Last Updated on March 16, 2021 by
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચોથી વખત સત્તા મળ્યાના ઉન્માદની વચ્ચે શહેરના મેયર સહિતના અન્ય હોદ્દેદારો સોમવારે બપોરે દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે સત્તાગ્રહણ કરવા પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે મોટી સંખ્યામાં હાજર એવા શહેરના પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.ઉપરાંત મોટાભાગનાઓએ તો માસ્ક પણ પહેર્યા ન હતા.
શહેરના પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડયા
લોકો માટે નિયમો બહાર પાડતા અને તેનું અમલીકરણ કરાવતા મ્યુનિસિપલ વહીવટીતંત્રના અધિકારીઓએ સી-બ્લોકમાં આવેલી હોદ્દેદારોની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર બહાર બાઉન્સરો ઉભા રાખ્યા હતા પરંતુ આ બાઉન્સરો દ્વારા કોઈ પણ રાજકારણી કે કાર્યકરોએ માસ્ક પહેર્યા છે કે કેમ? અથવા તો તેમનું થર્મલગનથી તાપમાન માપવા કે પછી ટોળામાં લોકો ઉપર સુધી ના જાય તે જોવાની પણ તસ્દી લીધી નહોતી. જે પ્રમાણે સોમવારે મોટી સંખ્યામાં મ્યુનિ.કચેરી ખાતે ઉમટી પડયા હતા એ જોતા ખુબ નજીકના ભવિષ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ફરી એક વખત કોરોના માટેનું એપી સેન્ટર બનશે એવી મ્યુનિસિપલ કંપાઉન્ડમાં ચર્ચાઓ પણ ચાલી હતી.
23 ફેબુ્રઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના પરીણામ જાહેર કરવામાં આવ્યા બાદ 10 માર્ચે ટાગોરહોલમાં મળેલી મ્યુનિ.બોર્ડની પહેલી બેઠકમાં શહેરના મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.નિમણૂંક બાદ તમામ પાંચ હોદ્દેદારો આજે બપોરે ચારના સુમારે તેમની ચેમ્બરમાં સત્તાગ્રહણ કરવા પહોંચ્યા હતા.
આ સમયે મ્યુનિ.ભાજપના પૂર્વ નેતા અમિત શાહ,પૂર્વ કોર્પોરેટર બીપીન પટેલ સહિતના અનેક પૂર્વ કોર્પોરેટર,નેતાઓ અને વિવિધ વોર્ડના કાર્યકરો મોટી સંખ્યામાં સી-બ્લોકના ત્રીજા માળે આવેલી ચેમ્બરોમાં જયશ્રી રામ અને ભારત માતાકી જયના સૂત્રોચ્ચાર સાથે ધસી ગયા હતા.
સામાન્ય દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ પ્રશ્નને લઈ મોરચો આવવાનો હોય તો મ્યુનિ.કચેરીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવતાં હોય છે.પોલીસ અને અન્ય સુરક્ષાકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવતો હોય છે પરંતુ સોમવારે બપોરે આમનું કાંઈ જોવા ના મળ્યું. ઉપરથી જે બાઉન્સરોને મુખ્ય દરવાજા ઉપર તહેનાત કરવામાં આવ્યા હતા એ પણ ટોળામાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગર ઉપર આવેલી હોદ્દેદારોની કચેરી સુધી પહોંચતા લોકોની ભીડને મુકપ્રેક્ષક બનીને જતા જોઈ રહ્યા હતા.
મ્યુનિ.કચેરી ફરી કોરોનાનું એપી સેન્ટર બને તેવી દહેશત
ગત માર્ચ મહિનામાં અમદાવાદ શહેરમાં કોરોના મહામારી શરૂ થયા બાદ ઘણા લાંબા સમય સુધી દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિ.ની મુખ્ય કચેરી બંધ રાખવામાં આવી હતી.આ કચેરી ફરીથી શરૂ કરવામાં આવ્યા બાદ પણ ઘણી ઓફીસો પશ્ચિમના વિસ્તારોમાં લઈ જવી પડી હતી.સોમવારે જે પ્રમાણે ઘટનાક્રમ બનવા પામ્યો છે એ જોતા મ્યુનિ.ની મુખ્ય કચેરી ફરી એક વખત કોરોના માટેનું એપી સેન્ટર બનશે એવી દહેશત મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા જ વ્યકત કરવામાં આવી રહી છે.
લાંબા સમય સુધી દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિ.ની મુખ્ય કચેરી બંધ રાખવામાં આવી હતી
જે પ્રમાણે સોમવારે મ્યુનિ.ભાજપના નવનિયુકત હોદ્દેદારોના સત્તાગ્રહણ સમારોહમાં નેતાઓ,કાર્યકરો ભાન ભૂલ્યા એને જોઈ સોશિયલ મિડીયા ઉપર એવી કોમેન્ટો પણ વહેતી કરાઈ હતી કે,જય શ્રી રામ,ભારત માતા કી જય બોલો કોરોના તમારાથી દો ગજની દુરી રાખશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31