે વધતા કોરોના કેરને લઇ નાગરિકોને બિન જરૂરી મેળાવડા ટાળવા અપીલ કરી હતી. પીએમ દ્વારા કોરોના મામલે રાજયના સીએમ સાથે ચર્ચા કરવામાં આવી છે. AMC દ્વારા પણ યોગ્ય કામગીરી કરાઈ રહી છે પરંતુ નાગરિકોને માસ્ક પહેરવા અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવે છે.
કોવિડ નિયમોનું પાલન થશે તો જ સંક્રમણ ઘટશે નહીં તો સ્થિતિ થશે વધુ ગંભીર : ડૉક્ટરોની અપીલ
અમદાવાદમાં કોરોનાના કેસોમાં છેલ્લા 10-15 દિવસથી વધારો થઈ રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલમાં હાલ 1200 બેડ હોસ્પિટલમાં 108 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે ડોક્ટરો પણ લોકોને અપીલ કરી રહ્યાં છે કે કોવિડ નિયમોનું યોગ્ય પાલન થશે તો જ લોકો સંક્રમિત થતા અટકશે. નહીં તો સ્થિતિ વધુ ગંભીર બને તેવી સંભાવના છે.
વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની બેઠક બાદ એએમસી હરકતમાં આવ્યુ છે. કોર્પોરેશન દ્વારા સઘન ચેકીંગનો નિર્ણય કરાયો છે. સોલિડ વેસ્ટ ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી રાતના 10 પહેલા તમામ એકમો બંધ કરાવશે. નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કેસ વધુ હોવાથી કાર્યવાહી ત્યાં વધુ ધ્યાન અપાશે. ખાણી પીણી ઉપરાંત અન્ય એકમોમાં પણ ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરાશે. આ સાથે તંત્ર દ્વારા પાર્ટી પ્લોટ-સીનેમા ગૃહોનું પણ ચેકીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા રોજ ચેકીંગ હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા દંડનાત્મક કાર્યવાહી કરવાને બદલે સમજાવાની કાર્યવાહી કરવામાં આવશે.