Last Updated on March 25, 2021 by
કહેવાય છે એક સ્વજન માટે પોતાના આત્મજનના અંગદાનનો નિર્ણય સ્વાભાવિક રીતે ખૂબ કઠીન હોય છે, એ પરિસ્થિતિ પણ ખૂબ અઘરી હોય છે. પરંતુ આ પ્રકારના મક્કમ નિર્ણયથી જ માનવતાની મહાનતાનો પ્રારંભ થાય છે.
જન્મ અને મૃત્યુ એ માણસના હાથની વાત નથી, પરંતુ જ્યારે આપણને ખબર હોય કે આપણું વ્હાલું સ્વજન હવે વધુ જીવી શકે તેમ નથી ત્યારે જો સમજદારીપૂર્વક તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેનાથી કોઇ જરૂરિયાતમંદને નવજીવન મળી શકે છે. કોઇનો કુટુંબનો માળો પિંખાતો બચી શકે છે.
અંગદાનના માધ્યમથી આપણે જરૂરિયાતમંદ લોકોના શરીરમાં આપણા સ્વજનના અંગોને કાર્યરત જોઇને આપણું સ્વજન મૃત્યુ બાદ પણ જીવિત હોવાનો અહેસાસ અનુભવી શકીએ છીએ. અંગદાન એક માત્ર એવો સાચો રસ્તો છે કે જે મૃત્યુ બાદ પણ માણસને જીવિત રાખે છે, અમર બનાવે છે.
ગુજરાત સરકારની SOTTO હેઠળ સગાં વ્હાલાંઓની વિગતવાર સમજાવટ કરીને 3 બ્રેઇનડેડ દર્દીઓના શરીરમાંથી કુલ 6 કિડની, 3 લિવર, 1 સ્વાદુપિંડનું દાન મેળવવામાં આવ્યું. રાજકોટની 11 વર્ષની દિકરી, બનાસકાંઠાની 18 વર્ષની યુવતી, ખેડાની 12 વર્ષીય દિકરી, ભાવનગરના 24 વર્ષીય વ્યક્તિ, અમરેલીના 31 વર્ષીય બહેન અને જૂનાગઢના 35 વર્ષીય બહેનના શરીરમાં એક-એક કિડનીનું પ્રત્યારોપણ કરાયું. જ્યારે ગાંધીનગર સ્થિત 40 વર્ષીય પુરૂષ દર્દી, ભરૂચના એક 51 વર્ષીય ભાઈ, ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં પણ લિવરનું પ્રત્યારોપણ કરાયું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં જ ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવવામાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. આપણા સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અલ્પ જાગૃતિને નજર સમક્ષ રાખવામાં આવે તો આ એક મોટી સિદ્ધિ કહેવાય.
આપણા સમાજની એક ખાસિયત છે કે આપણે ત્યાં ઘણાં એવાં ઉદાહરણો હશે કે જ્યાં ખૂબ જ નાના બેકગ્રાઉન્ડમાંથી આવેલાં માણસો દ્વારા ખૂબ મોટા કાર્યો થતા હોય છે. આવું જ એક કાર્ય છે અંગદાનનું. પૈસેટકે સુખી અને સાક્ષર-શિક્ષિત કહેવાતા લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ રહ્યાં છે. આવાં જ નાના લોકોના ત્રણ વિભિન્ન પરિવારોએ છેલ્લાં એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું કાર્ય કરીને સમાજને સાચો રાહ ચીંધ્યો છે.
મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષના પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું છે. આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે લિવરનું ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. આમ, આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.
આવી જ રીતે જામનગરના વતની લખન દિનેશભાઈ પરમારનું નિધન થતા તેમના સગાં વ્હાલાંઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો અને લખનભાઈની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. લખનભાઈની એક કિડનીનું ખેડાની એક 12 વર્ષીય દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના 24 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત 40 વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લિવરનું પ્રત્યારોપણ કરાયું છે.
ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક 51 વર્ષીય ભાઈના શરીરમાં, એક કિડનીનું અમરેલીના એક 31 વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. ત્યારે અંગદાન એક માત્ર એવો રસ્તો છે કે જે મૃત્યુ બાદ પણ તમારા પોતાના માણસને તો જીવિત રાખે છે, અમર બનાવે છે અને સાથે-સાથે કેટલાંકને નવજીવન આપવાનું પણ કાર્ય કરે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31