Last Updated on March 22, 2021 by
જળક્રાંતિ: ‘જળ એ જ જીવન’ ‘પાણી બચાવો, પાણી તમને બચાવશે’ લગભગ આપણે બધા શાળામાં હતા ત્યારે આ સૂત્રો શીખ્યા છીએ. આજે પણ કોઇ ગામડામાં જશો તો ત્યાંની દિવાલ ઉપર આવા સૂત્રો લખેલા જોવા મળે છે. તેની પાછળનું કારણ એ છે કે આજે પણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ છે. ઉનાળાની શરુઆતની સાથે જ પાણીની મોકાણ શરુ થાય છે. ક્યાંક પીવાના પાણીની સમસ્યા હોય છે તો વળી ક્યાંક સિંચાઇ માટેના પાણીની.
એવું નથી કે આ સમસ્યાનું કોઇ સામાધાન નથી. સામાધાન તો ઘણા બધા છે પરંતુ રાજકિય ઇચ્છાશક્તિનો અભાવ અને પ્રશાસન તેમજ લોકોની ઉદાસિનતાના કારણે તેનો કોઇ ઉકેલ આવતો નથી. આજે 22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ છે. દુનિયાભરમાં પાણી વિશે જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. ત્યારે આજે એવા એક ગામડા વિશે વાત કરવી છે જ્યાં જળક્રાંતિની શરુઆત થઇ છે. માત્ર એટલું જ નહીં પણ આત્મનિર્ભરતાનો પરિચય આપીને આ ગામે આદર્શ ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આત્મનિર્ભરતાની શરુઆત
આ ગામનું નામ છે ગીગાસણ. અમરેલી જિલ્લામાં ગીરના જંગલને અડીને આવેલા આ ગામના લોકોએ ભેગા મળીને 40 કરતા વધારે ચેકડેમ બનાવ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે કોઇપણ પ્રકારની સરકારી મદદ વગર ગામલોકોએ જાતે આ જળક્રાંતિ કરી છે. દેશના ગામડાઓ અને ખેતીને ભાંગતા બચાવવા હોય તો સૌથી પહેલા તેમને આત્મનિર્ભર બનાવવા પડશે. તેના માટે દેશના લોકોએ આગળ આવવું પડશે અને શરુઆત કરવી પડશે. આવી જ શરુઆત કરી છે ગીગાસણ ગામના લોકોએ.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં તાલુકામથકથી 10 કિલોમીટરના અંતરે ગીગાસણ ગામ આવેલું છે. ગીરકાંઠાના આ ગામની વસતી લગભગ 2500 આસપાસ છે. ગામનો એક મોટો વર્ગ વ્યવસાય માટે અમદાવાદ, સુરત, નવસારી જેવા શહોરોમાં સ્થાયી થયો છે. ગામલોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. રાજ્યમાં કે પછી દેશમાં ખેતીની સ્થતિ કેવી છે તેનાથી આપણે બધા પરિચિત છીએ, ગીગાસણ પણ તેમાંથી બાકાત નહોતું. સૌથી મોટી સમસ્યા હતી પાણીની. જે રીતે ભૂગર્ભ જળના સ્તર ઉંડા જઇ રહ્યા છે, તેમાંથી ગીગાસણ ગામ પણ બાકાત નહોતું.
ચેકડેમ : જળક્રાંતિનું સાધન
ગીગાસણ ગામને અડીને જ અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી પસાર થાય છે. ગામના પાદરમાંથી પણ એક નદી પસાર થાય છે, પરંતુ આ નદીમાં પણ ચોમાસા પુરતું પાણી રહે છે. જો વધારે સારો વરસાદ હોય તો વળી થોડું લાંબુ ટકે. જેવી નદીઓ બંધ થાય કે ખેતરોના બોર અને કૂવામાં પાણી ઓસરવા માંડે. જેના કારણે ખેડૂતો શિયાળુ પાક પણ બરાબર લઇ શકતા નહોતા. ત્યારે હવે આ સ્થિતિમાં સુધારો થયો છે, ગામના ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવવાની શરુઆત થઇ છે. ગામની અંદર આ વર્ષે શિયાળુ પાકનું રેકોર્ડ વાવેતર થયું છે. આ બદલાવ કઇ રીતે આવ્યો? આ બદલાવને આત્મનિર્ભરતા સાથે શું સંબધ છે?
આ બદલાવનું નામ છે ચેકડેમ. લગભગ એક વર્ષના સમયગાળાની અંદર ગામ અને ગામની સીમમાં 40 જેટલા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગામની આપસાપથી પસાર થતા નદી નાળા પર વિવિધ જગ્યાએ ચેકડમ બનતા જે પાણી વહી જતું હતું તેનો સંગ્રહ થયો અને તે જમીનમાં ઉતરવાની શરુઆત થઇ છે. જેનું પરિણામ એ આવ્યું કે ગામની સીમમાં ભૂગર્ભ જળના સ્તર જે ઉંડા ઉતરી ગયા હતા તે ફરી પાછા ઉપર આવવાની શરુઆત થઇ છે. જેનો સીધો ફાયદો ખેડૂતો અને ખેતીને થયો છે.
ગામની એક સંસ્થાનો સિંહફાળો
ગીગાસણ ગામને આત્મનિર્ભર બનાવવાનો શ્રેય એક સંસ્થાને જાય છે. આ એ સંસ્થા છે જે વર્ષોથી ગામલોકો અને ગામના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે કામ કરે છે. ગામની અંદર આટલી મોટી સંખ્યામાં ચેકડેમ બનાવાનો વિચાર પણ આ સંસ્થાના હોદ્દેદારોને જ આવ્યો હતો. અમદાવાદમાં વસતા ગીગાસણ ગામના લોકોએ પોતાના ગામને મદદરુપ થવા અને માતૃભૂમિનું ઋણ ચૂકવવાના ઉદ્દેશ્યથી અમદાવાદની અંદર આ સંસ્થાની સ્થાપના કરી. તે વર્ષ હતું ૨૦૦૪. સંસ્થા શરુ થઇ ત્યારે તેનો ઉદ્દેશ્ય ગામલોકોને શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સહાયરુપ થવાનો હતો. ગામ પરિવારના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા, જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવી અને ગામનો જા કોઇ માણસ બિમાર પડે અને આર્થિક સક્ષમ ના હોય તો તેને પણ મદદ કરવી.
થોડા વર્ષો પહેલા પણ સંસ્થાએ ગામની અંદર ચાર પાંચ ચેકડેમ બનાવવામાં યોગદાન આપ્યું હતું. તેવામાં સંસ્થાના હોદ્દેદારોને વિચાર આવ્યો કે અમારા ગામના લોકો, જે મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે તેમને આર્થિક સદ્ધર બનાવવા છે. જો તેઓ આર્થિક રીતે પગભર થશે તો તેમની ઘણીખરી સમસ્યાઓ આપમેળે દૂર થઇ જશે. ગામલોકોને આર્થિક પગભર બનાવવા માટે ખેતીને સદ્ધર કરવી પડે અને ખેતીને સદ્ધર કરવા મટે પાણીની સમસ્યાનું નિવારણ કરવું પડે. ત્યારબાદ ગામની અંદર ચેકડેમ બનાવવાનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો.
સંસ્થા પાસે જે ભંડોળ હતું, તે મર્યાદિત હતું તેમાંથી અમુક ચેકડેમ જ બને તેમ હતા. જેથી દાતાઓ આગળ આવ્યા અને આત્મનિર્ભરતાના આ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું. ગામથી બહાર વસતા લોકો જો ગામ માટે આટલું કરે તો ગામલોકો થોડા બાકાત રહે? તેમણે પણ નાનું મોટું આર્થિક યોગદાન આપ્યું. સંસ્થાના જણાવ્યા પ્રમાણે બધું થઇને ચેકડેમ બાંધવા માટે કુલ ૫૦ લાખનું ભંડોળ એકઠુ થયું.
અત્યાર સુધીમાં ૩૦ જેટલા ચેકડેમ બની ગયા છે, વાત અહીં પુરી નથી થતી પરંતુ હજું પણ ચેકડેમનું કામ શરુ છે. જ્યાં સુધી ફંડ પુરુ નહીં થાય ત્યાં સુધી શરુ જ રહેશે. આ ભગીરથ કાર્ય સાથં સંકળાયેલા તમામ લોકોના નામ લખવા શક્ય નથી. પરંતુ આ તમામ લોકોએ ગામને એક નવી દિશા આપી છે. માત્ર એટલું જ નહીં ગીગાસણ ગામના આ તમામ લોકોએ સાથે મળીને ‘આત્મનિર્ભરતા’નું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ રજૂ કર્યુ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31