Last Updated on April 4, 2021 by
અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના નવા કેસોની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1828 ઉપર પહોંચવા પામી છે. શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એમ જણાય છે.આ પરિસ્થિતિમાં ચિંતાગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં શનિવારે કોરોનાના નવા 646 કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 70 હજારના આંકને વટાવી ગઈ છે.શહેરમાં ત્રણ માર્ચ સુધીમાં શહેરમાં કુલ 70284 કેસ નોંધાવા પામ્યા છે.
શનિવારે શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ ચાર લોકોના મોત થતા ગત માર્ચથી લઈને અત્યાર સુધીમાં કુલ 2310 લોકોના કોરોનાથી મરણ થવા પામ્યા છે.શહેરમાં શનિવારે કુલ 601 દર્દીઓને રજા આપવામાં આવતા ગત માર્ચથી લઈને અત્યાર સુધીમાં કુલ 66105 લોકોને કોરોનામાંથી મુકિત મળી છે.
અમદાવાદમાં દૈનિક નોંધાયેલા કેસ-કયારે-કેટલાં?
મહિનો | સરેરાશ દૈનિક |
નોંધાયેલા કેસ | |
ઓકટો-2020 | 166 |
નવેમ્બર- | 233 |
ડિસેમ્બર | 232 |
જાન્યુ-2021 | 107 |
ફેબુ્રઆરી | 60 |
માર્ચ | 205 |
4 એપ્રિલ | 646 |
હાલની પરિસ્થિતિમાં શહેરમાં કુલ 1828 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.સતત વધી રહેલા કોરોના સંક્રમણ પાછળ તંત્રની ઢીલી નિતી ઉપરાંત શહેરીજનો માસ્ક પહેરતા ના હોવા ઉપરાંત ટોળામાં એકઠા થતા હોવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં ના આવતુ હોવાના કારણો આગળ ધરવામાં આવી રહ્યા છે.
હાલમાં દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સીંગ હોમ્સ એસોશિએશનની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલી વિગતો મુજબ,હાલની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના કુલ 2319 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.ઉપરાંત આઈ.આઈ.એમ.એ.ના ડેશ બોર્ડ ઉપર મુકવામાં આવેલી વિગતો મુજબ, આઈ.આઈ.એમ.એ.ખાતે વધુ ચાર લોકો કોરોના પોઝિટિવ થયા છે.હાલ આઈ.આઈ.એમ.એ.માં કુલ 79 એકિટવ કેસ હોવાનું ડેશબોર્ડ ઉપર દર્શાવવામાં આવેલી વિગતોમાં દર્શાવવામાં આવ્યું છે.
શહેરમાં 40990 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે. જે અંતર્ગત શનિવારે શહેરમાં કુલ 40990 લોકોને રસી આપવામાં આવી હતી.આ પૈકી 23548 પુરૂષ અને 17442 મહિલાઓનો સમાવેશ થાય છે.શહેરમાં 45 વર્ષ કે તેથી ઉપરની વયના કોમોર્બિડ એવા કુલ 20559 લોકોએ કોરોના વિરોધી રસી લીધી હતી.
જિમ સંચાલકો દ્વારા મ્યુનિ. તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ
અમદાવાદ, શનિવાર
અમદાવાદ શહેરમાં બીજી સુચના ના આપવામાં આવે ત્યાં સુધી જીમ પ્રવૃત્તિ અને જીમ્નેશિયમ બંધ રાખવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ શનિવારે જીમના સંચાલકો મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા હતા.વિવિધ બેનરો સાથે દેખાવ કરવા ઉપરાંત તેમના દ્વારા મ્યુનિ.ના અધિકારીઓને જીમ્નેશિયમ ચાલુ રાખવાની મંજુરી આપવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.