અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શનું કાળાં બજાર થતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રેમડેસિવિરનું એક ઇન્જેક્શન 12-12 હજાર રૂપિયામાં વેચાતું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં ડૉક્ટર વિશાલ પટ્ટણી ઇન્જેક્શનના કાળાં બજાર કરતા ઝડપાયાં છે. વિશાલ પટ્ટણીએ 6 રેમડેસિવિર ઇન્જેક્શન માટે અધધધ 72 હજાર રૂપિયા માંગ્યા છે. પરંતુ પોલીસ ટીમે સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચીને આરોપી વિશાલ પટ્ટણીની ધરપકડ કરી છે. વિશાલ પટ્ટણીની મેડિકલ સ્ટોર ધારક સાથેની વાતચીત પણ વાયરલ થઇ છે. તેમાં તેઓ એક ઇન્જેક્શન માટે 12 હજાર રૂપિયાની માંગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો આખો દિવસ લાઇનમાં ઊભા રહે છે તેમ છતાં તેમને ઇન્જેક્શન નથી મળતા. બીજી તરફ ઇન્જેક્શનના બેરોકટોકપણે કાળાં બજાર થઇ રહ્યાં છે. જેના કારણે તંત્રની કામગીરી પર ફરી એક વખત ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.