Last Updated on March 15, 2021 by
દેશમાં કોરોના સંક્રમણે ફરીથી માથું ઉચક્યું છે. સતત કેસોમાં વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે તેમજ કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન પણ આપી દેવાયું છે. એવામાં બીજી બાજુ પંજાબમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે પંજાબમાં તમામ સ્કૂલો અને આંગણવાડી કેન્દ્ર બંધ કરવાનો પંજાબ શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે.
ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ એક મહિના માટે સ્થગિત
પંજાબ સ્કૂલ શિક્ષણ બોર્ડે સોમવારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે સ્થગિત કરી દીધી છે. હવે પરીક્ષાઓ એક મહિના બાદ શરૂ કરાશે. નવી ડેટશીટ અનુસાર 12માં ધોરણની પરીક્ષાઓ 20 એપ્રિલથી શરૂ થશે અને 24 મેનાં રોજ પૂર્ણ થશે. જ્યારે 10માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થઇને 24 મે સુધી ચાલશે. આ અંગે બોર્ડના પરીક્ષા નિયામક જનક રાજ મહરોકે કહ્યું કે,‘કોરોનાને કારણે આ નિર્ણય લેવાયો છે. આ માટે બોર્ડના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કોરોનાના કેસ વધવા પર સીબીએસઈ બોર્ડ સહિતની પરીક્ષાઓની તારીખ પર ચર્ચા કરવામાં આવી. જે પછી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો.’
દેશમાં કોરોનાના કેસો વધતા PM મોદી 17મીએ તમામ રાજ્યોના CM સાથે કરશે બેઠક
દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત 24 કલાકમાં 26,291 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે 118 લોકોના મોત થયા છે. ગઈકાલે 25,320 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 99 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે. આ તમામ સમાચારો વચ્ચે મોટા સમાચાર એ છે કે મોદી 17મીએ દેશના તમામ સીએમ સાથે એક બેઠક કરી શકે છે. આ બેઠકમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે. 17 માર્ચના રોજ યોજાનારી આ બેઠકમાં વધતા કેસો અને કોરોના વેક્સિન મામલે સીએમ સાથે ચર્ચા થઈ શકે છે. પીએમ આ સમયે કોરોના વેક્સિન મામલે ફીડબેક પણ લઇ શકે છે. આ વીડિયો કોન્ફરન્સ યોજાશે.