Last Updated on March 25, 2021 by
મહારાષ્ટ્ર ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કથિત ભ્રષ્ટાચારના આરોપમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ ઈચ્છતી અરજી કરનારા માજી મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો છે.
”અરજદાર કેટલાક આરોપો કરી રહ્યા છે અને પ્રધાન પણ આરોપો કરી રહ્યા છે. તમારે હાઈકોર્ટમાં કેમ જવું ન જોઈએ એનું કોઈ કારણ દેખાતું નથી. આ બાબત ગંભીર છે એમાં અમને કોઈ શંકા નથી, પ્રશાસનને ઘણી અસર કરે તેવી છે. હાઈકોર્ટે જવાની છૂટ આપવામાં આવે છે,” એમ ન્યા.કૌલ અને ન્યા. રેડ્ડીની બેન્ચે જણાવ્યું હતું.
CBI તપાસની વિનંતી હાઈકોર્ટે પણ માન્ય કરી શકે છે. આથી સિંહે હાઈકોર્ટમાં જવું જોઈતું હતું એમ બેન્ચે આગ્રહ રાખ્યો હતો. સિંહનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ અરજી પાછી ખેંચવાનું પસંદ કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ ગુરૂવારે સુનાવણીની માગણી કરીને આજે જ હાઈકોર્ટમાં અરજી કરશે. રોહતગીની વિનંતી પર કોર્ટે દેશમુખ અને એનઆઈએને સિંહની અરજીમાં પક્ષકાર બનાવ્યા છે. સિંહે પોતાની અરજીમાં આરોપ કર્યો છે કે હાલ સસ્પેન્ડ કરાયેલા આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વાઝેને દેશમુખે દર મહિને રૂા.100 કરોડની વસૂલી કરવા જણાવ્યું હતું.
તપાસમાં દખલગીરી કરવી, દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના કેસમાં આત્મહત્યાનો કેસ નોંધીને ભાજપના નેતાઓને સંડોવવાનું દબાણ કરવાનો તથા ટ્રાન્સફર અને પોસ્ટિંગમાં ભ્રષ્ટ ગેરરીતિ આચરવાનો આરોપ કર્યો છે. જો સીબીઆઈને તાત્કાલિક નિર્દેશ નહીં આપવામાં આવે તો દેશમુખના નિવાસસ્થાનના સીસીટીવી કેમેરા ફૂટેજ જેવા પુરાવાનો નાશ થશે એવો ભય અરજીમાં વ્યક્ત કરાયો હતો.
દેશમુખનું આવું દરેક કૃત્ય સત્તાનો દુરૂપયોગ છે. તેમના આવા કૃત્યને લોકશાહીમાં ચલાવી શકાય તેમ નથી. સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આઠ પાનાના પત્રમાં પણ આ આરોપો કર્યા હતા. સિંહને પોલીસ વડાના સ્થાનેથી બદલીને મહારાષ્ટ્ર હોમ ગાર્ડ્સમાં ખસેડાયા છે.
દરમિયાનમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે સામે કડક ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) કાયદો લાગુ કર્યો હોવાનું અધિકારીઅએ જણાવ્યું છે. વાઝે હાલ એનઆઈએની કસ્ટડીમાં છે. વિસ્ફોટક ભરેલી એસયુવી મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરવાના કેસમાં ધરપકડ કરાઈ છે. આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) વાઝે સામે યુએપીએની કલમ 16 અને 18 હેઠળ ગુનો નોધાયો છે.
આ કલમ આતંકવાદી કૃત્ય આચરવું, પ્રયાસ કરવો અથવા તેને પ્રોત્સાહિત કરવું અથવા એવું કોઈ કૃત્ય જે આતંકવાદીકૃત્ય આચરવા માટે કારણભૂત હોય. બીજી બાજુ એન્ટિલિયા સ્ફોટક પ્રકરણે પોલીસ અધિકારી સચિન વાઝેના સહકારી એપીઆઇ રિયાઝ કાઝી સરકારી સાક્ષીદાર બનવા તૈયાર હોવાનું જણાયું છે. સચિન વાઝે વિરૂદ્ધ સાક્ષી આપીને આખા કાવતરાની માહિતી આપવા તૈયાર હોવાનું એનઆઇએએ કોર્ટને જણાવ્યું છે. આથી હવે આ પ્રકણ ઝડપથી ઉકેલાશે એવી શક્યતા વર્તાઇ રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31