Last Updated on April 9, 2021 by
રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ખરાબ પરિસ્થિતિ વચ્ચે વારંવાર રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં રાજકોટ તેમજ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. આજ રોજ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની ભારે હાલાંકી વધી ગઇ છે.
તાજેતરમાં જ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે રિઝર્વ સિવાયનો જથ્થો નહીં હોવાના કારણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે. જેના કારણે હાલમાં ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શન આપવાનું બંધ કરાયું છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે અખબારી યાદી દ્વારા આદેશ જારી કર્યો છે.
અમદાવાદની ઝાયડ્સમાં પણ રેમડેસિવિરની અછત
નોંધનીય છે કે, બીજી બાજુ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાની અછત સર્જાઇ છે. આવતી કાલથી કોરોનાના કપરા કાળ વચ્ચે હવે ઝાયડ્સ હોસ્પિટલમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે. તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં માત્ર ઝાયડસ હોસ્પિટલે જ આ અંગેની જાહેરાત કરી છે. શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો દ્વારા કોઇ પણ જાતની જાહેરાત કરવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઇ રહી છે, જ્યાં જરૂર જણાશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય તો એમને વિનાનૂલ્યે પણ રેમડેસિવીર પૂરા પાડવામાં આવશે.’ ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે, જો સુરતમાં સિવિલ અને સ્મીમેરની સ્થિતિને અનુરૂપ ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનના જથ્થાની અછત વર્તાઇ છે તો પછી પેશન્ટને વિનાનૂલ્યે રેમડેસિવિર પૂરા પાડવાની વ્યવસ્થા ક્યાંથી થઇ શકશે.
5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઇ રહી છે, જ્યાં જરૂર જણાશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય તો એમને વિનાનૂલ્યે પણ રેમડેસિવીર પૂરા પાડવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેશે અને પેશન્ટ, એમનાં સંબંધીઓ અને ડોક્ટર વચ્ચે કડીરૂપ બનશે. (2/3) pic.twitter.com/0mPeUY8jtJ
— C R Paatil (@CRPaatil) April 9, 2021
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે આજ રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલની રુબરુ મુલાકાત લઈ દર્દી…
Posted by Harsh Sanghavi on Friday, 9 April 2021
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતનો મુદ્દો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે. ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાના વી.જી. સોમાણીએ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયાને સ્ફોટક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં ઇન્જેક્શનની અછતનો ઉલ્લેખ કરી ઇન્જેક્શનના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યાં છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના 3 શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઇન્જેક્શનની મોટા પાયે અછત પ્રવર્તી રહી છે.
રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને કારણે ઇન્જેક્શનની સંગ્રહખોરી અને કાળાબજારી થવાની ભીતિ છે. આ પત્ર બાદ ગુજરાતના ડ્રગ કંટ્રોલર એચ.જી. કોશિયા સામે ટૂંક સમયમાં મોટા પગલાં લેવાય તેવા એંધાણ છે. એચ.જી. કોશિયાની નીતિ અને મિસમેનેજમેન્ટના કારણે ગુજરાતની સામાન્ય જનતા અને સરકાર બંને પરેશાન છે.