Last Updated on March 23, 2021 by
આજે પુણેમાં પ્રેક્ષક વગર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે રમાશે. ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર 1984-85 પછી શ્રેણી જીત્યું નથી. બંને દેશ વચ્ચે રમાયેલી 100 મેચમાં ભારત 52 અને ઇંગ્લેન્ડ 42 મેચ જીત્યું છે. બપોરે દોઢ વાગ્યે મેચ ચાલુ થશે. કેપ્ટન કોહલીએ છેલ્લે ઓગસ્ટ ૨૦૧૯માં વિન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં વિન્ડીઝ સામે વન-ડેમાં સદી ફટકારી હતી. તેના પછી તેની સદી જ આવી નથી. તેનું ફોર્મ હાલમાં સારું છે અને તે જોતાં તેનો સદીઓનો દુકાળ પૂરો થાય તેમ માનવામાં આવે છે.
વન-ડેમાં પણ રાહુલના સ્થાને પંતને તક મળી શકે
ટેસ્ટ અને ટી૨૦માં પ્રભાવશાળી દેખાવના પગલે વન-ડેમાં પણ પંતને રાહુલના સ્થાને તક મળી શકે તેમ છે. આઉટ ઓફ ફોર્મ રાહુલે ફક્ત બેટ્સમેન તરીકે સ્થાન મેળવવું હોય તો મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવની જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડે તેમ છે. બંનેએ ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં શાનદાર દેખાવ કર્યો છે.
બોલિંગ આક્રમણની આગેવાની ભુવનેશ્વરકુમાર પાસે
ભારતના બોલિંગ આક્રમણની આગેવાની ભુવનેશ્વરકુમાર સંભાળશે. તેણે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં મેચવિનિંગ સ્પેલ નાખ્યો હતો. તેની સાથે નીચલા ક્રમે શાર્દૂલ ઠાકુરને પણ નિશ્ચિત માનવામાં આવે છે. હાર્દિક પંડયા બોલિંગ કરતો થયો પણ વન-ડેમાં તે તેનો બોલિંગ સ્પેલ પૂરો કરવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તે જોવાનું રહેશે. પંડયા જો તેનો બોલિંગ સ્પેલન પૂરો કરી શકે તો ભારતીય ટીમ જબરજસ્ત સંતુલન સાધી શકશે. મોહમ્મદ સિરાજ અને નટરાજન પણ બે સારા બોલિંગ વિકલ્પ છે. આ સિવાય તાજેતરમાં વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા પ્રસિદ્ધ ક્રિષ્નાના સમાવેશની પણ શક્યતા છે.
સ્પિનરમાં ચહલનું સ્થાન નિશ્ચિત
કુલદીપ યાદવના સ્થાને સ્પિનર ચહલનો સમાવેશ નિશ્ચિત મનાય છે. જ્યારે વોશિંગ્ટન સુંદરે કૃણાલ પંડયાની હરીફાઇનો સામનો કરવો પડી શકે છે. કૃણાલ પંડયાએ તાજેતરમાં પૂરી થયેલી વિજય હઝારે ટ્રોફીમાં બોલિંગમાં સારો દેખાવ કરવા ઉપરાંત બે સદી અને બે અડધી સદી ફટકારી છે.
રોય અને બટલર પાસેથી સારા દેખાવની આશા
ઇંગ્લેન્ડની બેટિંગનો આધાર જેસન રોય અને બટલર પર છે. બંને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇંગ્લેન્ડની આધારભૂત ઓપનિંગ જોડી બની ચૂક્યા છે. કેપ્ટન મોર્ગન પાસેથી પણ મહત્વપૂર્ણ બેટિંગ દેખાવની આશા રાખવામાં આવે છે. તે ભારત સામેની ટી૨૦ સિરીઝમાં સદંતર નિષ્ળ ગયો હતો.
સ્ટોક્સ અને મોઇન અલી
ઇંગ્લેન્ડ ટીમમાં ઓલરાઉન્ડ પર્ફોર્મન્સની વાત આવે તો સ્ટોક્સને અવગણવો અઘરો થઈ પડે. તેની પાસે બેટ અને બોલ બંને વડે સારા દેખાવની આશા રાખવામાં આવે છે. આ જ રીતે સ્પિનમાં પણ મોઇન અલી તેની સ્પિનની સાથે બેટિંગ ક્ષમતાના આધારે ટીમમાં સ્થાન મેળવી શકે છે અને રશીદના સ્થાને તેનો સમાવેશ કરાઈ શકે છે.
આર્ચરની ગેરહાજરીમાં વૂડ પર દારોમદાર
ઇંગ્લેન્ડનો સ્ટ્રાઇક બોલર આર્ચર ઇજાના લીધે વન-ડે શ્રેણી ગુમાવશે, તેથી બોલિંગનો બધો આધાર ભારતીય બેટ્સમેનોને પરેશાન કરનારા વૂડ પર આવશે. તેનો ટેકો આપવા જોર્ડન અને સામ કરન હશે.
ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર ૧૯૮૪-૮૫ પછી વન-ડે સિરીઝ જ જીત્યું નથી.
ઇંગ્લેન્ડની ટીમ ભારતની ધરતી પર ૧૯૮૪-૮૫માં પાંચ મેચની દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં ૪-૧થી વિજય મેળવ્યા પછી એકપણ વન-ડે સિરીઝ જીતી શકી નથી. તેણે ૧૯૯૨-૯૩માં છ વન-ડેની શ્રેણી ૩-૩થી અને ૨૦૦૧-૦૨માં પણ છ વન-ડેની શ્રેણી ૩-૩થી બરોબર કરવામાં સફળતા મેળવી છે, પરંતુ તે ભારતની ધરતી પર વન-ડે સિરીઝ જીત્યું નથી. હા, ઇંગ્લેન્ડે પોતાની ધરતી પર ૨૦૧૮માં જ રમાયેલી ત્રણ વન-ડેની સિરીઝમાં ભારતને ૨-૧થી હરાવ્યું હતું. તેના પહેલા ૨૦૧૬-૧૭માં ભારતે ઘરઆંગણે ઇંગ્લેન્ડને ત્રણ વન-ડેની શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે રમાયેલી ૧૦૦ વન-ડેમાં ભારત ૫૨ અને ઇંગ્લેન્ડ ૪૨ મેચ જીત્યું છે. બેમા ટાઇ પડી છે અને ત્રણ મેચ રદ થઈ છે. ભારતે ૧૯૮૧-૮૨માં ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પ્રથમ વખત જ રમાયેલી વન-ડે શ્રેણી ૨-૧થી જીતી હતી. તે પહેલા ભારત ઇંગ્લેન્ડ સામે સૌપ્રથમ વન-ડે શ્રેણી ૧૯૭૪માં બે વન-ડેના સ્વરુપમાં રમ્યુ હતુ. આ બંને વન-ડે ઇંગ્લેન્ડે જીતી હતી.
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રિષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દૂલ ઠાકુર.
ઇંગ્લેન્ડઃ મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોની બેરસ્ટો, સામ બિલિંગ્સ, જોસ બટલર (વિકેટકીપર), સામ કરન, ટોમ કરન, લિયામ લિવિંગસ્ટોન, મેટ પાર્કિન્સન, આદિલ રશીદ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપ્લે, માર્ક વૂડ. જેક બોલ, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31