Last Updated on March 27, 2021 by
ગુજરાત સરકારની ભરતી અંગેની નીતિને કારણે બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે તેવો આક્ષેપ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે આજે ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ અંગે બોલતા કર્યો હતો. ગુજરાત સરકારે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટની સિસ્ટમથી જ 45 ટકા જગ્યાઓ એટલે કે 1,64,505 જગ્યાઓ પર ભરતી કરી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં 40 ટકા જગ્યાઓ આઉટ સોર્સિંગથી, કોન્ટ્રાક્ટથી, અને ફિક્સ પગારથી ભરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગે કરેલી ભલામણને આધારે નોકરી માટે અરજી કરી પરીક્ષા પાસ કરી લેનારાઓને પણ સરકારે નિમણૂકો આપી નથી. ત્રણ વર્ષમાં 417 જગ્યા માટે કરેલી ભલામણ મુજબ શિક્ષણ, ઉર્જા, વન-પર્યાવરણ, સામાજિક ન્યાય, આરોગ્ય, શ્રમ-રોજગાર, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, મહિલા-બાળવિકાસ વિભાગોમાં ભરતી કરવામાં આવી નથી.
1990ની તુલનાએ 2018માં રોજગારીનું પ્રમાણ ઘટયું
તેમણે કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતના મેળાવડાઓ થાય છે. ભરતી મેળા થાય છે. રોજગારી કચેરીમાં લોકોના નામ નોંધવામાં આવે છે. આ સંજોગોમાં 1990ની તુલનાએ 2018માં રોજગારીનું પ્રમાણ વધવું જોઈે. પરંતુ રોજગારીનું પ્રમાણ ઘટયું છે.
સરકારી આંકડા અને સર્વેક્ષણમાં ગુજરાતને રોજગારી આપતા રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે. તેની સામે વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજગારીને નામે માત્ર વાયદાઓ જ થયેલા હોવાનું જણાય છે. ગુજરાત સરકાર ભરતીના કેલેન્ડરની વાત તો કરે છે, પરંતુ વાસ્તવમાં તે ભરતી કેવી રીતે કરવા માગે છે તે અંગે ફોડ પાડીને વાત કરતી જ નથી.
1975થી 1995ના બે દાયકામાં 80193 લોકોને રોજગારી આપવામાં આવી હતી, જ્યારે 2013-14થી 2019-20ના સાત વર્ષના ગાળામાં 72,927 લોકોને નોકરી આપવામાં આવી છે. 2018-20ના ત્રણ વર્ષના ગાળામાં 4423 ખાલી જગ્યાઓ માટે 22,65,1444ની અરજી આવી છે, તે જ દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી ઘણી જ વધારે છે.
પાંચ વર્ષમાં સરકારે માત્ર 14,043 લોકોની ભરતી કરી
ગુજરાત જાહેર સેવા આયોગના અહેવાલ મુજબ 2015-16થી 2019-20ના પાંચ વર્ષના ગળામાં સરકારે માત્ર 14,043 લોકોની ભરતી કરી છે. તેમાં એસ.સી. ઉમેદવાર 1029, આદિવાસી 2117, બિન અનામત 1882, અને ઓબીસીના 5822 લોકોનો સમાવેશ થાય છે. શ્રમ અને રોજગાર વિભાગની અનુદાન મેળવની સંસ્થાઓમાં 1630ના મહેકમ સામે 685ને ફિક્સ પગાર – આઉટ સોર્સિંગ કે કોન્ટ્રાક્ટથી લેવામાં આવ્યા છે.
આમ શ્રમ અને રોજગાર વિભાગમાં જ 40 ટકા ભરતી કોન્ટ્રાક્ટથી કરવામાં આવે છે. સરકાર નવી નોકરી આપતી નથી અને મહેકમમાં ઘટાડો કરી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે 2013માં જિલ્લા પંચાયતનું મહેકમ 2,46,396નું હતું તે 2017માં ઘટીને 2,20,046નું થયું છે. આમ પાંચ વર્ષમાં મહેકમમાં 26,350નો ઘટાડો થયો છે. મહેકમમાં થયેલા ઘટાડા સામે 23,888ની ભરતી સરકારે કેવી રીતે કરી તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
સરકાર યુવાનોને રોજગારી ન આપી શકે તો બેકારી ભથ્થું આપે
શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ પરની ચર્ચામાં બોલતા બાપુનગરના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલે કહ્યું હતું કે ગુજરાત ધંધા રોજગારમાં સૌથી વધુ વિકસિત રાજ્ય હોવાની સરકાર વાત તો કરે જ છે. દરેકને રોજગારી મળે તે જોવાની જવાબદારી સરકારની છે.
રોજગારી ન મળતા યુવાનોમાં હતાશા વધી છે અને તેઓ આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે. તેથી સરકારે તેમની ચિંતા કરીને પગલાં લેવા જરૂરી છે. સરકાર યુવાનોને સ્વરોજગાર તરફ વળવા જણાવે છે, પરંતુ તેમને સ્વરોજગાર માટે બેન્કો તેમને સાંભળતી પણ નથી. ફિક્સ પગારની નોકરી આપીને સરકારે પણ યુવાનોનું શોષણ કરવાનું બંધ કરવી જોઈએ.
આઉટ સોર્સિંગમાં કરોડોના કૌભાંડ થયા હોવાનું બહાર આવ્યું જ છે. આઉટ સોર્સિંગ એજન્સીઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને ડામવા માટે તેમની સામે કડકમાં કડક પગલાં સરકારે લેવા જોઈએ. શ્રમ યોગી કલ્યાણ બોર્ડ પાસે રૂા. 3000 કરોડનું ભંડોળ હોવા છતાંય તેમના બાળકો માટે સરકાર કોઈ જ કાર્ય કરતી હોવાનું દેખાતું નથી. સરકાર યુવાનોને રોજગારી ન આપી શકતી હોય તો તેમને બેકારીભથ્થું આપવું જોઈએ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31