GSTV
Gujarat Government Advertisement

ગુજરાતી સાહિત્યનો ઝળહળતો તારલો ખરી પડ્યો, સાહિત્ય પ્રેમીઓને રડતી આંખે છોડીને ચાલ્યા ગયા ખલિલ ધન તેજવી

Last Updated on April 4, 2021 by

રાજ્યના જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર ખલીલ ધન તેજવીનું વડોદરા ખાતે નિધન થયુ છે. ગઝલકાર છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બિમારીથી પિડાઈ રહ્યા હતા તેમની આ બિમારીની સારવાર ચાલતી હતી. અને તેઓનું આજે સવારે નિધન થયું છે. તેઓ અભ્યાસ તો માત્ર ચાર ધોરણ સુધી કર્યો હતો. સાહિત્ય પ્રેમીઓને રડતી આંખે છોડીને ચાલ્યા ગયા ખલિલ ધન તેજવી.

સાહિત્ય પ્રેમીઓને રડતી આંખે છોડીને ચાલ્યા ગયા ખલિલ ધન તેજવી

ખલીલ ધનતેજીની પ્રસિદ્ધ રચનાઓ

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે…

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

હું કોઈ નું દિલ નથી, દર્પણ નથી, સપનું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

કંઈક વખત એવું બન્યું કે છેક અંતિમ શ્વાસ પર,
મોત ને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તે મને વીંધી છે, મારી આંખ તું ચૂકી ગયો.

ચોર ચોકીદાર ભેગા થઈ ગા…

ચોર – ચોકીદાર ભેગા થઈ ગયા..
બે અલગ સંસ્કાર ભેગા થઇ ગયા.

કાફલો રઝળે છે રસ્તામા હજી..
રાહબર ઘરબાર ભેગા થઇ ગયા.

આંગળી ને આંગળી અડકી ગઇ..
વીજળીના તાર ભેગા થઇ ગયા.

આપણે ઘરના રહ્યા ન ઘાટ ના..
સાધુઓ સંસાર ભેગા થઇ ગયા.

મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું…

તું ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,
મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.

આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,
તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.

મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે,
હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

બીજી શું

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

મારી નથી…

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

પાછી પડી

ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી,
એને ઝંઝાવાત બનવાની ઉમર કાચી પડી.

ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા,
રણ વિષેની ધારણા હમેશ ક્યાં સાચી પડી?

જિન્દગી! સીધા ચઢાણ તારી સાથે હું રહ્યો,
મારે સાથે તું ઊતરતા ઢાળમાં થાકી પડી.

લે આ મારી જાત ઓઢાડું તને…

લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા ! શી રીતે સંતાડું તને.

તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને !

ખલીલ ! આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને !

– ખલીલ ધનતેજવી

હવાનો હાથ ઝાલીને..

હવાનો હાથ જાલીને રખડતા આવડી ગ્યુ છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતા આવડી ગ્યુ છે.

હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતા આવડી ગ્યુ છે.

બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગ્યુ છે.

હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતા આવડી ગ્યું છે.

– ખલીલ ધનતેજવી

અમે અમારી રીત પ્રમામે રાતોને અજવાળી છે..

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલીલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

– ખલીલ ધનતેજવી

  • આખું નામ : ખલીલ ઈસ્માઈલ મકરાણી
  • વડોદરાના ધનતેજ ગામના વતની
  • ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર
  • વર્ષ ૨૦૧૩માં વલી ગુજરાત ગઝલ પુરસ્કાર
  • વર્ષ ૨૦૦૪માં કલાપી પુરસ્કારથી સન્માનિત
  • વર્ષ ૨૦૧૯માં નરસિંહ મહેતા પુરસ્કાર
  • પત્રકાર, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા રહ્યાં

ગઝલ સંગ્રહ

  • સાદગી, સારાંશ અને સરોવર

નવલકથા

  • ડૉ. રેખા
  • તરસ્યાં એકાંત
  • મીણની આંગળીએ સૂરજ ઉગ્યો
  • લીલા પાંદડે પાનખર
  • સન્ન્ાાટાની ચીસ
  • સાવ અધૂરા લોક
  • લીલોછમ તડકો

તેમની સાહિત્યની સેવાને લઈને તેઓને પુરસ્કારથી સન્માનિત કરાયેલા છે. તેઓને વલી ગુજરાત ગઝલ પુરસ્કાર, કલાપી પુરસ્કાર તેમજ  નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

ખલીલ ધન તેજવીનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતુ. તેઓ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના પ્રખ્યાત ગઝલકાર હતા. ખલીલ ધન તેજવીનો જન્મ 12મી ડિસેમ્બર 1935માં વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં થયો હતો. તેઓ ધોરણ 4 સુધીનું જ શિક્ષણ મેળવ્યું પરંતુ, સાહિત્ય જગતમાં તેઓ ઉત્કુર્ષ્ટ પ્રખ્યાત ગઝલકાર વ્યક્તિ તરીકે જાણીતા છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33