Last Updated on March 22, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1640 કેસ નોંધાયા છે. તો મૃત્યુઆંક પણ ક્રમશઃ વધવા લાગ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 4 લોકોના મોત થઇ ચૂક્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 એમ કુલ 4 લોકોનાં મોત થયા છે. તો આજ દિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4454 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. તેમજ છેલ્લાં 24 કલાકમાં 1110 દર્દીઓ સાજા થયા છે જેની સાથે આજ દિન સુધીમાં કુલ 2 લાખ 76 હજાર 348 લોકો કોરોનામુક્ત બન્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,74,493 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,03,693 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
રાજયમાં ફરી એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપભેર વધારો થતા કુલ 7 હજાર 847 એક્ટિવ કેસ છે. જ્યારે 73 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર અમદાવાદ કોર્પોરેશનમાં 481 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પો.માં 429 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 139 કેસ તો રાજકોટ કોર્પો.માં 126 કેસ નોંધાયા છે. આ સમગ્ર રાજ્યના મહાનગરોની સાથે-સાથે હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસોમાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો છે.