Last Updated on March 19, 2021 by
રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યા છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી રહ્યા છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને રોકવા માટે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. આ બધા વચ્ચે સુરતની જીવાદોરી સમાન હીરા ઉદ્યોગને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27 ટકા પર પહોંચ્યો છે.
કોરોના કેસ વધતા સુરતના હીરા ઉદ્યોગ ને હીરા બજારને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. આ પહેલા સુરતના ટેક્સટાઇલ માર્કેટને બે દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. ત્યારબાદ હવે હીરા ઉદ્યોગ પણ બે દિવસ માટે બંધ રહેશે. જેની જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
સુરતમાં આગામી 21 અને 22 માર્ચ એટલે કે આગામી રવિવાર અને સોમવાર એમ કુલ બે દિવસ ડાયમંડ યુનિટો અને હીરા માર્કેટ બંધ રહેશે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ માટે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ડાયમંડ યુનિટો અને હીરામાર્કેટ બંધ રાખવાની માહિતી આપવામાં આવી છે.
તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા પાલિકાની કેન્ટીન બંધ કરાવી દીધી છે. ઉપરાંત આરોગ્ય વિભાગના રૂમ નં ૮ના બે કર્મચારીઓને સરખી રીતે માસ્ક નહીં પહેરવા બદલ બંન્ને ને રૂપિયા એક-એક હજારનો દંડ ફટકાર્યો.