Last Updated on March 5, 2021 by
કોરોના મહામારીને કારણે યુએસ અને યુરોપના દેશોની હાલત કફોડી બની હતી પણ હવે મરણાંક ઘટી રહ્યો છે પણ બ્રાઝિલમાં આવી કોઇ રાહત જોવા મળી નથી. મંગળવારે એક જ દિવસમાં સર્વાધિક કોરોના મરણાંક 1700 કરતાં વધારે નોંધાયો હતો. બ્રાઝિલમાં નવા વેરીઅન્ટને કારણે સ્થિતિ ઓર વણસી છે. આ વેરીઅન્ટ વધારે ચેપી છે એટલું જ નહીં તેનો ચેપ કોરોનાના દર્દીને પણ ફરી લાગે છે. બ્રાઝિલની હાલત સમગ્ર દુનિયા માટે ચેતવણી સમાન છે.
વિશ્વમાં કોરોના મૃત્યુઆંક 25,73,982 થયો
દરમ્યાન આજે દુનિયામાં કોરોનાના નવા 1,51,915 કેસ નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 115,911,297 થઇ હતી. આજે કોરોનાને કારણે 3,135 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 25,73,982 થયો હતો. બ્રાઝિલમાં કોરોનાના નવા 74,376 કેસો નોંધાયા હતા અને 1840ના મોત થયા હતા. મેક્સિકોમાં પણ કોરોનાના નવા 7800 કેસો નોંધાયા હતા અને 857 જણાના મોત થયા હતા. મેક્સિકોમાં કુલ મરણાંક 1,88,044 અને બ્રાઝિલમાં કુલ મરણાંક 2,59,402 થયો છે.
સ્પુટનિક ફાઇવ વેક્સિનનો રોલિંગ રિવ્યુ શરૂ
બીજી તરફ યુરોપિયન મેડિસિન એજન્સીએ રશિયાની કોરોના રસી સ્પુટનિક ફાઇવનો રોલિંગ રિવ્યુ શરૂ કર્યો છે. રશિયાએ આખરી તબક્કાની ટ્રાયલ પુરી થાય તે પૂર્વે જ ઉતાવળે રસીને ઇમરજન્સી વપરાશ માટે મંજૂરી આપી દેતાં તેની ટીકા થઇ હતી પણ હવે રસી સલામત અને અસરકારક જણાય છે. લેન્સેટમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર સ્પુટનિક ફાઇવ કોરોનાના ચેપને કારણે થતી ગંભીર બિમારીને અટકાવવામાં 91 ટકા અસરકારક જણાઇ છે. હાલ રશિયા અને ડઝનબંધ અન્ય દેશોમાં રશિયાની કોરોના રસીનો ઉપયોગ કરવામાં આવે છે.
જર્મનીમાં લંબાવાયું લોકડાઉન
જર્મનીમાં લોકડાઉનને 28 માર્ચ સુધી લંબાવવામાં આવ્યું છે પણ ઘણાં બિઝનેસને ફરી ખોલવાની છૂટ આપી છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ અને 16 રાજ્યોના ગવર્નર્સ વચ્ચે નવ કલાક લાંબી ચર્ચા થયા બાદ નિયંત્રણો તબક્કાવાર હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત થઇ ગઇ છે. વાળંદોને પણ અઢી મહિના બાદ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. મર્કેલ અને ગવર્નર્સ વચ્ચે દસ ફેબ્રુઆરીએ ચર્ચા થઇ ત્યારે નાના સ્ટોર્સ ખોલવા પૂર્વે દર એક લાખ રહેવાસીઓએ સપ્તાહમાં 35 કેસો જ નોંધાય એવો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.
ટોકિયો ઓલિમ્પિકમાં વિદેશી દર્શકોના પ્રવેશ પર અટકળો
દરમ્યાન જાપાનમાં ટોકિયો ઓલિમ્પિકની આયોજન કમિટીના નવા પ્રેસિડેન્ટ સિકો હાશિમોટોએ સંકેત આપ્યો હતો કે વિદેશી ફેન્સને પ્રવેશ આપવામાં નહીં આવે. જાપાની સમૂહપ્રસાર માધ્યમોમાં પ્રકાશિત અહેવાલો અનુસાર આ મતલબનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે.
ઓલિમ્પિક ગેમ્સને લઈને 80 ટકા લોકોએ વ્યક્ત કર્યો આ મત
જાપાનમાં 80 ટકા લોકો ઓલિમ્પિક ગેમ્સને મુલતવી રાખવા અથવા રદ કરવાના મતના છે. ગેમ્સમાં 11,000 રમતવીરો ભાગ લેશે. ચીને જણાવ્યું હતું કે તેઓ જુનના અંત સુધીમાં તેમની વસ્તીના 40 ટકા એટલે કે 560 મિલિયન લોકોેને કોરોનાની રસી આપી દેવા માગે છે. જો કે, અત્યાર સુધીમાં માત્ર સાડા ત્રણ ટકા વસ્તીને જ કોરોનાની રસી આપવામાં આવી છે.
શ્રીલંકામાં મુસ્લિમ દફનવિધિ સામે તમિલોનો વિરોધ
શ્રી લંકાની સરકારે લઘુમતિઓના વિરોધને પગલે કોરોનાના દર્દીઓને બાળવાને બદલે તેમને દફન કરવાની પરવાનગી આપી હતી પણ તેમના આ નિર્ણય સામે તમિલ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સરકારે મુખ્ય ટાપુથી 20 કિલોમીટરના અંતરે આવેલા એક બાય દોઢ કિલોમીટરનો વિસ્તાર ધરાવતાં ઇરાનાથીવુ ટાપુ પર કોરોનાનો ભોગ બનેલા મુસ્લિમોને દફન કરવા માટે ફાળવ્યો છે. પણ હવે ત્યાં વસતા 400 તમિલ પરિવારોએ સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. આરોગ્યસેવાના ડાયરેકટર જનરલ અસેલા ગુણવર્દને જણાવ્યું હતું કે આ કામચલાઉ ઉપાય છે. કોરોનાના દર્દીઓના શબોને દફનાવવા માટે અન્ય સ્થળોને પણ ઓળખી કાઢવામાં આવશે.
નવો વેરીઅન્ટ 43થી 90 ટકા વધારે રિપ્રોડક્ટિવ
જર્નલ સાયન્સમાં પ્રકાશિત એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છેકે કોરોના વાઇરસનો નવો વેરીઅન્ટ વધારે ચેપી છે અને તેને નાથવા જો કડક અને અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો કોરોના મહામારી ફરી મોટાપાયે ફાટી નીકળવાની શક્યતા છે. લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના સંશોધકોએ જણાવ્યું હતું કે નવો વેરીએન્ટ અગાઉના વાઇરસ કરતા 43થી 90 ટકા વધારે રિપ્રોડકશન દર ધરાવે છે. ડિસેમ્બરમાં દેખા દીધા બાદ હાલ આ વેરીઅન્ટ હવે ઇંગ્લેન્ડમાં પંદર ફેબુ્આરીએ 95 ટકા દર્દીઓમાં મોજૂદ હોવાનું જણાયું હતું. હાલ આ વેરીઅન્ટ ભારત સહિત 82 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
કોરોના વાઇરસનો વેરીઅન્ટ ફરી મચાવી શકે છે હાહાકાર
સમગ્ર યુકેમાંથી મેળવેલા નમૂનાઓની દોઢ લાખ સિકવન્સનું વિશ્લેષણ કર્યા બાદ વીઓસી 202012/01 વેરીઅન્ટનો ગ્રોથ અન્ય તમામ 307 વેરીઅન્ટસ કરતાં વધારે જણાયો હતો. સંશોધકોએ એવું તારણ કાઢ્યું હતું કે આ વેરીઅન્ટને કારણે થનારા કોરોના મૃત્યુ તથા હોસ્પિટલાઇઝેશનને ટાળવા માટે રસીકરણમાં વધારો કરવો પડશે અને શાળાઓને 2021માં બંધ રાખવી પડશે.જો આમ કરવામાં નહીં આવે તો હોસ્પિટાલાઇઝેશન અને મૃત્યુદર 2020થી વધી જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31