Last Updated on March 28, 2021 by
અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો. પર્વ નિમિતે 111 કિલોથી વધુ ખજૂર, ધાણી, દ્રાક્ષ તથા ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ભગવાનને ધાણી તથા હારડાનો શણગાર કરવામાં આવ્યો હતો. મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે મહોત્સવની ઉજવણી છેલ્લા 75 વર્ષથી કરવામાં આવે છે.
સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશીય પરંપરાના ષષ્ઠ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની નિશ્રામાં તા. ૨૮ માર્ચ ને રવિવારના રોજ સવારે ૯:૪૫ થી ૧૦-૪૫ વાગ્યા સુધી ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ઉપર આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે ગુલાલ તથા રંગથી અભિષેક કર્યો હતો અને ત્યારબાદ તે પ્રસાદીભૂત ગુલાલનો છંટકાવ સંતો ઉપર કર્યો હતો. આ રંગોત્સવ પર્વે ફગવા રુપે ૧૧૧ કિલોગ્રામથી વધારે ખજૂર, ધાણી, દ્રાક્ષ અને ચણાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગવાયા હતા અને ઔચ્છવ કરવામાં આવ્યો હતો. અંતમાં સૌને ધાણી – દ્રાક્ષ – ખજૂર – ચણાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. ‘ફૂલદોલોત્સવ’ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અતિ પ્રિય ઉત્સવ હતો. આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ભગવાન દર વર્ષે જુદે – જુદે સ્થળે ઉજવતા. ધોરાજીથી માંડી, ગઢડા, લોયા, પંચાળા, બોટાદ, સારંગપુર, વડતાલ આદિ ગામની રજકણો આ કેસૂડાંના રંગે રંગાયેલી છે. જે ઉત્સવમાં ભગવાન અને તેમના સંતોનાં દર્શન થાય એટલે એ ઉત્સવ માત્ર ઉજવણી નહીં પણ એક અવસર બની જાય છે. વડતાલમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બાર – બાર સ્વરુપે બિરાજીને દર્શન આપ્યા હતા.
સર્વે ઉત્સવોમાંય રંગોત્સવનો ઉત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોડ રહ્યો છે. ભગવાન આ ‘ફુલદોલોત્સવ’ ખૂબ ધામધૂમથી ઉજવતા.આ ઉત્સવની સ્મૃતિ માટે આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી આ ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર ગુલાલ છાંટવામાં આવે છે. કેસૂડાંના જળથી તૈયાર કરવામાં આવેલો રંગ શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અને સંતો – ભકતો ઉપર છાંટવામાં આવે છે. ભગવાનને ધાણી તથા હારડાંના હારના શણગાર સજવામાં આવે છે. તેથી શ્રી સ્વામિનારાયણ મંદિર – મણિનગર ખાતે પણ આ ઉત્સવની ઉજવણી છેલ્લા ૭૫ વર્ષથી કરવામાં આવે છે.
ધુળેટીને ફુલદોલોત્સવ, પુષ્પદોલોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહેવામાં આવે છે. આ ફુલદોલોત્સવના પ્રારંભ માટે એમ માનવામાં આવે છે કે,એક વખત અર્જુન અને યાદવોની સાથે શ્રી કૃષ્ણ ભગવાન એકવાર રૈવતાચળ – ગિરનારમાં ગયા હતા ત્યાં યાદવોએ શ્રીકૃષ્ણને અને અર્જુનને પ્રસન્ન કરવા હિંડોળાની રચના કરી હતી. અને તેમાં તેમને બેસાડીને ઝુલાવ્યા હતા.ત્યારથી એ બંને નરનારાયણ નામે પ્રસિદ્ધિને પામ્યા અને પુષ્પદોલોત્સવનો પ્રારંભ થયો. આમ, ભગવાનને ફૂલના હિંડોળમાં ઝુલાવવામાં આવે તેને પુષ્પદોલોત્સવ કે ફૂલદોલોત્સવ કહેવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31